Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કચ્છની સરકારી શાળાના શિક્ષકની ઉત્તમ પહેલ, બાળકોનું મૂલ્યાંકન કરવા અપનાવી રસપ્રદ ડિજિટલ પધ્ધતિ

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ  કલાસરૂમમાં શિક્ષક જે તે વિષયના થોડા પાઠ ભણાવ્યા બાદ મોટાભાગે સાપ્તાહીક પરીક્ષા લેતા હોય છે. સામાન્ય રીતે શિક્ષકો ઘરેથી મેન્યુઅલી પેપર કાઢ્યા બાદ દરેક વિદ્યાર્થીને નોટબુકમાં કે પેપર આપીને પરીક્ષા લે છે. મેન્યુઅલી ચેક કરીને બીજા...
કચ્છની સરકારી શાળાના શિક્ષકની ઉત્તમ પહેલ  બાળકોનું મૂલ્યાંકન કરવા અપનાવી રસપ્રદ ડિજિટલ પધ્ધતિ
Advertisement

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ 

કલાસરૂમમાં શિક્ષક જે તે વિષયના થોડા પાઠ ભણાવ્યા બાદ મોટાભાગે સાપ્તાહીક પરીક્ષા લેતા હોય છે. સામાન્ય રીતે શિક્ષકો ઘરેથી મેન્યુઅલી પેપર કાઢ્યા બાદ દરેક વિદ્યાર્થીને નોટબુકમાં કે પેપર આપીને પરીક્ષા લે છે. મેન્યુઅલી ચેક કરીને બીજા દિવસે કે પછી અનુકૂળતા મુજબ રીઝલ્ટ આપીને બાળકોને અભ્યાસ કરાવેલા પાઠમાં કેટલું આવડ્યું તેનું મૂલ્યાંકન કરતા હોય છે. આ પધ્ધતિ સામાન્ય રીતે સમગ્ર શાળાઓમાં શિક્ષકો અનુસરે છે. પરંતુ સરહદી કચ્છમાં ભુજ તાલુકાના કુંદનપર પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકો મૂલ્યાંકનની ધીમી અને પારંપરિક પધ્ધતિ છોડીને આજના ટેકનોલોજીના યુગમાં આધુનિક અવધારણા અપનાવીને ગણતરીની સેકન્ડમાં પરીક્ષા આપવાથી લઇને  શિક્ષકો દ્વારા કરેલું પોતાનું મૂલ્યાંકન જાણી શકે છે.

Advertisement

Advertisement

હા, આ વાત સાચી છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરહદી કચ્છના ગ્રામ્ય બાળકો શહેરોના બાળકો કરતા પણ વધુ હાઇટેક બની રહ્યા છે. કુંદનપર પંચાયતી પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક નિલેષભાઇ રાજગોરે અથાગ મહેનત કરીને ધો. ૬ થી ૮ સુધીના અભ્યાસક્રમના તમામ વિષયની ૨૫૦૦થી વધારે પ્રશ્નોની ડિજિટલ બેંક બનાવી છે.

આ પ્રશ્નબેંકને તેમણે પ્લીકર્સ સોફટવેરની એપ્લીકેશન પર અપલોડ કરી છે. આ સોફટવેરના માધ્યમથી તેઓ ટી.વી પર આવતા કોન બનેગા કરોડપતિ ગેમની જેમ કલાસરૂમમાં એલસીડી ટી.વીમાં ચાર વિકલ્પ સાથે પ્રશ્નો દર્શાવે છે. તેની સામે બાળકો પાસે કે.બી.સીના સ્પધર્કની જેમ જવાબ આપવા ટચ સ્ક્રીન માધ્યમ ન હોવાથી તેના વિકલ્પમાં સસ્તો અને વધુ બેહતર ઉપાયરૂપે વિદ્યાર્થીઓને ક્યુઆર કોડ પ્રિન્ટ કરેલું પેપરકાર્ડ આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થીને તેના રોલનંબર સાથેનું ક્યુઆર કોડ કાર્ડ આપવામાં આવે છે. જેની પર ચાર ખૂણે રોલનંબર પ્રિન્ટ કરેલો છે તે સાથે દરેક સાઇડ પર ક્રમ મુજબ મધ્યમાં એ,બી,સી,ડી પ્રિન્ટ કરેલું છે. પ્રશ્ન ફ્લેશ થતાં જ બાળકો ક્યુઆર કાર્ડ શિક્ષકને ઉપર કરીને દર્શાવે છે.

