અરૂણાચલ પ્રદેશ: શાંતિ, સરળતા અને નવી દુનિયાનો અહેસાસ
ચીનના ડોળા નીચે સતત પીસાતા અરૂણાચલ પ્રદેશની વસ્તી ખાસ નથી. માંડ સોળ લાખ જેટલી હશે. સરકારી ભાષા તો જાણે અંગ્રેજી જ છે. પણ લોકો હિન્દી, મોલ્પા, શેરડૂકપેન જેવી સ્થાનીય ટ્રાયબલ ભાષા બોલે, ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલ આ પ્રદેશમાં કુદરતે છૂટા હાથે અપાર સૌંદર્ય વેર્યું છે.અસમમાં તો થોડા મેદાનો ય છે પણ અહીંયા તો બસ જંગલ અને પર્વતો. અત્યારના સમયમાં જ્યારે મોનેસ્ટ્રી, તળાવો, ટ્રેકીંગ માટે આજ
Advertisement
ચીનના ડોળા નીચે સતત પીસાતા અરૂણાચલ પ્રદેશની વસ્તી ખાસ નથી. માંડ સોળ લાખ જેટલી હશે. સરકારી ભાષા તો જાણે અંગ્રેજી જ છે. પણ લોકો હિન્દી, મોલ્પા, શેરડૂકપેન જેવી સ્થાનીય ટ્રાયબલ ભાષા બોલે, ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલ આ પ્રદેશમાં કુદરતે છૂટા હાથે અપાર સૌંદર્ય વેર્યું છે.
અસમમાં તો થોડા મેદાનો ય છે પણ અહીંયા તો બસ જંગલ અને પર્વતો. અત્યારના સમયમાં જ્યારે મોનેસ્ટ્રી, તળાવો, ટ્રેકીંગ માટે આજના યુવાનોની દિલચસ્પી વધી છે ત્યારે આવા પ્રદેશને ફકત નીજાનંદ માટે ખૂંદવા કરતા ત્યાંની સ્થાનિક સંસ્કૃતિનું સાંગોપાંગ રસપાન કરીને એક અલગ સંવેદનાના વિશ્વમાં ડૂબકી મારવી જોઈએ. સાડા તેર હજાર ફૂટ ઉપર આવેલા ‘‘સેલા પાસ’’, અરૂણાચલ પ્રદેશનું સૌથી લોકપ્રિય ટુરીસ્ટ પ્લેસ છે.
‘‘જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની’’ એ પંક્તિને સાર્થક ઠેરવતા આ પ્રદેશમાં જયાં નજર જાય ત્યાં મીઠા પાણીના હિમ પીગળીને નિર્મળ જળથી ભરેલા નાના- તળાવો આસપાસ જોવા મળે. અહીંનો ઝીરો મ્યુઝિક ફેસ્ટિવલ હમણાથી ખાસ્સો લોકપ્રિય બન્યો છે. ભારતભરમાંથી હજારો લોકો દર વર્ષે તેમાં શિરકત કરે છે.
અહીંયા 'અપાતાની ટ્રાયબલ ગૃપ' મુખ્ય છે. તેઓ ખેતીની જમીનનાં વિતરણ અંગેની આગવી શૈલી અને ટ્રેડીશનલ ટેકનોલોજી નોલેજ માટે સવિશેષ મહત્વ ધરાવે છે. યુનાઇટેડ નેશન પણ 'અપાતાની વેલી'ને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવા માંગે છે. કુદરતી સંસાધનને સહેજ પણ નુકશાન કર્યા વગર ટકાઉ વિકાસ કેવી રીતે કરી શકાય તેના વિશે વિશ્વની ટોચની સંસ્થાઓ આ ટ્રાયબલ સમાજ પાસેથી શીખી રહી છે. તેનો સાક્ષાત અનુભવ કરવા અરૂણાચલ પ્રદેશની ઝીરો વેલી ખૂંદવી રહી.
