જયાપ્રદાને ચેન્નાઇની કોર્ટે ફટકારી 6 મહિનાની સજા, જાણો કયા કેસમાં ઠર્યા દોષિત ?
દિગ્ગજ અભિનેત્રી જયા પ્રદાને ચેન્નાઈની કોર્ટે 6 મહિનાની જેલની સજા ફટકારી છે. આ સાથે તેના પર 5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જયા પ્રદા અને તેમના બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ સિનેમા હોલના કર્મચારીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી. આ કેસમાં અભિનેત્રીની સાથે રામ કુમાર અને રાજા બાબુને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બંને તેના બિઝનેસ પાર્ટનર છે. રામ કુમાર અને રાજા બાબુ સિનેમા હોલ ચલાવતા હતા. સિનેમા હોલના કર્મચારીઓને ESI ચૂકવવામાં ન આવતા વિવાદ થયો અને ત્યારબાદ તેઓએ કાનૂની માર્ગ અપનાવ્યો.
શું છે સમગ્ર મામલો
રિપોર્ટ્સ અનુસાર, જયા પ્રદા અને તેના બિઝનેસ પાર્ટનર ચેન્નાઈમાં સિનેમા હોલ ચલાવતા હતા પરંતુ નુકસાન વેઠવાને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાં કામ કરતા કર્મચારીઓએ જયા પ્રદા વિરુદ્ધ તેમના પગારમાંથી કાપવામાં આવેલી ESI રકમ ન ચૂકવવા બદલ કેસ દાખલ કર્યો હતો. ત્યારપછી, લેબર ગવર્મેન્ટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશને ચેન્નાઈની એગ્મોર મેજિસ્ટ્રેટ કોર્ટમાં જય પ્રદા, રામ કુમાર અને રાજા બાબુ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. હવે આ કેસમાં કોર્ટે સજા સંભળાવી છે.જયા પ્રદાએ કર્મચારીઓને બાકી રકમ ચૂકવવાનું વચન આપ્યું હતું. તેણે કોર્ટને કેસ ફગાવવાની વિનંતી કરી પરંતુ કોર્ટે તેની અપીલ ફગાવી દીધી.
જયાપ્રદા વિશે ખાસ વાતો
જયા પ્રદા 70 અને 80ના દાયકામાં લોકપ્રિય અભિનેત્રી રહી ચુકી છે. હિન્દી સિનેમા જગતમાં પ્રવેશતા પહેલા તેણે તેલુગુમાં ઘણી ફિલ્મો કરી હતી. તેના સમયમાં તેની ગણના સૌથી સુંદર અભિનેત્રીઓમાં થતી હતી. જીતેન્દ્ર સાથેની તેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જયા પ્રદાની મુખ્ય ફિલ્મોમાં 'તોહફા', 'સંજોગ', 'કામચોર', 'શરાબી', 'આખરી રાસ્તા', 'થાનેદાર', 'આજ કા અર્જુન' અને 'મા'નો સમાવેશ થાય છે