ઝિપગ્રેડ એપ્લીકેશન ઓપન કરીને મોબાઇલ મારફતે શિક્ષક તેના સ્થાને ઉભા ઉભા માત્ર બાળકોએ પકડેલા કાર્ડ પર મોબાઇલ ફેરવે કે તરત જ કલાસરૂમમાં બેઠેલા તમામ બાળકોના જવાબ એપ્લીકેશનમાં રેકોર્ડ થઇ જાય છે. તેઓ ઉમેરે છે કે, આ સિવાય પ્લીકર, ક્વિઝી વગેરે જેવા મૂલ્યાંકન સોફ્ટવેર પણ વાપરી શકાય છે.

કઇ રીતે કામ કરે છે આ પધ્ધતિ ?

આ અંગે વધુ વિગત આપતા શાળાના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રી નિલેષભાઇ રાજગોર જણાવે છે કે, આજના ટેકનોલોજી યુગમાં શિક્ષક દ્વારા અધ્યાપનકાર્યમાં વિવિધ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ છાત્ર શું અને કેટલું શીખ્યો છે તેની ચકાસણી કરવાની વાત આવે છે ત્યારે આજે પણ મોટાના ભાગના શિક્ષકો પરંપરાગત લેખિત કસોટી પર જ નિર્ભર છે. ત્યારે અમારા દ્વારા શાળામાં પરંપરાગત લેખીત કસોટીના સ્થાને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  આ મૂલ્યાંકન સોફટવેર ઓનલાઇન નિ:શૂલ્ક મળી રહે છે. તેથી કોઇપણ શાળા કે શિક્ષક ધારે તો તેનો ઉપયોગ કરી શકે છે. માત્ર તેણે પોતાના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નો અને જવાબ તૈયાર કરીને સોફટવેરમાં ફીટ કરવાના હોય છે. જે બાદ કલાસમાં ૫૦ બાળકો હોય કે તેનાથી વધુ કોઇ ફેર પડતો નથી.

તમામ કયુઆર કાર્ડ પર મોબાઇલ દૂરથી જ ફેરવતા ગણતરીની સેકન્ડમાં કયા બાળકે સાચો કે ખોટો જવાબ આપ્યો તે જાણી શકાય છે. બારકોડ સ્કેન થતાં જ બાળકના નામ જોગ લેપટોપ,ટીવી કે મોબાઇલની સ્ક્રીન પર પરીણામ આવી જાય છે. જો ૫૦ પ્રશ્નોની પરીક્ષા આ રીતે ગોઠવી હોય તો અંતે કયા બાળકે કેટલા પ્રશ્નના જવાબ આપ્યા ત્યાંથી લઇને કોણે સૌથી સાચા કે ખોટા જવાબ આપ્યા વગેરે અલગ અલગ રીતે મૂલ્યાંકન કરી શકાય છે. એક ચાર્ટ તૈયાર થઇ જતો હોય છે. જેના પરથી શિક્ષક તમામ સ્તરે વિદ્યાર્થીઓની શક્તિને પારખી શકે છે. આ સાથે બાળકના વ્યક્તિગત પરર્ફોમન્સની પીડીએફ વાલીઓને મોકલીને તેઓને પણ નિયમિત રીતે બાળકની પ્રગતિથી માહિતગાર કરી શકાય છે.

