25

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે શહેરમાં ગંદકી ફેલાવતા એકમો સામે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત પૂર્વ અમદાવાદમાં ગંદકી ફેલાવતા 95 એકમોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ આપવાની કાર્યવાહી કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે ઝુંબેશ હાથ ધરી છે.પૂર્વ અમદાવાદના ચાર ઝોનમાં સોલિડ વેસ્ટ મામલે 95 તથા પ્લાસ્ટિક વેસ્ટ મામલે 41 નોટિસ ફટકારી 69,100 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
સોલિડ વેસ્ટ વિભાગ તરફથી પૂર્વ ઝોનના અલગ-અલગ સ્થળોએ 27 નોટિસ આપી 9,600 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે ઉત્તર ઝોનમાં 29 નોટિસ ફટકારી 12,400 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. દક્ષિણ ઝોનમાં 29 નોટિસ આપી 17,700 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો જ્યારે મધ્ય ઝોનમાં 10 નોટિસ આપી 13,500 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના નિયમો હેઠળ પૂર્વ ઝોનમાં 13 નોટિસ આપી 7 હજારનો દંડ વસૂલ કરાયો હતો જ્યારે ઉત્તર ઝોનમાં 10 નોટિસ આપી 2800 રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો હતો. દક્ષિણ ઝોનમાં 12 નોટિસ આપી 3600 જ્યારે મધ્ય ઝોનમાં 6 નોટિસ ફટકારી 2500 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગંદકી ફેલાવતા વિવિધ એકમો સામે લાલ આંખ કરવામાં આવી છે અને પરિણામે જ ચારેય ઝોનમાં તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને નોટિસ ફટકારવામાં આવી છે.