Unseasonal rain in Gujarat : રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી
- Unseasonal rain in Gujarat : આગામી 5 દિવસ વરસાદની આગાહી
- હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
- અરબસાગરમાં ડિપ્રેશન બનતા વરસાદની શક્યતા
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર
- રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના
- દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ કરાયું જાહેર
- તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો થઇ શકે છે ઘટાડો
Unseasonal rain in Gujarat : દિવાળીના તહેવાર બાદ હવામાન વિભાગ તરફથી આગામી દિવસો માટે ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને એક મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં એક શક્તિશાળી 'ડિપ્રેશન' (હવાનું હળવું દબાણ) સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે અને સર્વત્ર વરસાદી માહોલ સર્જાયો છે. આ ડિપ્રેશનની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને ઉત્તર અને મધ્ય ગુજરાત સુધી જોવા મળી રહી છે. આ વરસાદી સિસ્ટમ કેટલી ગંભીર છે અને કયા જિલ્લાઓ પર તેની સૌથી વધુ અસર થશે, તે વિગતો જાણવી દરેક નાગરિક માટે અત્યંત જરૂરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે રાજ્યમાં કેટલા કેટલો વરસાદ પડ્યો અને આગામી દિવસોમાં વરસાદની કેટલી સંભાવનાઓ છે.
મોરબી જિલ્લામાં કમોસમી વરસાદનું વિઘ્ન
October 27, 2025 5:11 pm
મોરબી જિલ્લાના વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે કમોસમી વરસાદનું આગમન થયું છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં, જેમાં મુખ્યત્વે મોરબી, વાંકાનેર અને માળિયા પંથકનો સમાવેશ થાય છે, ત્યાં ધીમી ધારે વરસાદ નોંધાયો છે. ચોમાસાની વિદાય બાદ પડેલા આ અણધાર્યા વરસાદના કારણે ખેતરોમાં ઊભા પાકોને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે, જેને પગલે જિલ્લાના ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.
સાવરકુંડલાના MLA Kaswala Mahesh એ CM અને કૃષિમંત્રીને લખ્યો પત્ર
October 27, 2025 4:22 pm
અમરેલી જિલ્લામાં પડી રહેલા અસામાન્ય કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન અંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ રાજ્યના મુખ્યમંત્રી (CM) અને કૃષિમંત્રીને પત્ર લખીને તાત્કાલિક સહાયની માગ કરી છે. ધારાસભ્ય કસવાલાએ પત્રમાં જણાવ્યું છે કે કમોસમી માવઠાનો માર એટલો ભયંકર છે કે અનેક ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે ખેડૂતોએ આ અંગે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરી છે. આ વરસાદથી મગફળી, કપાસ અને ડુંગળી સહિતના મુખ્ય પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું મહેશ કસવાલાએ પોતાના પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું.
અમરેલીના ખાંભામાં રાયડી ડેમ છલકાયો
October 27, 2025 4:18 pm
રાજ્યમાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે અનેક જળાશયો છલકાયા છે અને નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. અમરેલીના ખાંભામાં રાયડી ડેમ સંપૂર્ણપણે છલકાઈ ગયો છે, જેના કારણે રાયડી નદી બે કાંઠે વહેવા લાગી છે અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત, જેસરમાં ભારે વરસાદ થતાં માલણ ડેમના 30 દરવાજા ખોલવાની ફરજ પડી છે. તાપીના સોનગઢમાં પણ ડોસવાડા ડેમ ઓવરફ્લો થતાં 10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જોકે ખેડૂતોમાં આ ડેમ છલકાવાથી આનંદની લાગણી છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના પણ 3 દરવાજા ખોલવામાં આવ્યા છે અને હાલમાં 46418 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આ દરમિયાન શાંતિનગર, કોટામુઈ અને બિલા જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે.
મહેસાણા જિલ્લામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ
October 27, 2025 3:58 pm
મહેસાણા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતાં વાદળછાયા માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો છે. જિલ્લાના અનેક ભાગોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. ખાસ કરીને બહુચરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં સુરપુરા, મંડાલી, ચંદ્રોડા અને સુરજ જેવા ગામોનો સમાવેશ થાય છે. ગ્રામીણ વિસ્તારોમાં પડેલા આ કમોસમી ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે, કારણ કે તૈયાર પાકોને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.
રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી
October 27, 2025 3:46 pm
હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, અરબી સમુદ્રમાં સર્જાયેલા દબાણ અને બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલા 'મોન્થા' વાવાઝોડાને કારણે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. આગાહી મુજબ, મોન્થા વાવાઝોડું આવતીકાલે, 28 ઓક્ટોબરના રોજ સાંજે આંધ્રપ્રદેશના દરિયા કિનારે ટકરાશે, જેની ગતિ 90 થી 100 કિમી પ્રતિ કલાકની રહેશે. વાવાઝોડું આગળ વધતા ઓડિસાથી છત્તીસગઢ તરફ જશે અને તેના કારણે ભારે વરસાદ પડશે. આ સિસ્ટમની અસરરૂપે, અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યું છે, જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આવતા 3 દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદ થવાની સંભાવના છે અને આવતીકાલથી રાજ્યમાં 40 કિમીની ગતિથી પવન ફૂંકાશે. આ ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને 30 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે.
પાટણ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ
October 27, 2025 3:42 pm
પાટણ જિલ્લાના વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ખાસ કરીને હાજીપુર, ગોલાપુર, માતરવાડી અને ખલીપુર જેવા ગામોમાં ભારે પવન સાથે માવઠું નોંધાયું છે. આ ઉપરાંત, જિલ્લાના સમી અને હારીજ તાલુકાના હારીજ, આડિયા, આસલડી, દુનાવાડા, સમી, નાની ચાંદુર, મોટી ચાંદુર અને રવદ જેવા વિસ્તારોમાં પણ હળવા પવન સાથે વરસાદ પડ્યો હતો. ચોમાસાની વિદાય બાદ આવેલા આ અણધાર્યા કમોસમી માવઠાથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે ઉભા અને તૈયાર પાકોને નુકસાન થવાની સંભાવના છે.
તાપીમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન
October 27, 2025 3:41 pm
તાપી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતો પર મોટો ફટકો માર્યો છે, જેના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ચીખલદા ગામે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખેડૂતો પોતાનો તૈયાર પાક બચાવવા માટે દોડધામ કરતા નજરે પડ્યા હતા. વરસાદના કારણે ખેતરોમાંથી ભીના થઈ ગયેલા ડાંગર અને પુરિયા બહાર કાઢવાની મહેનત ખેડૂતો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કે પલળી ગયેલા પાકનો યોગ્ય ભાવ મળશે કે નહીં, છતાં તેમને આશા છે કે સરકાર કે વેપારીઓ દ્વારા તેમના ભીના ડાંગરનો પોષણક્ષમ ભાવ મળી રહેશે, જેથી થયેલા નુકસાનમાંથી રાહત મળી શકે.
બોટાદ જિલ્લામાં માવઠાથી પરેશાન ખેડૂતોએ સહાયની માગ કરી
October 27, 2025 3:37 pm
બોટાદ જિલ્લામાં હાલમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. જિલ્લાના ગઢડા, રાણપુર અને બરવાળા જેવા તાલુકાઓમાં અણધાર્યા માવઠાને લીધે ખેતીને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ, મગફળી, બાજરી અને જુવાર જેવા મુખ્ય પાકોને મોટો ફટકો પડ્યો છે. ખેતરોમાં તૈયાર કાઢેલી મગફળી વરસાદમાં પલળી જતાં નુકસાનની ભીતિ વધી છે. ઉપરા-ઉપરી માવઠાના મારથી ખેડૂત પાયમાલ થઈ રહ્યો હોવાથી, જિલ્લાના ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરીને યોગ્ય સહાય આપવાની માગ કરી છે.
Gir Somnath : ઉનાનું ખંઢેરા ગામ સંપર્ક વિહોણું બન્યું
October 27, 2025 3:29 pm
ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું ખંઢેરા ગામ ભારે વરસાદના કારણે હાલમાં સંપર્ક વિહોણું બની ગયું છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ગામને મુખ્ય માર્ગ સાથે જોડતો લો-લેવલ કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ કોઝવે ડૂબી જવાના કારણે ખંઢેરા ગામના લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે અને દૈનિક અવરજવર ખોરવાઈ ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિમાં ગુજરાત ફર્સ્ટની ટીમ તંત્રના પહોંચતા પહેલા ત્યાં પહોંચી હતી. સ્થાનિકોની હવે એક જ મુખ્ય માગ છે કે ભવિષ્યમાં આવી સ્થિતિ ટાળવા માટે આ કોઝવેને ઊંચો બનાવવામાં આવે.
