સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો
અહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ
શક્તિપીઠ યાત્રા ગામ પાવાગઢ ખાતે આવતી કાલથી શરૂ થતી આસો નવરાત્રિના પાવન પર્વને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા અહીં આવતા યાત્રાળુઓની સુવિધા ના ભાગરૂપે નવરાત્રી દરમિયાન ખાનગી વાહનો ઉપર લઈ જવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે .સાથે સાથે જ અહીં એસટી બસની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
વહેલી સવારથી મોડી રાત સુધી ખુલ્લું રહેશે મંદિર
આ ઉપરાંત અહીં આરોગ્યને લગતી સેવા ઉપલબ્ધ બનાવવામાં આવી છે સાથે જ માચી ખાતે દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેના બાદ હાલ હરાજી કરી ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે .પોલીસ દ્વારા યાત્રાળું ઓની સુરક્ષા ને લઈ ખાસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે .એવી જ રીતે મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમિયાન વહેલી સવારથી માતાજીના મંદિરના નિજ દ્વાર ખોલી મોડી રાત્રી સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રોપવે સંચાલકો દ્વારા પણ રોપવેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આમ મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા નવરાત્રીને અનુલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
સુખડીનો પ્રસાદ બનાવવાની કામગીરી ત્રણ શિફ્ટમાં
યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રી પર્વ દરમિયાન મોટી સંખ્યામાં માઇ ભક્તો દર્શન માટે આવતા હોય છે. આ તમામ ભક્તો માતાજીના સુખડીનો પ્રસાદ પોતાને ઘરે લઈ જવા ની એક પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. જે બાબતને ધ્યાનમાં લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા હાલ સુખડીનો પ્રસાદ બનાવવાની કામગીરી ત્રણ શિફ્ટમાં કરવામાં આવી રહી છે .અહીં અંદાજિત રોજના 50 હજાર સુખડી પ્રસાદના પેકેટનું વેચાણ થઈ રહ્યું છે .આ સુખડી નો પ્રસાદ બનાવવા માટે વપરાશમાં લેવામાં આવતા ગાયનું ઘી ગોળ અને ઘઉં નો લોટ આ તમામ બાબતની ખરીદી મંદિર ટ્રસ્ટ દ્વારા પરીક્ષણ સાથે વર્ષોથી કરવામાં આવતી હોવાની પરંપરા નિભાવવામાં આવી રહી હોવાનું મંદિરના સેક્રેટરી અશોક પંડ્યાએ જણાવ્યું હતું.
માચી ખાતે પીવાના પાણી માટે શ્રદ્ધાળુઓની પડાપડી
યાત્રાધામ પાવાગઢ માચી ડુંગર ઉપર આવેલા પાર્કિંગ નજીક પાણી પુરવઠા દ્વારા પીવાના પાણીની એક ટાંકી અને નળની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય અન્ય સ્થળે પીવાનું પાણી તંત્ર દ્વારા વ્યવસ્થા કરેલી નહીં જોવા મળતા યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અહીં પાણીની ટાંકી નજીક આવેલી દીવાલ ઉપર જોખમી રીતે બાળકો, મહિલાઓ સહિત યાત્રાળુઓ પાણી ભરવા માટે પડાપડી કરતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા આગામી સમયમાં અહીં કોઈ વ્યક્તિ દીવાલ ઉપર થી નીચે પટકાઈ અકસ્માતનો ભોગ ન બને એ પૂર્વે અહીં દિવાલ બાજુ આડશ ઉભી કરવામાં આવે સાથે સાથે વધુ સ્થળોએ પીવા ના પાણી ની વ્યવસ્થા કરવામાં આવે એવી યાત્રાળુઓ માં માંગ ઉઠી છે.