ફાયદા : વિદ્યાર્થીઓ ભારણ વિનાના ભણતર સાથે વધુ રસ લેતા થયા

મહત્વની બાબત એ છે કે, આ સમગ્ર પ્રક્રિયાના કારણે સમય, શક્તિ અને સંસાધનોનો બચાવ કરીને પર્યાવરણને પણ મદદ પણ કરી શકાય છે. ડિજિટલ વૈકલ્પિક પ્રશ્નોતરીના કારણે બાળકોને પરંપરાગત પરીક્ષા આપવાના ભારથી મુક્તિ અનુભવાય છે. ગેમ સ્વરૂપે પાઠની પરીક્ષા હોવાથી આસાનીથી બાળક જે તે વિષયમાં રસ લે છે. કોઇ વિષયનો અણગમો હોય તો પણ તે દૂર થઇ શકે છે. સમગ્ર પ્રક્રિયામાં ખુદ બાળકોનું ઇન્વોલમેન્ટ હોવાથી જવાબ આસાનીથી યાદ રહી જાય છે. આ ડિજિટલ મૂલ્યાંકન થકી ગણતરીની સેકન્ડમાં મૂલ્યાંકન કરી શકાય છે તે સાથે એક સાથે મોટા સમૂહને આવરી શકાય છે. કઠિનતા મૂલ્ય નક્કી કરી શકાય છે. કોઇપણ મુદ્દાનું નિદાનકાર્ય કરવા માટે આ પધ્ધતિ ખૂબ ઉપયોગી છે. કયા એકમ માટે ઉપચારકાર્ય જરૂરી છે તે જાણી શકાય છે. વર્ગના છાત્રોના પરિણામની સરખામણી કરી શકાય છે. વાલીને ડિજિટલ ફોર્મેટમાં પરીણામ મોકલી શકાય છે. આ ડિજિટલ મૂલ્યાંકનમાં બાળકોને વધુ રસ લેતા કરવા પ્રશ્નો વિડીયો, ઓડિયો કે ઇમેજીસના ઉપયોગ દ્વારા પણ બનાવી શકાય છે.

મૂલ્યાંકન બદલતા જ મળ્યા ઉજળા પરીણામ 

શાળાના આચાર્યશ્રી કાન્તાબેન પટેલ જણાવે છે કે, મૂલ્યાંકન સોફટવેરના માધ્યમથી પાઠ દીઠ તેમજ એકથી વધુ પાઠની સાથે ધો.૬ થી ૮માં ગેમ સ્વરૂપે પરીક્ષા લેવાનું શરૂ કરતા બાળકોના પરીણામમાં ખૂબ જ સુધારા જોવા મળ્યા છે. વર્ષ ૨૦૧૯માં બે તેમજ વર્ષ ૨૦૨૩માં બે એમ કુલ ચાર આ સરકારી શાળાના બાળકોએ રાજ્યકક્ષાએ નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશિપ ( NMMS)માં સ્થાન મેળવીને સ્કોલરશિપ મેળવી ચૂકયા છે. આ સ્કોલરશિપ અંતર્ગત બાળકને ધો. ૯થી ૧૨ સુધી અભ્યાસ કરે ત્યાં સુધી સરકાર દ્વારા દર વર્ષે ૧૨ હજાર આપવામાં આવે છે. જેમાં ધો.૭ અને ધો.૮ના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. આ સ્કોલરશિપ મેળવનાર બાળકોને આ ઝીપગ્રેડ મૂલ્યાંકન સોફટવેરના માધ્યમથી શાળા દ્વારા પ્રેકટીસ કરાવવામાં આવી હતી.

વાલીઓ માટે બાળકોને હોમવર્ક કરાવવું થયું સહેલું

કોરાનાકાળમાં જયારે બાળકોને ઘરેથી જ અભ્યાસ કરાવાતો હતો ત્યારે આ શાળાના શિક્ષકો બાળકોને હોમવર્ક વૈકલ્પિક પ્રશ્નોના સ્વરૂપે આપતા હતા. જેથી બાળકો પણ હોંશે હોંશે કાર્ય કરી લેતા હતા. વાલીઓ પણ જણાવતા હતા કે, જયારે સાદુ હોમવર્ક આપવામાં આવે છે તો બાળકો બેસતા નથી. પરંતુ મોબાઇલમાં જયારે ગેમ સ્વરૂપે પ્રશ્નો આવે છે તો સામેથી બેસીને લેશન કરી લે છે. અમારે કંઇ ટોકવા પડતા નથી. જવાબ સાચા કે ખોટાનો પણ ડર રહેતો નથી, બાળકો જાણે કે.બી.સી રમતા હોય તેમ ખુદ આત્મવિશ્વાસથી જવાબ આપે છે.

Tags :
Advertisement

.

×