અમરેલીના રાજુલામાં પૂરના પ્રવાહમાં દૂધના કેન ભરેલી આખી ગાડી તણાઈ
October 27, 2025 3:22 pm
અમરેલી જિલ્લાના રાજુલા નજીક કમોસમી વરસાદની ભયાનક અસર જોવા મળી છે, જ્યાં રામપરા જવાના કોઝવે પર પૂરના પ્રવાહમાં દૂધના કેન ભરેલી એક આખેઆખી ગાડી તણાઈ ગઈ હતી. પાણીનો પ્રવાહ એટલો ધસમસતો હતો કે ગાડી ક્ષણભરમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. સદનસીબે, ગાડીના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો છે. ડ્રાઇવર જીવના જોખમે મોત સામે ઝઝૂમી રહ્યો હતો, ત્યારે સ્થાનિક લોકોની મદદથી મહામહેનતે દોરડા વડે તેને પાણીના પ્રવાહમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના દૂધના પરિવહનને મોટું નુકસાન પહોંચાડવાની સાથે સાથે પૂરના પ્રવાહની ગંભીરતા દર્શાવે છે.
સુરત : કમોસમી વરસાદ અને ઉકાઈ ડેમના પાણીએ છઠ પૂજાની તૈયારીઓ ખોરવી
October 27, 2025 3:19 pm
સુરતમાં આગામી 27 અને 28 ઓક્ટોબરના રોજ યોજાનારી છઠ પૂજાની તૈયારીઓમાં કમોસમી વરસાદ અને ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે મોટું વિઘ્ન આવ્યું છે. સિંગણપોર વિયર કમ કોઝવે પાસે પૂજા માટે જે તૈયારીઓ કરવામાં આવી હતી, તેમાં મંડપ અને પૂજા માટે તૈયાર કરાયેલ ડેરીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તાપી નદી બે કાંઠે વહેવા લાગી છે, જેના પગલે રવિવારે રાત્રે 10 વાગ્યે કોઝવેની સપાટી 6.82 મીટર પર પહોંચી હતી. આ કારણે છઠ પૂજા માટેની તમામ તૈયારીઓ ખોરવાઈ ગઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં બિહાર વિકાસ મંડળના અધ્યક્ષે ભક્તોને તાપી કાંઠે છઠ પૂજા કરવા ન આવવા માટે અપીલ કરી છે, જેને પગલે ભક્તોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.
ગાંધીનગરના દહેગામમાં કપાસ, મગફળી સહિતના પાકને નુકસાન
October 27, 2025 2:57 pm
ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં અચાનક કમોસમી વરસાદ (માવઠા)નું આગમન થયું છે, જેને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. આ અણધાર્યા માવઠાને પગલે ખેતરોમાં ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને કપાસ, મગફળી અને અડદના પાકને આ વરસાદથી સૌથી વધુ અસર થવાની સંભાવના છે. એક તરફ વરસાદ અને બીજી તરફ ઠંડીના કારણે સર્જાયેલા બે ઋતુના માહોલથી ખેત પેદાશોના નુકસાનની સાથે સાથે દહેગામ પંથકમાં રોગચાળો ફેલાવવાનો પણ ભય ઊભો થયો છે.
