Ahmedabad: "સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરો", હાઇકોર્ટ પરિસરને શ્વાનમુક્ત કરવા સીનિયર એડવોકેટનું અલ્ટીમેટમ
- ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) માં રખડતા શ્વાનનો ત્રાસ
- હાઇકોર્ટના સિનિયર એડવોકેટ અસીમ પંડ્યાએ લખ્યો પત્ર
- હાઇકોર્ટના ચીફ જસ્ટિસને લખ્યો 10 પાનાનો પત્ર
- 4 ફેબ્રુઆરી સુધી તમામ રખડતા શ્વાન હટાવવાની કરી માગ
- રખડતા શ્વાન નહીં હટે તો વકીલો કરશે પ્રવેશબંધી
- સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાની કરી વકીલે માગ
Ahmedabad: ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ના કેમ્પસમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. હાઈકોર્ટ પરિસરમાં વકીલો, પક્ષકારો અને કર્મચારીઓ પર વધતા જતા શ્વાનોના હુમલાને લઈને હવે કાયદાકીય આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દે હાઈકોર્ટના સીનિયર એડવોકેટ અસીમ પંડ્યાએ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને 10 પાનાનો વિગતવાર પત્ર લખી તાત્કાલિક પગલાં ભરવા રજૂઆત કરી છે.
ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) માં રખડતા શ્વાનનો આતંક
પત્રમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ, કોર્ટ કેમ્પસમાં શ્વાનોની મુક્તપણે અવરજવરને કારણે વકીલો અને પક્ષકારોમાં સતત ભયનો માહોલ રહે છે. એડવોકેટ અસીમ પંડ્યાએ પત્રમાં જણાવ્યું છે કે, ન્યાયના ધામમાં સુરક્ષાનો અભાવ હોય તે અત્યંત ચિંતાજનક બાબત છે.
4 ફેબ્રુઆરી સુધીનું અલ્ટીમેટમ
સીનિયર એડવોકેટે આ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પત્રમાં માગ કરવામાં આવી છે કે, 4 ફેબ્રુઆરી સુધીમાં હાઈકોર્ટ પરિસરમાંથી તમામ રખડતા શ્વાનોને હટાવવામાં આવે. જો આ સમયમર્યાદામાં યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે, તો વકીલો દ્વારા હાઈકોર્ટમાં પ્રવેશબંધી (કોર્ટ રૂમમાં પ્રવેશ ન કરવો) જેવા આક્રમક આંદોલનાત્મક પગલાં ભરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાની માગ
અસીમ પંડ્યાએ પત્રમાં સુપ્રીમ કોર્ટના વિવિધ આદેશોનો પણ હવાલો આપ્યો છે. તેમણે માગ કરી છે કે નાગરિકોની સુરક્ષા માટે સર્વોચ્ચ અદાલતે જે દિશાનિર્દેશો આપ્યા છે તેનું પાલન હાઈકોર્ટ પરિસરમાં પણ થવું જોઈએ. કૂતરાઓના ડરને કારણે વકીલો અને પક્ષકારો મુક્તપણે અવરજવર કરી શકતા નથી, જે સીધી રીતે કામગીરી પર અસર કરે છે.હવે જોવાનું એ રહેશે કે ચીફ જસ્ટિસ આ પત્રની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રને કેવા આદેશો આપે છે અને શું 4 ફેબ્રુઆરી પહેલા હાઈકોર્ટ પરિસર શ્વાનમુક્ત બને છે કે નહીં.
આ પણ વાંચો: Navnit Baladhiya Case માં કોળી સમાજ હવે લડાયક મૂડમાં, આ તારીખે યોજાશે 'મહાસભા'


