VADODARA : લોકોએ પાલિકા અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓને ભગાડ્યા
VADODARA : રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ વડોદરા પાલિકાની (VADODARA - VMC) ટીમ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને અનેક જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં પાલિકાની ટીમ શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનોના ડ્રેનેજ, પાણી અને વિજ કનેક્શન કાપવા માટે અન્ય ટીમો સાથે પહોંચી હતી. દરમિયાન હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા લોકોએ પાલિકાના અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો. આખરે પોલીસે આવતા અધિકારીઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા. પોલીસ સુત્રોએ જણાવ્યું કે, પાલિકાની ટીમ દ્વારા પોલીસને જાણ કર્યા વગર કામગીરી કરવા માટે ગઇ ગઇ હતી.
કનેક્શન કાપવાની તૈયારી
વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા હાઉસિંગના જર્જરિત મકાનોને પાલિકાની નિર્ભયતા શાખા દ્વારા 325 મકાનો ખાલી કરવા માટે નોટીસ પાઠવી હતી. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો ત્યાં રહેતા હતા. મામલાની ગંભીરતાને ધ્યાને લઇને પાલિકા તથા અન્ય વિભાગની ટીમ ગત મોડી સાંજે સ્થળ પર પહોંચી હતી. અને જર્જરિત મકાનોના ડ્રેનેજ, પાણી અને વિજ કનેક્શન કાપવાની તૈયારી કરી રહ્યું હતું. તો બીજી તરફ સ્થાનિક લોકોને અંદાજો આવી જતા તેઓ એકત્ર થયા હતા. અને પાલિકા સહિતના અધિકારીઓ સાથે ઝપાઝપી કરી ઘર્ષણમાં ઉતર્યા હતા. લોકો બેકાબુ બનતા તાત્કાલીક પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે સ્થળ પર આવીને સ્થિતી કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
રેસ્ક્યૂ કરી લીધા
પોલીસ આવતા પહેલા લોકો પાલિકા સહિતના અધિકારીઓને ઘેરી વળ્યા હતા. પોલીસ આવ્યા બાદ તમામ અધિકારીઓને લોકો વચ્ચેથી રેસ્ક્યૂ કરી લીધા હતા. અને તમામને બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, પાલિકા તથા અન્ય વિભાગની ટીમો દ્વારા પોલીસને જાણ કર્યા વગર જ આ કાર્યવાહી કરવા પહોચી ગયા હતા.
આ પણ વાંચો -- VADODARA : સિક્કિમમાં વાદળ ફાટતા પરિવાર સંપર્ક વિહોણો બન્યો