ભારતમાં હંમેશાં પ્રકૃતિ પૂજાતી આવી છે અને ઇશ્વર સાથે આપણે પ્રાણીઓને પણ પૂજયા છે. તેમાંય આદિવાસી સમાજ તો પ્રકૃતિ સાથે ખાસ ધનિષ્ઠ સંબંધ ધરાવે છે. આથી જ, અરૂણાચલ પ્રદેશમાં પણ ઠેર ઠેર નાગમંદિર જોવા મળે છે. ગુજરાતની જેમ અહીં પણ નાગ-દેવતાની આરાધના થાય છે. આમ તો નાગ પંચમી સમગ્ર ઉત્તર ભારતનો મોટો તહેવાર છે. અરૂણાચલ પ્રદેશમાં બુધ્ધ ધર્મનું ચલણ વધુ હોવા છતા નાગની પૂજા ખાસ્સા પ્રમાણમાં જોવા મળે છે.
દિરાંગ ટાઉનમાં બુદ્ધ સાધુઓ અને હિન્દુ સાધુઓ વચ્ચેના સંવાદમાં સૌમ્યતા અને સમભાવ હોય છે. તેઓ સાથે બેઠા હોય તો એ લોકોની ચર્ચામાં કોઈ વિવાદ હોતો નથી. જેને તમે એકમેકની આગવી સંસ્કૃતિના સ્વીકાર સાથેનું સમજણપૂર્વકનું સહજીવન કહી શકો.
તવાંગમાં છસો કરતા વધુ બૌદ્ધ સાધુઓ અને ત્રણસો બાળ સાધુઓ રહે છે. મોટાભાગે એવું બનતું હોય છે કે બૌદ્ધ લોકો પોતાના ત્રણ બાળકમાંથી એકાદ બાળકને મોનેસ્ટ્રીમાં આપી દેતા હોય છે. અહીંયા સાધુઓ મુક્તપણે એકલા ભટકતા નથી પણ દસેક લોકોના વૃંદમાં રહે છે. લાઈબ્રેરી અને સંગ્રહાલયમાં બધું જ વ્યવસ્થિત રાખેલું હોય છે. લામાઓમાં ડીસીપ્લીન ગજબનું છે. દલાઈ લામા પદ આનુવંશિક નથી કારણકે તેઓ બ્રહ્મચર્ય પાળતા હોય છે આથી શિષ્યોમાંથી જ કોઈ શરીર પરના નિશ્ચિત ચિન્હોના આધારે દલાઈ લામા તરીકે કોઈ ચૂંટાય છે. અહીંના લોકો પોતપોતાના કુટુંબની નીતિરીતિ મુજબ જળદાહ, અગ્નિદાહ, અને ભૂમિદાહ એમ ત્રણ રીતે અંતિમ સંસ્કાર કરતા હોય છે,
અહીં ઠેર ઠેર ઉડીને આંખે વળગે એવા વનસ્પતિજન્ય રંગોથી સજાવેલા બૌદ્ધ મંદિરોનું રંગકામ સહજ, ચળકાટવાળું અને નયનરમ્ય હોય છે. બુદ્ધની મૂર્તિ જો ભગ્ન અવસ્થામાં હોય તો પણ તેઓને વાંધો હોતો નથી, તેઓ તેનું પુનઃનિર્માણ કરી ઘણા બધા રંગોથી સુશોભિત કરે છે ! ભગવા પડતો પીળો રંગ પહેરલા લામાઓને વિવિધ રંગોથી ખાસ લગાવ છે.
અહીંયા પાણીનો બગાડ કરવો એક ખરાબ ટેવ ગણાય, અહીંયા પાણી મળવું દુર્લભ. નદીમાં પણ પાણી બરફ સ્વરૂપમાં જામેલું હોય તેમ બને અને આથી જ લોકો દરરોજ સ્નાન કરતા નથી. અહીંયા ઘણા તળાવો છે પણ ઇરીગેશન થઈ શકતું નથી, બોર કરવો પણ મુશ્કેલ છે આથી અહીંયા પીવાનું પાણી મળવું ક્યારેક મુશ્કેલ થઈ જાય છે. મારો મિત્ર 'પેમ' પણ દસેક દિવસે ન્હાય છે. ત્યાં પરસેવો જલ્દી વળતો નથી. માણસ આખો દિવસ ફ્રેશ લાગે. માંસ જાહેરમાં વેચાય. અહીંયા બૌદ્ધ જનો મોટાભાગે માંસાહારી છે. તેમના માટે આ બધાનો કોઈ છોછ નથી. શાકાહારી વ્યક્તિને અરેરાટી ચડે તે હદે મોટા ટુકડામાં જમીન પર મોટા પ્રાણીઓનું માંસ વેચવા માટે પડેલું હોય છે.
