25

નોકરી માટે રેલવેના પાટાને ઉખાડવાનો પ્લાન કરનાર ત્રિપુટીની પોલીસે ધરપકડ કરી છે. ૨૧મી ફેબ્રુઆરીના રોજ જ્યારે રેલવેના કર્મચારીઓ ટ્રેક પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મોરૈયાથી મટોડા વચ્ચેના 100 મીટરના વિસ્તારમાં 134 સલેપાટના 268 એન્કર ઉઘાડી આજુબાજુના ઝાડીઝાખરામાં ફેંકી દીધા હોવાનું માલુમ પડ્યું હતું. જેને લઈને રેલવે પોલીસ આરોપીને શોધવા કામે લાગી હતી. અને આ ગુનામાં રેલવે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. અને આ ત્રણેય આરોપી નોકરી માટે આટલો મોટો પ્લાન ઘડ્યો હતો
રેલ્વે સ્ટેશન વચ્ચે પાટાના જોઈન્ટ, વેલ્ડીંગ, પોઇન્ટ્સના બોલ્ડ, સલેપાટ ચેક કરતા પાટા પર પ્રેશર મેન્ટેન માટે લગાવામાં આવેલા 134 સલેપાટના 286 એન્કર અજાણ્યા શખ્સોએ કાઢી નાખ્યા હતા. અને ઝાડી ઝાખરમાં ફેંકી દીધા હતા. જે અંગે પોલીસને જાણ કરતા સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તપાસ હાથ ધરી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. રેલવે પોલીસે પકડેલા ત્રણ આરોપીના નામ પ્રહલાદ મકવાણા ,પરબત ચુનારા,સંદીપ મકવાણા છે, ત્રણેય આરોપીઓ સાણંદમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. પ્રહલાદ રેલવે ટ્રેકની દેખરેખ રાખતી પાર્થ સિક્યુરિટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. પરબત અને સંદીપ નોકરીની શોધમાં હતા ત્યારે તેમનો સંપર્ક પ્રહલાદ મકવાણા સાથે થયો હતો. પ્રહલાદે તેના બંને મિત્રોને હાલમાં સિક્યુરિટીમાં નોકરી ખાલી નથી તેમ જણાવ્યું હતું. પણ મટોડા ગેટ નંબર 45/C થી મોરૈયા રેલવે સ્ટેશન તરફ હાલમાં કોઈ સિક્યુરિટી રાખવામાં આવી નથી. જેથી તમે પાટા પર લાગેલા એન્કર કાઢી નાંખો તો રેલવેવાળા ત્યાં સિક્યુરિટીની વ્યવસ્થા કરશે અને તમને સિક્યુરિટીમાં નોકરી મળી જશે. પ્રહલાદના કહેવાથી પરબત અને સંદીપ બંને આરોપીએ રેલવે પાટાના 134 સલેપાટના 268 એન્કર કલીપ કાઢી નાખી હતી. જેને લઈને રેલવે પોલીસે ગુનામાં સામેલ ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.