Gujarat Petrol-Diesel Update: રાજકોટમાં ડીલરોની આઈઓસીમાં રજૂઆત
રાજકોટ (Rajkot) શહેર અને જિલ્લામાં ઇંધણનો જથ્થા અંગે રાજકોટ પેટ્રોલ ડીલર એસોસિએશન (Rajkot Petrol Dealer Association) દ્વારા આઈઓસી (IOC) કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટ (Middle East) યુદ્ધની અસર હવે સ્થાનિક સ્તરે દેખાઈ રહી છે. બે-ત્રણ દિવસે જથ્થો મળતા ડીલરોને મુશ્કેલી પડી રહી છે, જેના કારણે સપ્લાય ચેઈન (Supply Chain) ખોરવાઈ છે. જોકે, પેટ્રોલ ડીઝલ એસોસિએશનના (Petrol Diesel Association) ધીમંતભાઈએ (Dhimantbhai) ખાતરી આપી છે કે જિલ્લામાં પૂરતો જથ્થો છે અને કંપનીઓએ સ્ટોક આપવાની બાંહેધરી આપી છે.
Gujarat Petrol-Diesel Update: જિલ્લા કલેક્ટરો અને તંત્રની સ્પષ્ટતા
બીજી બાજુ રાજકોટના (Rajkot) જિલ્લા કલેક્ટર (District Collector) ડૉ. ઓમ પ્રકાશે (Dr. Om Prakash) સ્પષ્ટ કર્યું છે કે જિલ્લાના તમામ 361 પેટ્રોલ પંપ (Petrol Pump) પર પુરવઠો યથાવત છે. તેમણે લોકોને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરી છે. આવી જ રીતે સુરત (Surat) અને ભરૂચમાં (Bharuch) પણ લોકો કાળઝાળ ગરમીમાં લાઈનો લગાવી રહ્યા છે, પરંતુ સંચાલકોના મતે આ માત્ર અફવા છે. જામનગરમાં (Jamnagar) કરાયેલા રિયાલિટી ચેકમાં (Reality Check) મોટાભાગના પંપ પર સ્થિતિ સામાન્ય જોવા મળી છે.
Gujarat Petrol-Diesel Update: ક્યાં કેવી સ્થિતિ?
ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે ભાવનગર (Bhavnagar) અને જામનગરમાં સ્થિતિ સામાન્ય છે. બંને જીલ્લામાં સરળતાથી પેટ્રોલ-ડિઝલ મળી રહ્યું છે. વાહનચાલકોએ પણ કહ્યું કે આ માત્ર અફવા છે, તેના પર ધ્યાન ન આપવું જોઈએ.
અમદાવાદના પશ્ચિમ (West Ahmedabad) વિસ્તારમાં માનવ મંદિર (Manav Mandir) પાસે કેટલાક પંપો પર જથ્થો ખૂટ્યો હતો, જ્યારે પકવાન (Pakwan) અને ડ્રાઇવ-ઇન રોડ (Drive-in Road) પરના પંપો પર ભારે ભીડ જોવા મળી હતી. પેટ્રોલ ડિલર એસો.ના ટ્રેઝરરે આપ્યું નિવેદન આપ્યું છે. જણાવ્યું કે રજાના દિવસો આવતા કેટલાક પેટ્રોલ પંપમાં જથ્થો ખૂટ્યો છે. સાંજ સુધી તમામ પેટ્રોલ પંપ પર જથ્થો પહોંચી જશે.
સુરતમાં કેવી સ્થતિ?
સુરત શહેરમાં છેલ્લા થોડા સમયથી પેટ્રોલની અછત હોવાની સોશિયલ મીડિયા પર ચાલેલી ખોટી અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે. હકીકતમાં, પેટ્રોલ ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે માત્ર ક્રેડિટ બાબતે આંતરિક વિવાદ હતો, જેને લોકોએ અછત માની લીધી હતી. પરિસ્થિતિને જોતા રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તંત્રએ નાગરિકોને સોશિયલ મીડિયાની ભ્રામક વાતોમાં ન દોરાવા અને ખોટી રીતે પેનિક થઈ લાઈનો ન લગાવવા અનુરોધ કર્યો છે. હાલમાં તમામ પંપો પર વ્યવસ્થા સામાન્ય છે અને લોકો શાંતિથી ઇંધણ મેળવી શકે છે.
Bharuch: પેટ્રોલ-ડીઝલની અછતની અફવાને પગલે પેટ્રોલ પંપો પર ભીડ
ભરૂચમાં પેટ્રોલ-ડીઝલની અછત વર્તાશે તેવી અફવા ફેલાતા વાહનચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ભરબપોરે કાળઝાળ ગરમી હોવા છતાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે, પેટ્રોલ પંપ સંચાલકોએ સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સંચાલકોએ નાગરિકોને ગભરાટમાં ન આવવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા ખાસ અપીલ કરી છે.
ગુજરાત સરકારની સત્તાવાર સ્પષ્ટતા: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
ગુજરાતના અમુક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની ફેલાયેલી અફવાઓ વચ્ચે આજે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન આપીને રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની જાહેર જનતાને મહત્વની ખાતરી આપવામાં આવી છે. આ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખાંધારે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ પેટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લગાવવાની અને પેનિક થવાની જરૂર નથી. આ ઉપરાંત રાજ્યમાં પૂરતો ઇંધણનો 'બફર સ્ટોક' પણ ઉપલબ્ધ છે, જેથી કોઈએ ગભરાવાની કે ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. અધિક મુખ્ય સચિવે ઉમેર્યું હતું કે, અમુક જગ્યાએ પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના સમાચાર માત્ર અફવા છે. આ ઉપરાંત જો કોઈ ડીલર પાસે જથ્થો હોવા છતાં જાણીજોઈને પંપ બંધ રાખશે અથવા જનતાને હેરાન કરશે, તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની કડક ચેતવણી
રાજ્યમાં સર્જાયેલી આ સ્થિતિ પર નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (DyCM Harshbhai Sanghavi) મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, "આપણી પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, લોકોએ ડરવાની કોઈ જરૂર નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે જે લોકો ખોટી અફવા ફેલાવી રહ્યા છે અથવા ઇંધણની કાળાબજારી (Black Marketing) કરશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. DYCM હર્ષભાઈ સંઘવીએ રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને (DGP) આ અંગે સતત મોનિટરિંગ કરવા સૂચના આપી છે.
હાલમાં ભારત (India) કુલ 40 દેશોમાંથી પેટ્રોલની આયાત કરે છે અને સરકારે ભાવમાં કોઈ વધારો કર્યો નથી. જનતાને અપીલ કરવામાં આવે છે કે તેઓ જરૂર પૂરતું જ ઇંધણ પુરાવે જેથી કૃત્રિમ અછત ન સર્જાય.
આ પણ વાંચોઃ Israel US Iran War: 'અમારી ધમકીથી અમેરિકા ડરી ગયું', ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર ઈરાનનો જવાબ