અમદાવાદના શહીદ જવાનના પરિવારને આર્થિક સધિયારો આપતી નડીયાદની યુવતી, શહીદ પરિવારની લીધી મુલાકાત
અહેવાલઃ કૃષ્ણા રાઠોડ, નડિયાદ
દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા બહાદૂર સૈનિકોના હિતોની રક્ષા કરવાની જવાબદારી પણ સહિયારી છે. કોઇને કોઇ રીતે દેશની રક્ષા કરવા કાજે ખપી જનારા ભડવીર જવાનોની પાછળ વિલાપ કરતા તેમના પરિવારને મદદરૂપ થવું,એ સૌની નૈતિક ફરજ છે અને તે ફરજને નડીયાદની એક યુવતી સારી રીતે નિભાવતી આવી છે. વિધિ જાદવે ફરી એક વખત જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં આતંકવાદીઓ સાથે થયેલ અથડામણમાં શહીદ થયેલા અમદાવાદના વીર જવાન મહિપાલસિંહ વાળાના પરિવારની રૂબરૂ મુલાકાત લઈ આ શહીદ પરિવારને વિધિએ આશ્વાસન પત્ર અને રૂ. ૧૧ હજારની આર્થિક મદદ કરી શહીદના પરિવારજનો પ્રત્યે અનોખી સંવેદના દર્શાવી છે.
વિધિ જાદવે અત્યાર સુધી ૩૫૮ શહીદ પરિવારોને ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે આર્થિક સહયોગ કર્યો છે.જે પૈકી તેણીએ ૧૬૪ શહીદ વીરોના ઘરની રૂબરૂ મુલાકાત લઈ પોતાની સંવેદના વ્યક્ત કરી છે.નડીયાદની વિધિ જાદવે અત્યાર સુધીમાં સેંકડો સૈનિક પરિવારોની મુલાકાત લીધી છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ જવાન શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે.



