રાજીનામા બાદ ભૂપત ભાયાણીએ શું કહ્યું ... વાંચો અહેવાલ
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું રાજીનામું. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.
હું ભાજપનો જ કાર્યકર્તા હતોઃ ભાયાણી
AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે અને તેમનું વિધાનસભા અધ્યક્ષે રાજીનામું મંજૂર કર્યું છે. જે સાથે જ ભાયાણીએ કહ્યું કે, AAPમાં યોગ્ય પ્લેટફોર્મ ન અપાયું. સમયાંતરે રાજકીય નિર્ણય લેવા પડતા હોય છે. મેં આપમાંથી પણ રાજીનામું આપ્યું છે. હું ભાજપનો જ કાર્યકર્તા હતો અને સસ્પેન્ડ કર્યો હતો તે બંધારણીય પદ પરથી કર્યો હતો.આ સાથે જ ભૂપત ભાયાણીએ જણાવ્યું કે, મારા કાર્યકર્તાના, જનતાને કહેવાથી નિર્ણય કર્યો છે. મારી પર કોઇ દબાણ નથી. તેમજ મારી પર કોઇ દબાણ નથી. આ સાથે જ તેમણે ચૂંટણી લડવા અંગે કહ્યું કે, હું ચૂંટણી લડવાનો છું એવું સ્પષ્ટ કહેતો નથી. હું જનતાની સેવા કરવા માગું છું.
ગુજરાત વિધાનસભા ખંડિત થશે
ધારાસભ્ય પદેથી ભૂપત ભાયાણીના રાજીનામાથી ગુજરાત વિધાનસભા ખંડિત થશે. જેમાં વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 181 રહેશે. તેમજ વિધાનસભા ચૂંટણીમાં AAPના 5 ઉમેદવાર ચૂંટાયા હતા. જેમાંથી ભૂપત ભાયાણીના રાજીનામા બાદ AAPના 4 ધારાસભ્ય રહેશે. જેની સાથે જ આપને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. આ તરફ વિસાવદર બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભાની ચૂંટણી થઇ શકે છે
વિધાનસભા-2022ની ચૂંટણીમાં મેળવી હતી જીત
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા. ભાજપે અહીં કોંગ્રેસ છોડીને આવેલા હર્ષદ રિબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. જોકે, આપના ભૂપત ભાયાણી આ બંને ઉમેદવારોને હાર આપી જીત મેળવવામાં સફળ રહ્યા હતા. ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયાને 6 હજાર 900 મતોથી હરાવ્યા હતા.
અગાઉ પણ ભાજપમાં જોડાવાની વાત થઈ હતી
અગાઉ ડિસેમ્બર-2022માં વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ જ વિસાવદર AAPના વિજેતા ઉમેદવાર ભૂપત ભાયાણી અંગે વાત વહેતી થઇ હતી કે તેઓ આપનો હાથ છોડીને ભાજપમાં જોડાઇ શકે છે. આ મામલે ભૂપત ભાયાણીનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેઓ દાવો કરી રહ્યા હતા કે, આપમાં જ રહીશ. હું કોઈપણ પાર્ટીમાં જોડાવાનો નથી. આમ આદમી પાર્ટીનો સૈનિક છું. જનતાએ મારા પર વિશ્વાસ મૂકી મને ભવ્ય જીત અપાવી છે. મેં લોકો કે પાર્ટી સાથે દ્રોહ કરવાનું સપનામાં પણ વિચાર્યું નથી.
આ પણ વાંચો-ગુજરાતના રાજકારણના મોટા સમાચાર,લોકસભા ચૂંટણી પહેલા AAPને ઝટકો



