64

રાજ્ય સરકાર દ્વારા સી પ્લેનની ભેટ અમદાવાદીઓને આપવામાં તો આવી પરંતુ આ ભેટ ફક્ત શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સી પ્લેનની સેવાનું ઉદ્ઘઘાટન જોરશોરથી કરવામાં આવ્યુ હતુ. પરંતુ આ ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા સી પ્લેન માત્ર અમદાવાદીઓના સપનામાં જ ઉડતું દેખાઈ રહ્યુ છે. સાબરમતી રિવરફ્રન્ટની શોભા ગણાતા સી પ્લેનને અવારનવાર રિપેરિંગ માટે માલદિવ મોકલાતું હતું.
કરોડો રૂપિયાના ખર્ચે રિવરફ્રન્ટનું નિર્માણ થયું છે. રીવરફ્રન્ટની શોભામાં વધારો કરવા માટે PM મોદી દ્વારા રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની સફર માટે સી-પ્લેનની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ દર વખતે કોઈને કોઈ કારણોસર સી-પ્લેનમાં ખામી સર્જાતા તે બંધ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારનો આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેકટ 15 મહિનાથી બંધ છે. ત્યારે આગામી જૂન મહિનામાં સી-પ્લેનની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજયના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, સી-પ્લેન સેવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. હવે એપ્રિલ મહિનામાં સી-પ્લેન સેવા આપવા માટે કંપનીની પસંદગી થયા પછી જૂન મહિનામાં પુન: સી પ્લેન શરૂ થશે.
15 મહિના બાદ જૂનમાં આ ડ્રિમ પ્રોજેક્ટ ફરી શરૂ થાય તેવી કવાયત હાથ ધરાઈ છે. અમદાવાદ,સુરત અને મુંબઈ એમ ત્રણ જગ્યાએથી ટેન્ડર પસંદ કરવામાં આવ્યા છે. ટેન્ડર પાસ કરી વહેલી તકે આ ડ્રિમ પ્રોજેક્ટ શરૂ કરાય તે માટેની કામગીરી હાથ ધરાઈ છે. આશા છે કે જૂન મહિનામાં આ પ્રોજેક્ટ શરૂ થાય અને અમદાવાદીઓ ફરી તેની મજા માણી શકે.