Ahmedabad Rath Yatra 2026: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રથયાત્રાને લઈને શહેરમાં તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં મુખ્ય આકર્ષણ બનતા અખાડાઓએ પોતાની કવાયત શરૂ કરી દીધી છે. અખાડાના વીરો વિવિધ પરંપરાગત કરતબો અને દાવપેચોની પ્રેક્ટિસ કરી રહ્યા છે જેથી રથયાત્રા દરમિયાન ભક્તો અને દર્શકોને રોમાંચક પ્રદર્શન જોવા મળે.
30 જેટલા અખાડાઓ જોડાશે રથયાત્રામાં
અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે મોટી સંખ્યામાં અખાડાઓ ભાગ લેતા હોય છે. આ વર્ષે પણ અંદાજે 30 જેટલા અખાડાઓ રથયાત્રામાં જોડાવાની તૈયારીમાં છે. અખાડાઓના ખેલાડીઓ સવાર અને સાંજના સમયે નિયમિત અભ્યાસ કરી રહ્યા છે. પરંપરાગત કલા અને શૌર્યનું પ્રદર્શન કરતી આ અખાડા સંસ્કૃતિ રથયાત્રાની વિશેષ ઓળખ બની ગઈ છે. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે અને યુવા પેઢી પણ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે.
ભાલા, તલવારબાજી અને લાઠીમારના કરતબ રહેશે આકર્ષણનું કેન્દ્ર
રથયાત્રા દરમિયાન અખાડાના વીરો ભાલા ચલાવવાની કળા, તલવારબાજી, લાઠીમાર સહિત અનેક પ્રકારના દાવપેચોનું પ્રદર્શન કરશે. આ કરતબો માત્ર મનોરંજન પૂરતા મર્યાદિત નથી, પરંતુ શારીરિક ક્ષમતા, અનુશાસન અને પરંપરાગત યુદ્ધકળાનું પણ પ્રતિક માનવામાં આવે છે. અખાડાના સભ્યો હાલ વિવિધ કરતબોમાં નિપુણતા મેળવવા માટે સતત મહેનત કરી રહ્યા છે.
રથયાત્રાની પરંપરામાં અખાડાઓનું વિશેષ મહત્વ
અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા દેશભરમાં પ્રસિદ્ધ છે. રથયાત્રામાં ભગવાનના રથોની સાથે આગળ વધતા અખાડાઓ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહે છે. અખાડાના વીરો દ્વારા કરવામાં આવતા કરતબો રથયાત્રાની ભવ્યતા અને ઉત્સાહમાં વધારો કરે છે. પરંપરાગત રીતે અખાડાઓ રથયાત્રાનો અભિન્ન ભાગ રહ્યા છે અને આ વર્ષે પણ તેઓ પોતાની કળા અને શૌર્યનું અનોખું પ્રદર્શન કરીને દર્શકોનું મન મોહી લેશે.
આ પણ વાંચો: Rajkot Airport પર મોટી દુર્ઘટના ટળી! ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, 124 મુસાફરોના શ્વાસ અધ્ધર!