વ્યાજખોરના ત્રાસનો વધુ એક કિસ્સો, 12 કરોડની સામે 34 કરોડ ચૂક્વ્યા પછી પણ ત્રાસ અપાયો, 8 વ્યાજખોરોની ધરપકડ
અહેવાલઃ પ્રદિપ કચીયા, અમદાવાદ
અમદાવાદનો એક એવો કિસ્સો કે જે રાજ્યનો સૌથી મોટો વ્યાજખોરીનો કિસ્સો બની ચૂક્યો છે. કુલ 24 જેટલા વ્યાજખોર પણ એમાંના એક મુખ્ય વ્યાજખોરની તપાસ કરતા પોલીસના પણ હોશ ઉડી ગયા. માત્ર અમદાવાદનો જ નહીં રાજ્યનો સૌથી મોટો વ્યાજખોર પોલીસના હાથે ચડ્યો છે. આ વ્યાજખોર અને તેનો પરિવાર છેલ્લા 20 વર્ષમાં જ અંદાજિત 2000 કરોડની પ્રોપર્ટીનો માલિક બની ગયો છે. આ વ્યાજખોર અગાઉ 20 ગુનાઓમાં સંડોવાયેલો છે અને હજી પણ અંદાજીત 15 જેટલા ગુનાઓ નોંધાય તો પણ નવાઈ નહિ. કોણ છે આ અબજોપતિ વ્યાજખોર અને શું છે સમગ્ર કિસ્સો. જોઈએ આ એહવાલ માં.
આરોપી
અમદાવાદમાં ટ્રાન્સપોર્ટનાં ધંધા સાથે જોડાયેલા વેપારી કમલ ડોગરા વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવા જતા હતા. જે સમયે તેના મિત્રએ પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને નારોલ પોલીસ મથકમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાથમિક ફરિયાદ મુજબ વેપારી કમલ ડોગરાએ કોરોના સમયમાં તેના ધંધાને અસર પડતા ધર્મેશ પટેલ, લાલભાઈ, રઘુવીરસિંહ, ચિરાગ શાહ, પરીક્ષિત દવે, વંદન પટેલ સહિત 8 લોકો પાસેથી 12 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 34 કરોડ ચૂકવ્યા પણ હતા. આટલું જ નહિ પણ હજી વ્યાજખોરો વધુ રૂપિયાની માંગણી કરતા હતા અને વેપારીને ધાક ધમકીઓ આપતા હતા. વ્યાજખોરોએ વેપારીની સાત કરોડની લેમ્બોરગીની, એક કરોડની મર્સિડિઝ અને ફોરચ્યુંનર કાર પણ પડાવી લીધી હતી. બીજી તરફ વેપારીને ત્રણ થી ચાર અલગ અલગ મકાનો કે જે પહેલેથી જ બેંકોમાં મોર્ગેજ હતા તેને પણ પોતાના નામે કરવા રજિસ્ટ્રાર ઓફિસ માંથી ટોકન લઈ તારીખો પણ નક્કી કરી લીધી હતી. જે ગુનામા નારોલ પોલીસે ધર્મેશ પટેલની ધરપકડ કરી હતી. જે બાદ હવે તેના પુત્ર પ્રેમની પણ ધરપકડ કરવામા આવી છે...
કે ડિવિઝન ACP મિલાપ પટેલે જણાવ્યુ હતું કે નારોલ પોલીસ મથકે નોંધાયેલા સમગ્ર મામલે કેસની તપાસ માટે ખાસ SITની રચના કરવામાં આવી છે. SIT દ્વારા તપાસ કરતા 11 આરોપીઓ વિરુદ્ધ નોધાયેલો ગુનો હવે 24 આરોપીઓ સુધી પહોચ્યો છે. સાથે જ પોલીસે વ્યાજખોરોની ઇનોવા કાર માંથી 25 કોથળા ભરેલા દસ્તાવેજો, 61 atm, ક્રેડિટ કાર્ડ, 38 પાસબુક, 113 ચેકબુક મળી આવી છે.
સમગ્ર કેસનો મુખ્ય આરોપી ધર્મેશનાં નામે 25 બેન્ક એકાઉન્ટ છે તેમજ પરિવારના મળીને કુલ 48 બેન્ક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. જેમાં ખૂબ મોટા આર્થિક વ્યવહારો થયા હોવાનું પણ બહાર આવ્યું છે. આ ઉપરાંત ધર્મેશ અને તેના પરિવારના સભ્યોના નામે 14 કંપનીઓ રજીસ્ટર થયેલી છે. પોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે કે આરોપી ધર્મેશનાં નામે 754 કરોડની સંપતિ છે જ્યારે તેની પત્નીના નામે 888 કરોડની સંપતિ નોંધાયેલી છે. આરોપી ધર્મેશ સામે અગાઉ બેન્કો સાથે પણ છેતરપિંડીના કેસો નોંધાઈ ચૂક્યા છે. જ્યારથી નારોલમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે ત્યાર બાદ અલગ અલગ 15 જેટલા અન્ય ભોગવનાર લોકોએ પણ પોલીસનો સંપર્ક કર્યો છે. જેથી આવનારા દિવસોમાં ધર્મેશ અને તેની ગેંગ વિરૂદ્ધ અન્ય 15 જેટલા ગુનાઓ નોંધાઈ તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત ધર્મેશ વિરૂદ્ધ અગાઉ 20 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
હાલ તો પોલીસે અત્યાર સુધી 8 વ્યાજખોરોની ધરપકડ કરી છે જેમાં મુખ્ય આરોપી ધર્મેશ અને તેનો પુત્ર પણ પકડાઈ ચૂક્યા છે. હવે અન્ય ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે ધર્મેશ વિરુદ્ધ અગાઉ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા અંગે તેની પત્ની દ્વારા પણ ફરિયાદ નોધાઈ હતી. જોકે વીસ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ધર્મેશ અને તેની ગેંગ વિરુદ્ધ મળેલા દસ્તાવેજી પુરાવાઓ બાદ શું પગલાં લેવાય છે. અને આ ગેંગ વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે તે જોવું મહત્વનું છે.






