VADODARA : ધો. 12 માં નાપાસ થયા બાદથી લાપતા યુવકની ભાળ મળી
VADODARA BOARD EXAM : તાજેતરમાં ગુજરાત બોર્ડ (GUJARAT BOARD) નું ધો. 12 નું સામાન્ય પ્રવાહ (COMMERCE) અને વિજ્ઞાન પ્રવાહ (SCIENCE STREAM) નું પરિણામ જાહેર થયું હતું. જેમાં શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતો યુવક બે વિષયમાં નાપાસ થયો હતો. બાદમાં તે ટ્યુશન જવાનું કહીને અચાનક લાપતા બનતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. આ અંગેની જાણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સફળતા મળી છે. યુવક કલકત્તાથી હેમખેમ મળી આવ્યો હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. હાલ યુવકને પરત લાવવા માટે તેના માતા-પિતા સહિત પોલીસ જવાનો મળસ્કે કલકત્તા જવાના રવાના થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પરત આવ્યો ન્હતો
સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત બોર્ડ દ્વારા પ્રથમ વખત ધો. 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું હતું. આમાં વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા કમલભાઇ (નામ બદલ્યું છે) નો પુત્ર વિષયમાં નાપાસ થયો હતો. ત્યાર બાદ તે ટ્યુશન જવાનું કહીને ઘરેથી નિકળ્યો હતો. પરંતુ ત્યાંથી તે પરત આવ્યો ન્હતો. જેને લઇને પરિવાર ચિંતામાં મુકાયો હતો.
પોલીસને જાણ કરવામાં આવી
પુત્રની ભાળ મેળવવા માટે પરિવારે સ્વજનો અને તેના મિત્રોનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેની કોઇ ભાળ મળી શકી ન હતી. જેને લઇને પરિવારે સ્થાનિક પોલીસમાં આ અંગેની જાણ કરી હતી. હાલ તબક્કે પ્રાપ્ત વિગતો અનુસાર, તે સવારે 11 – 30 ની આસપાસ ઘરેથી ટ્યુશન જવાનું કહીને પરત ફર્યો ન્હતો. જે બાદ તેની શોધખોળ પરિજનોએ શરૂ કરી હતી. જેમાં કોઇ સફળતા નહિ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી.
ગુરૂદ્વારામાંથી મળી આવ્યો
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, યુવકનું એક્ટીવા રેલવે સ્ટેશન નજીકથી મળી આવ્યું હતું. યુવક 12 વાગ્યાના અરસામાં ટીકીટ લેતો સીસીટીવીમાં નજરે પડી રહ્યો હતો. તે બોમ્બે તરફ જતી ટ્રેનમાં બેઠો હોવાની પ્રબળ આશંકાએ તપાસનો દોર લંબાવવામાં આવ્યો હતો. વડોદરા પોલીસે અન્ય રાજ્યોની પોલીસની મદદથી લાપતા યુવકને શોધી કાઢ્યો છે. તે મુંબઇ નહિ પરંતુ કલકત્તાના ગુરૂદ્વારામાંથી મળી આવ્યો હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે. તેને પરત લાવવા માટે માતા-પિતા સહિત પોલીસ જવાનો આજે મળસ્કે જવા રવાના થયા છે. યુવકની માતા પર ફોન આવતા પગેરૂ શોધવામાં સફળતા મળી હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : બ્રાન્ડેડ કપડાના પાર્સલમાંથી હાથફેરો કરનારા બચી ન શક્યા