અરુણાચલ પ્રદેશનાં અમુક વિદ્યાર્થીઓને UPSC ની તાલીમ માટે સ્પેશ્યિલ સ્કોલરશીપ પણ મળે છે અને આવા જ એક વિદ્યાર્થીનો મને ભેટો બટેકા પૌઆની લારીએ થયેલો. નોર્થ ઇસ્ટ વાળા ફક્ત મોમો જ ખાય તેવી મારી માન્યતા ત્યાં પડી ભાંગી. મોમો જોકે તિબેટીયન ખોરાક છે પણ દરેક મોંગોલોઈડને આ ભાવતું હશે તેવી પ્રબળ માન્યતા છે જે ખોટી છે.
ભારત ચીનની મેકમોહન બોર્ડર ત્યાં વિવાદાસ્પદ છે. વર્ષ ૧૯૬૨ બાદ આશાફિલા, લોન્ગીઝ, બિસા અને માઝા જેવો અરુણાચલ પ્રદેશના બોર્ડર એરિયા પર ચીને ખાસ્સુ દબાણ કર્યું, સારો એવો ભાગ પચાવી પાડ્યો. પૂર્વમાં છેક ફિશ ટેઇલ ૧ તથા ફિશ ટેઇલ ૨ એરિયા ભારતના નકશામાં નથી, આમ છતાં ત્યાં ભારતના નાગરિકોનાં ઘરો અને આર્મીની ચોકીઓ છે. ત્યાંના સ્થાનિકોની એવી માંગણી રહી છે કે ભારતે નકશો અપડેટ કરી એ ભાગ ભારતના નકશામાં બતાવવો જોઈએ.
જો કે આ આખા પ્રદેશમાં ક્યારેય અંગ્રેજો આવ્યા નથી અને એટલે જ ત્યાં હમણાં સુધી ટ્રેઈન નો'તી. અંગ્રેજ શાસનની યાદ અપાવતું કોઈ સ્થાપત્ય પણ નથી એટલે આ પ્રદેશ સાવ અજાણી ભૂમિ લાગે છે. સમગ્ર વાતાવરણ અસ્સલ તિબેટ જેવું છે. આ બધું વધુ નજીકથી જોવા અને સમજવા બ્રાડ પીટનું દલાઈ લામા પરનું મુવી 'સેવન યર્સ ઇન તિબેટ' જોજો..આપને ગમશે..
મેઇનલેન્ડ ભારતમાં ગુવાહાટી અને સિક્કિમ હવે ધીમે ધીમે પોપ્યુલર થતું જાય છે પરંતુ અરુણાચલ પ્રદેશ હજી વણ-ખેડાયેલું છે. જંગલી પ્રાણીઓનું માંસ આરોગતા અને મહિનામાં માંડ બે વાર નહાતા સ્થાનિકોનું જીવન જે તે પરિસ્થિતિમાં જે તે પરિમાણોને આધારિત વિકસિત થયું છે. જે તે સ્થિતિમાં માણસ જે મુજબ વિકસે એ જ રીતે તેઓ વિકસ્યા છે અને શહેરીકરણના કારણે હવે નવી તકો મેળવી રહયા છે પણ શાંતિ ખોઈ રહ્યા છે. આમ છતાં, હમણાં સુધી તો અહીંની ભૂમિમાં પગ મૂકતા શાંતિ, સરળતા, અને નવી દુનિયાનો અહેસાસ થયા વગર રહેતો નથી.
(લેખક ગુજરાત સચિવાલયમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં સેક્શન ઓફિસર છે.)
kunalgadhavi08@gmail.com


