પેટ્રોલ અને ડિઝલના ભાવ ભલે આસમાને હોય, પરંતુ તંત્રને બસ ડેપોના વિકાસમાં રસ!
રાજ્ય સરકાર દ્વારા હાલમાં એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, આગામી દિવસોમાં ભલે પેટ્રોલ ડિઝલના ભાવમાં ભડકો થાય પરંતુ એસટીના ભાડામાં વધારો નહીં કરાય. સાથે જ રાજ્યના આઠ એસ.ટી. ડેપોને આધુનિક બનાવવામાં આવશે. એસટી નિગમ દર વર્ષે 1 હજાર કરોડની ખોટ કરે છે. ખોટ ખાતી એસ.ટી. બસના ભાડામાં હાલ પુરતો કોઇ વધારો નહીં થાય તેવી જાહેરાત વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવી છે.
વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે,"નાગરિકો પાસેથી ખરાબ રસ્તા રિપેર કરવાની 350 ફરિયાદ મળી હતી. આ તમામ નું વીડિયો રેકોર્ડિંગ જોયું હતું. આ તમામ રોડની પરિસ્થિતિ જોતાં 233 રોડ-રસ્તા રિસરફેશ કરવા પડે તેમ હોવાથી તેને રિપેરિંગ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. આ સિવાય એસ.ટી. બસનો વધુમાં વધુ ઉપયોગ પણ જરુરિયાતમંદ લોકો તેમજ મધ્યમ વર્ગ કરતો હોય છે. તેથી એસ.ટી. બસના ભાડામાં હાલ પુરતો કોઇ વધારો ન કરવાનો નિર્ણય પણ લેવાયો છે.
રાજ્યમાં અનેક ડેપોનું નવીનીકરણ કરાશે. નવસારી, પાલનપુર, અમરેલી, ભરૂચ, મોડાસા, ભુજ, પાટણ, નડિયાદના ડેપો વિકસાવવાશે. વરસાદ કે ચોમાસા બાદ અનેક રોડ રસ્તાની સ્થિતિ કથળી ગઈ છે..તેવામાં રાજ્યના 2406 કિલોમીટરના 233 રોડ 1937 કરોડના ખર્ચે રિસરફેશ કરવામાં આવશે. એસટી નિગમ દ્રારા જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી ક્યારે શરૂ થશે તે એક મોટો પ્રશ્ન છે.