VADODARA : નામચીન યુસુફ કડીયો કોર્ટમાં હાજર, પોલીસે 6 દિવસના રિમાન્ડ મેળવ્યા
VADODARA : વડોદરા (VADODARA) ના નામચીન અને માથાભારે યુસુફ કડીયા સામે શહેરના વિવિધ પોલીસ મથકમાં તથા અન્યત્રે મળી 23 જેટલા ગુનાઓ નોંધાયા છે. તેની બે વખત પાસા હેઠળ પણ અટકાયત કરવામાં આવી છે. યુસુફ કડીયા સામે જેપી રોડ પોલીસ મથકમાં હત્યાની કોશિશનો ગુનો નોંધાયા બાદથી તે ફરાર હતો. તાજેતરમાં યુસુફ કડીયો કોર્ટમાં હાજર થતા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. અને કોર્ટમાં રજુ કરી તેના 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
અલગ અલગ જગ્યાએ નાસતો-ફરતો હતો
વડોદરાના જેપી રોડ પોલીસ મથકમાં યુસુફભાઇ ઉર્ફે કડીયો સીદ્દીકભાઇ શેખ (રહે. કડુ પાગા, મચ્છીપીઠ, રાવપુરા) તથા અન્ય ઇસમો વિરૂદ્ધ જે. પી. રોડ પોલીસ મથકમાં ખુનની કોશિશ સહિતની કલમો હેઠળ 11, નવેમ્બર - 23 ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટના બાદ પોતાની ધરપકડ ટાળવા માટે અલગ અલગ જગ્યાએ નાસતો-ફરતો હતો. તેવામાં તેણે આગોતરા જામીન મેળવવા માટે નામદાર કોર્ટમાં અરજ ગુજારતા કોર્ટે આગોતરા જામીન નામંજુર કર્યા હતા.
23 ગુના નોંધાયા, બે વખત પાસા
આરોપી યુસુફ કડીયો તાજેતરમાં નામદાર કોર્ટમાં હાજર થયો હતો. જ્યાંથી તેને પોલીસ સ્ટેશન લાવીને તેની અટકાયત કરીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. યુસુફ કડીયા સામે વડોદરાના જેપી રોડ, કારેલીબાગ, ગોરવા, કિશનવાડી, વડોદરા તાલુકા, ડીસીબી, રાવપુરા, મકરપુરા, માંજલપુર તથા સીઆઇડી ક્રાઇમ - ગાંધીનગર ઝોન મળીને 23 જેટલા ગુનાઓ નોંધાયા છે. અને તેની બે વખત પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : વિવાદીત ફિલ્મને ભાજપ યુવા મોરચાના પ્રમુખનું સમર્થન