Transfer Fee ના નામે ઉઘરાણી સામે હાઈકોર્ટમાં ધા: હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ, આગામી મહિને સુનાવણી
Housing Society Transfer Fee Controversy: અમદાવાદના આંબાવાડી વિસ્તારની પ્રતિષ્ઠિત માણેકબાગ સોસાયટી (Manekbag Society) માં નવા સભ્ય પાસેથી ₹20 લાખની તોતિંગ ડેવલપમેન્ટ ફી માંગવાના મુદ્દે વિવાદ ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) પહોંચ્યો છે. સોસાયટી દ્વારા કરાયેલી અરજી પર હાઈકોર્ટે સહકારી રજિસ્ટ્રાર દ્વારા કરાયેલી ઓડિટરની નિમણૂક પર વચગાળાનો સ્ટે આપી આગામી સુનાવણી આવતા મહિને મુલતવી રાખી છે.
Advertisement
Transfer Fee: રાજ્યમાં સહકારી હાઉસિંગ સોસાયટીઓમાં મિલકત ટ્રાન્સફર અને ડેવલપમેન્ટ ચાર્જીસના નામે વસૂલાતી તોતિંગ રકમનો વિવાદ ફરી એકવાર ચર્ચાની એરણે ચડ્યો છે. અમદાવાદ શહેરના પોશ ગણાતા આંબાવાડી (Ambawadi) વિસ્તારની જૂની માણેકબાગ સોસાયટી (Manekbag Society) માં નવા મિલકતધારક પાસેથી નિયમોથી વિપરીત ₹20 લાખ જેટલી માતબર ડેવલપમેન્ટ ફી માંગવામાં આવી હોવાનો ગંભીર વિવાદ સામે આવ્યો છે.
આ મામલે સહકારી રજિસ્ટ્રાર દ્વારા તપાસ માટે ઓડિટરની નિમણૂક કરવામાં આવતાં સોસાયટી મેનેજમેન્ટે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) ના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે સુનાવણી બાદ રજિસ્ટ્રારના ઓડિટર નિમણૂકના આદેશ સામે વચગાળાનો સ્ટે (Interim Stay) મંજૂર કર્યો છે.
નવા સભ્ય પાસેથી ₹20 લાખની ડેવલપમેન્ટ ફી માંગવાનો આક્ષેપ
મળતી વિગતો અનુસાર, માણેકબાગ સોસાયટીમાં તાજેતરમાં એક મકાન ખરીદી કરનાર નવા સભ્ય પાસે સોસાયટીના સંચાલકો દ્વારા 'ડેવલપમેન્ટ ચાર્જ' ના નામે ₹20 લાખની માંગણી કરવામાં આવી હતી. ખરીદનાર પક્ષે આટલી મોટી રકમ ભરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને સહકારી મંડળીઓના નિયમ મુજબ આ વસૂલાત ગેરકાયદે હોવાનું જણાવી સહકારી રજિસ્ટ્રાર સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે રજિસ્ટ્રારે સોસાયટીના નાણાકીય હિસાબો અને નિયમોના ઉલ્લંઘનની તપાસ કરવા માટે એક વિશેષ ઓડિટરની નિમણૂક કરવાનો આદેશ કર્યો હતો.
સરકારનો નિયમ: વધુમાં વધુ ₹1 લાખ અથવા મિલકતના 0.5% મર્યાદા
ગુજરાત સરકારના સહકાર વિભાગના પ્રવર્તમાન પરિપત્ર અને નિયમો અનુસાર, કોઈપણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી નવા સભ્ય કે મકાન ખરીદનાર પાસેથી ટ્રાન્સફર ફી પેટે મિલકતની કુલ દસ્તાવેજ કિંમતના માત્ર 0.5 ટકા અથવા મહત્તમ ₹1,00,000 (એક લાખ રૂપિયા) - આ બંનેમાંથી જે ઓછું હોય તેટલી જ રકમ વસૂલી શકે છે. આ કાયદાકીય મર્યાદા હોવા છતાં અનેક સોસાયટીઓ 'ડેવલપમેન્ટ ફંડ', 'મેન્ટેનન્સ ડિપોઝિટ' કે અન્ય હેડ હેઠળ લાખો રૂપિયાની બળજબરીપૂર્વક ઉઘરાણી કરતી હોવાની ફરિયાદો અવારનવાર ઊઠતી રહે છે. માણેકબાગ સોસાયટીના કેસમાં પણ આ સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનો મુદ્દો કાનૂની દલીલોમાં ઉપસ્થિત થયો હતો.
ઓડિટરની નિમણૂક સામે સોસાયટી હાઈકોર્ટ પહોંચી, મળ્યો સ્ટે
ગુજરાત હાઈકોર્ટે રજિસ્ટ્રારના ઓડિટર નિમણૂકના આદેશ પર હાલ પૂરતો વચગાળાનો સ્ટે આપી દીધો છે. આ હાઈપ્રોફાઈલ કેસની વધુ અને વિગતવાર સુનાવણી આગામી મહિને હાથ ધરવામાં આવશે.
Advertisement