વાદળછાયા વાતાવરણ વચ્ચે દ્વારકાના દરિયામાં કરંટ
October 27, 2025 2:08 pm
હવામાનમાં આવેલા પલટા અને વાદળછાયા વાતાવરણના કારણે દ્વારકાના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં સર્જાયેલા તોફાનના પગલે દરિયાકિનારે 6 થી 7 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના કારણે દરિયો અત્યંત તોફાની બન્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. હવામાન વિભાગ દ્વારા તારીખ 30 ઓક્ટોબર સુધી વાતાવરણ ખરાબ રહેવાની અને 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને ઓખા બંદરે સતત ત્રીજા દિવસે પણ 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
રાજુલાના ઊંચૈયા ગામમાં પૂર જેવી સ્થિત, MLA હીરા સોલંકીએ જીવના જોખમે 50 લોકોનું રેસ્ક્યૂ કર્યું
October 27, 2025 1:43 pm
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભારે વરસાદના કારણે ઊંચૈયા ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈને બેટમાં ફેરવાઈ ગયું હતું, જેને કારણે ગામમાં અનેક લોકો ફસાયા હતા. આ ગંભીર પરિસ્થિતિમાં સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ અસાધારણ હિંમત દાખવીને જાતે બચાવ કામગીરી હાથ ધરી હતી. રાજુલા-જાફરાબાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં, હીરા સોલંકી પાણીના ધસમસતા પ્રવાહમાં તરીને ઊંચૈયા ગામ સુધી પહોંચ્યા હતા. તેમણે ટ્રેક્ટરની મદદથી ગામમાં ફસાયેલા ખેતમજૂરો અને બાળકો સહિત 50 જેટલા લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા. ધારાસભ્યએ પોતાની સ્થાનિક ટીમ સાથે મળીને પાણીના પ્રવાહમાંથી બહાર આવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ભાવનગર : મહુવામાં 11 ઇંચ વરસાદથી આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાયા
October 27, 2025 1:18 pm
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં 11 ઇંચ જેટલો અસામાન્ય ભારે વરસાદ ખાબકવાને કારણે માત્ર ખેતરો જ નહીં, પરંતુ ગ્રામીણ માળખાકીય સુવિધાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આ વરસાદના પરિણામે વડલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર) માં પાણી અંદર સુધી ઘૂસી ગયા છે. આરોગ્ય કેન્દ્રના પરિસરમાં પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે ગામલોકોને મળતી જરૂરી મેડિકલ સુવિધાઓ અટવાઈ ગઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર દ્વારા આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને હાલ પૂરતું બંધ કરવાની ફરજ પડી છે, જેનાથી ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ગીર-સોમનાથ : ઉનાનું વાશોજ ગામ બેટમાં ફેરવાયું, ઘૂંટણસમા પાણીથી ગ્રામજનો પરેશાન
October 27, 2025 12:42 pm
ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું વાશોજ ગામ હાલમાં કમોસમી વરસાદના કારણે ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ગામનો નીચાણવાળો વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં તે બેટમાં ફેરવાઈ ગયો છે. આ વિસ્તારમાં હાલમાં ઘૂંટણસમા પાણી ભરાયેલાં છે, જેના કારણે સ્થાનિક લોકોને અવરજવર સહિતની પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. તંત્ર માટે ચિંતાની બાબત એ છે કે ઉપરવાસમાંથી હજી પણ પાણીની આવક વધી રહી હોવાના કારણે આગામી સમયમાં ગ્રામજનોની મુશ્કેલીઓમાં વધુ વધારો થવાની સંભાવના છે.
ગીર-ગઢડાનું શાણા ડુંગર ગામ સંપર્ક વિહોણું
October 27, 2025 12:30 pm
ગીર-ગઢડા વિસ્તારમાં કમોસમી વરસાદનો કહેર યથાવત છે, જેના પરિણામે ગીર જંગલના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે રૂપેણ નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં પાણીની સપાટી અસામાન્ય રીતે વધતાં શાણા ડુંગર ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. ગામમાં અવરજવર માટેના તમામ રસ્તાઓ પર નદીના પાણી ફરી વળ્યાં છે, જેને લીધે ગ્રામજનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. કમોસમી વરસાદના આ પ્રકોપને કારણે શાણા ડુંગરના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભાવનગરના મહુવામાં 11 ઇંચ વરસાદ
October 27, 2025 12:19 pm
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા અને ગ્રામીણ પંથકમાં આજે ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેણે અસામાન્ય પરિસ્થિતિ સર્જી છે. આ પંથકમાં 11 ઇંચ જેટલો વિક્રમી વરસાદ નોંધાતા મહુવા શહેરના માર્ગો પર સર્વત્ર પાણી ભરાયા છે. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે ગાંધી બાગ, શાક માર્કેટ, કોલેજ વિસ્તાર, વાસી તળાવ અને હોસ્પિટલ માર્ગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન ખોરવાયું છે. શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે ત્યાં ગ્રામીણ પંથકમાં પણ પડેલા આ કમોસમી વરસાદને લીધે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પરિણામે ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે અને પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
કમોસમી વરસાદના કારણે ઉનાનું ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાયું
October 27, 2025 12:13 pm
ગીર સોમનાથના ઉના તાલુકામાં પડેલા ભારે કમોસમી વરસાદના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીના ધસારાને લીધે રૂપેણ અને માલણ નદીના પાણી ઓવરફ્લો થઈને ખત્રીવાડા ગામમાં ફરી વળ્યા છે. ગામમાં પાણી ઘૂસી જતાં આખું ગામ બેટમાં ફેરવાયું છે, જ્યાં ગામના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ચારેબાજુ પાણી ભરાઈ જવાના કારણે ગામની અંદર અને બહારની તમામ અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.
દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો
October 27, 2025 12:10 pm
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, દાહોદ જિલ્લાના વાતાવરણમાં આજે મોટો પલટો આવ્યો છે અને વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. દાહોદ, ઝાલોદ, સંજેલી અને ફતેપુરા સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની જમાવટ જોવા મળી છે. આ અણધાર્યા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભેલા પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લીધે જિલ્લાના ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે.
પંચમહાલમાં કારતક માસમાં આષાઢી માહોલ
October 27, 2025 12:04 pm
શિયાળાની શરૂઆતના દિવસોમાં જ પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો છે. ગોધરા, મોરવા હડફ, ઘોઘંબા, હાલોલ અને જાંબુઘોડા સહિતના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડતાં જાણે કારતક માસમાં આષાઢી માસ જેવો માહોલ સર્જાયો છે. આ અણધાર્યા વરસાદના કારણે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોના રોડ-રસ્તાઓ પર પાણી ભરાયું છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. કમોસમી ધોધમાર વરસાદથી ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે, કારણ કે તૈયાર પડેલી ડાંગર પલળી જતાં મોટું નુકસાન થયું છે, તેમજ કપાસ અને ઘાસચારાના પાકોને પણ ભારે નુકસાન થવાની ભીતિ છે. આ બદલાયેલા વાતાવરણને લીધે લોકોને એકસાથે ઠંડી અને વરસાદનો અનુભવ થતાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.
સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત સુધી મેઘમહેર, ખેતીના પાકો પર ખતરો
October 27, 2025 11:53 am
ગુજરાત રાજ્યમાં હાલમાં વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે અને જનજીવનને પણ અસર પહોંચાડી છે. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં પડેલા ધોધમાર વરસાદથી પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે, જ્યારે મહીસાગરના લુણાવાડા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, ભાવનગરના સિહોરમાં ભારે વરસાદના કારણે રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ગૌતમેશ્વર નદી બે કાંઠે વહેતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. તેવી જ રીતે, બોટાદ અને ગઢડા વિસ્તારમાં પડેલા વરસાદથી કપાસ અને મગફળી જેવા મુખ્ય પાકોને નુકસાન થવાનો ખતરો છે, જ્યારે અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં વરસાદના કારણે ગામની શેરીઓમાં પાણી ભરાઈ ગયા છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે આ અણધારી મેઘમહેરથી ખેતી અને સ્થાનિક વ્યવસ્થા બંને પ્રભાવિત થયા છે.
4 જિલ્લાઓમાં રેડ એલર્ટની ચેતવણી
October 27, 2025 11:44 am
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ગુજરાતના 4 જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ 4 જિલ્લાઓમાં ભાવનગર, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે, જ્યાં અત્યંત ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય 13 જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદર, મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરા, અને દક્ષિણ ગુજરાતના મહીસાગર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે, કચ્છ અને ઉત્તર ગુજરાતના બાકીના ભાગોમાં વરસાદની તીવ્રતા પ્રમાણમાં ઓછી રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને 'યેલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
ખેડા જિલ્લામાં કમોસમી વરસાદની અસર
October 27, 2025 11:42 am
હવામાનમાં આવેલા પલટાના કારણે ખેડા જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં શરૂ થયા છે. જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં ખાસ કરીને ધોધમાર વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. સેવાલિયા, થર્મલ અને મેનપુરા જેવા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, જ્યારે વસો અને માલવણ સહિતના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી છે. આ અણધાર્યા કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે, કારણ કે ખેતરોમાં ઊભા તમાકુ, શાકભાજી અને ધાન સહિતના પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
મહીસાગર જિલ્લામાં મોડી રાતથી કમોસમી વરસાદ
October 27, 2025 11:31 am
મહીસાગર જિલ્લામાં મોડી રાતથી હવામાનમાં અણધાર્યો પલટો આવ્યો છે અને સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદે દસ્તક આપી છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત ખાનપુર, સંતરામપુર, કડાણા અને બાલાસિનોર જેવા મોટાભાગના તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે. આ અસામાન્ય વરસાદી માહોલના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે, કેમ કે આ સમયે પડેલો વરસાદ ઉભા પાકને નુકસાન પહોંચાડી શકે છે અને ખેતીના કામકાજને પણ અસર કરી શકે છે.
અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં વરસાદ
October 27, 2025 11:30 am
અમરેલી જિલ્લાના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જાફરાબાદ શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. આ વરસાદની તીવ્રતાના કારણે ગામની શેરીઓમાં પાણી ભરાઈ ગયું છે. વધુમાં, દરિયાઈ કોસ્ટલ બેલ્ટ નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.
બોટાદ જિલ્લામાં મોડી રાતથી કમોસમી વરસાદ, ખેડૂતોમાં પાક નુકસાનની ચિંતા
October 27, 2025 11:28 am
બોટાદ જિલ્લાના વાતાવરણમાં મોડી રાતથી મોટો પલટો આવ્યો છે અને સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો છે. ગઢડા શહેર સહિત તેના તાલુકાના અડતાળા, લાખણકા, ગઢાળી, ચિરોડા, વનાળી, બોડકી, રણીયાળા, ગુંદાળા અને પડવદર જેવા ગામોમાં ધીમી ધારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા કે બરવાળા, રાણપુર અને બોટાદમાં પણ વરસાદ નોંધાયો છે. ચોમાસુ વિદાય લીધા બાદ આવેલા આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે, કેમ કે ખેતરોમાં ઊભેલા તૈયાર પાકો જેવા કે કપાસ, મગફળી, જુવાર અને બાજરીને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ તાત્કાલિક પાકને બચાવવા માટે દોડધામ શરૂ કરી દીધી છે.
ભાવનગરના સિહોરમાં કમોસમી વરસાદનું તાંડવ
October 27, 2025 11:26 am
ભાવનગર જિલ્લાના સિહોરમાં આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદે ભારે અસર વર્તાવી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે સિહોરના રોડ-રસ્તાઓ સંપૂર્ણપણે પાણી-પાણી થઈ ગયા છે. આ અવિરત મેઘમહેરના પરિણામે સ્થાનિક ગૌતમેશ્વર નદીમાં પાણીની ભારે આવક થઈ છે અને નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીનું પાણી વહેતું વહેતું રસ્તાઓ પર આવી જતાં સિહોરમાં વાહનવ્યવહાર ખોરવાયો છે, અને અચાનક આવેલી જળસપાટીના કારણે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ
October 27, 2025 11:24 am
આગાહી મુજબ, આજે વહેલી સવારથી જ સમગ્ર સૌરાષ્ટ્રનું વાતાવરણ પલટાયું છે અને સર્વત્ર વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટાં શરૂ થતાં ખેડૂતો અને વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રાજકોટમાં હાલ ઝરમર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આ વરસાદના કારણે ખેતી જણસને નુકસાન ન પહોંચે તે માટે રાજકોટ બેડી યાર્ડ દ્વારા તાત્કાલિક અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડમાં જણસની ભીડ થવાને બદલે અને તે ખુલ્લામાં પલળી ન જાય તે હેતુથી ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ, ખેડૂતોનો વારો આવશે ત્યારે જ તેમને જણસ વેચવા માટે યાર્ડમાં પ્રવેશ અંગે જાણ કરવામાં આવશે, જેથી ખેડૂતોનો માલ સુરક્ષિત રહી શકે અને વરસાદથી થતું નુકસાન ટાળી શકાય.
વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ
October 27, 2025 11:21 am
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલી આગાહી અનુસાર, આખરે અમદાવાદ શહેરના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. શહેરભરમાં મોડી રાત્રે 3 વાગ્યાથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી, અને ત્યારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ સતત વરસતા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સવારના સમયે કામકાજ પર જઈ રહેલા નાગરિકોને આ અચાનક આવેલા વરસાદથી થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ લાંબા વિરામ બાદ શરૂ થયેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
કમોસમી વરસાદના કારણે ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો
October 27, 2025 11:00 am
ગુજરાતમાં પડેલા અસામાન્ય અને ભારે કમોસમી વરસાદના પગલે ભાવનગર જિલ્લામા એક મોટી ઘટના બની છે. ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ તેની સપાટી વટાવીને ઓવરફ્લો થયો છે. જળસંકટ ટાળવા અને ડેમની સલામતી જાળવવાના હેતુથી ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં 1800 ક્યુસેક પાણીની નોંધપાત્ર આવક જોવા મળી રહી છે, અને તેટલા જ પ્રમાણમાં એટલે કે 1800 ક્યુસેક પાણીની જાવક પણ નિયંત્રિત રીતે નદીમાં કરવામાં આવી રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા શેત્રુંજી નદીના નીચાણવાળા વિસ્તારોના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.
129 તાલુકા જળબંબાકાર, મહુવામાં 6 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત
October 27, 2025 10:56 am
રાજ્યમાં હાલમાં પડેલા કમોસમી વરસાદે અસામાન્ય સ્થિતિ સર્જી છે, જ્યાં કુલ 129 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ છે. આ વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ખાસ કરીને ધમરોળ્યા છે. સૌથી વધુ વરસાદ ભાવનગરના મહુવામાં નોંધાયો છે, જ્યાં ભારે 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેનાથી સ્થાનિક જનજીવન અને ખેતીને મોટું નુકસાન પહોંચ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ તાપી જિલ્લાના સોનગઢમાં 4 ઇંચ અને ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ગીર-સોમનાથના ઉના, જાફરાબાદ, સુત્રાપાડા તેમજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, રાજુલા અને ભાવનગર શહેરમાં પણ 3 ઇંચ જ્યારે સાગબારા, કોડિનાર, પાલિતાણા, જલાલપોર, સુબિર, તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદમાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે. ડાંગ-આહવા, તળાજા અને સુરતમાં પણ 1-1 ઇંચ વરસાદ ખાબક્યો હોવાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને સરકારી તંત્ર દ્વારા નુકસાનના આંકલન માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઠંડીમાં વરસાદ, લોકો જેકેટ પહેરે કે રેઇનકોટ?
October 27, 2025 10:46 am
વર્તમાન સમયમાં ગુજરાતમાં જે પ્રકારનું હવામાન જોવા મળી રહ્યું છે, તે ખરેખર અસામાન્ય છે અને સામાન્ય જનતા માટે એક વિચિત્ર મૂંઝવણ લઈને આવ્યું છે. રાજ્યભરમાં સાર્વત્રિક કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વાતાવરણમાં એક તરફ ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ વરસાદી ઝાપટાં ચાલુ છે. આ અણધારી પરિસ્થિતિને લીધે લોકો સવારના સમયે ઘરની બહાર નીકળતી વખતે અવઢવમાં મુકાય છે: શું આ ઠંડીનો સામનો કરવાનો સમય છે અને જેકેટ પહેરવું જોઈએ, કે પછી અચાનક આવી પડતા વરસાદથી બચવા માટે રેઇનકોટ કે છત્રી સાથે રાખવી? વાતાવરણના આ અનોખા મિશ્ર સ્વભાવે લોકોને બેવડી ઋતુનો અનુભવ કરાવ્યો છે, જ્યાં એક જ દિવસમાં શિયાળાની ઠંડી અને ચોમાસાના વરસાદનો સામનો કરવો પડે છે, પરિણામે કયો પોશાક યોગ્ય છે તે નક્કી કરવું મુશ્કેલ બન્યું છે.
હવામાન વિભાગની આગાહી
October 27, 2025 10:44 am
હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની સત્તાવાર આગાહી કરી છે, જેનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં સક્રિય થયેલું શક્તિશાળી 'ડિપ્રેશન' (હળવું દબાણ) છે. આ સિસ્ટમની સીધી અસરને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને વહીવટી તંત્રને સજ્જ રહેવું પડશે. માત્ર સૌરાષ્ટ્ર-કચ્છ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. વિશેષરૂપે, દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો અને જહાજોને ચેતવણી આપતા 'LC3 સિગ્નલ' લગાવવામાં આવ્યું છે, જે સૂચવે છે કે દરિયો તોફાની બનવાની પૂરી શક્યતા છે અને તમામ પ્રકારની દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ, આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામશે અને લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.