VADODARA : MSU ની BBA ફેકલ્ટી બહાર હોબાળો, પોલીસ ખડકી દેવાઇ
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ની સેલ્ફ ફાઇનાનાન્સ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટેની એન્ટરન્સ એક્ઝામનો ટેસ્ટ 5 જુનના રોજ લેવામાં આવ્યો હતો. તાજેતરમાં તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યા સિવાય વિદ્યાર્થીઓના નામની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જે વિદ્યાર્થીઓને આગળની પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા છે, તેમના નામો છે. અને આડકતરી રીતે અન્ય વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાંં આવ્યા છે. જેના વિરોધમાં આજે એનએસયુઆઇ દ્વારા બીબીએ ફેકલ્ટી સત્તાધીશો સમક્ષ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસે વિરોધ કરતા વિદ્યાર્થીઓની અટકાયક કરી છે.
વિદ્યાર્થી નેતાઓની અટકાયત
MSU માં હાલ એડમિશનની મોસમ ચાલી રહી છે. જે અંતર્ગત બેચલર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) ના સેલ્ફ ફાઇનાન્સ કોર્ષમાં એડમિશન લેવા માટે તાજેતરમાં પરીક્ષા લેવામાં આવી હતી. જેના પરિણામો / માર્કસ જાહેર કર્યા વગર, આગળની પ્રક્રિયા એટલેકે જીડી અને પીઆઇ માટે ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી છે. જેને લઇને સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઉઠવા પામ્યા છે. આ વાતને લઇને એનએસયુઆઇના વિદ્યાર્થી નેતાઓ દ્વારા આજે બીબીએ ફેકલ્ટીમાં વિરોધ દર્શાવવામાં આવ્યો છે. અને યાદી પહેલા માર્કસ તાત્કાલીક ધોરણે જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિરોધ જોતા જ તાત્કાલીક પોલીસને જાણ કરવામાં આવતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. અને વિરોધ કરતા વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ મોટી સંખ્યામાંં હાજર
આ સાથે જ યુનિ.ની બીબીએ ફેકલ્ટી બહાર બપોર સુધી પોલીસ મોટી સંખ્યામાંં હાજર હોવાનું જાણવા મળ્યું હતું. જો કે સુત્રોના જણાવ્યા અનુસાર, એમ.એસ.યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓની એન્ટરન્સ એક્ઝામના પરિણામો જાહેર કરવામાં આવ્યા હોય તો પછી માત્ર બીબીએ માટે જ આવું કેમ, તેવા સવાલોએ યુનિ.માં સ્થાન લીધું છે.
આ પણ વાંચો -- VADODARA : વિતેલા 24 કલાકમાં ફાયર વિભાગે 2 કાર શોરૂમ સીલ કર્યા, અનેકને નોટીસ