ઘોડા-થુલેટા માર્ગ પર કમર સુધી પાણી
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ઘોડાથી થુલેટા જવાના માર્ગ પર કમર સુધી પાણી ભરાઈ ગયું છે. માર્ગો પર પાણીનો પ્રવાહ એટલો વધુ છે કે વાહનો તો દૂર, પગપાળા પસાર થવું પણ જોખમી બની ગયું છે. આ સ્થિતિને કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, ખેડૂતો અને અન્ય ગ્રામજનોને દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા 6 દિવસથીભારે હાલાકી
વિરમગામ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા છ દિવસથી લોકો લગભગ અલગ પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દૂધ, શાકભાજી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની અવરજવર પ્રભાવિત થતાં ગામોમાં ચિંતા વધી રહી છે. કેટલાક વિસ્તારોમાં નાના વાહનો અને બાઇકો સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે, જ્યારે તાત્કાલિક આરોગ્ય સેવાઓ સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
ખેતરો પાણીમાં ગરકાવ
અવિરત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેતાં ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. ડાંગર, તુવેર, એરંડા સહિતના ચોમાસાના મુખ્ય પાકો લાંબા સમય સુધી પાણીમાં રહેતાં લગભગ સંપૂર્ણપણે નિષ્ફળ જવાના આરે પહોંચી ગયા છે. ઘણા ખેડૂતોનું કહેવું છે કે આ સિઝનમાં કરેલો ખર્ચ પણ હવે પાછો મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે.
ખેડૂતોમાં આર્થિક સંકટની ભીતિ
ખેડૂતોના જણાવ્યા મુજબ બિયારણ, ખાતર, મજૂરી અને સિંચાઈ પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે પાક બગડતાં દેવામાં વધારો થવાની ભીતિ ઊભી થઈ છે. અનેક ખેડૂતો માટે આ વરસાદ કુદરતી આફત સમાન સાબિત થયો હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે.
તાત્કાલિક સર્વે અને વળતરની માગ
સ્થાનિકોએ તાત્કાલિક અસરગ્રસ્ત રસ્તાઓ ખુલ્લા કરવાની કામગીરી શરૂ કરવા, પુલ અને માર્ગોની મરામત કરવા તેમજ રાહત વ્યવસ્થા ગોઠવવાની માગ કરી છે. ઉપરાંત ખેડૂતો દ્વારા સરકાર પાસે પાક નુકસાનનો તાત્કાલિક સર્વે હાથ ધરી વળતર ચૂકવવા માગ કરી છે.
આ પણ વાંચોઃ Kheda જીલ્લામાં વરસાદ બાદ પણ જળબંબાકારની સ્થિતિ, હજારો વિઘા ખેતરો પાણીમાં ગરકાવ, ખેડૂતોને મોટું નુકસાન