Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hindu Dharma-કાં ગુરુ પર છોડી દો,કાં ગુરુને છોડી દો

Hindu Dharma માં ગુરુને એક વિશેષ મહત્વ અપાયું છે. ગુરુ ગોવિંદ દોનોં ખડે કિસકો લાગું પાય બલિહારી ગુરુ આપકી-ગોવિંદ ડિયો બતાય ભારત એક કૃષિપ્રધાન દેશ છે, એવું શાળાઓમાં શીખવાય છે. પરંતુ ભારતીય સંસ્કૃતિના સંસ્કારો અને વિશ્વના ઇતિહાસનો અભ્યાસ કરીએ ત્યારે...
hindu dharma કાં ગુરુ પર છોડી દો કાં ગુરુને છોડી દો
Advertisement

Hindu Dharma માં ગુરુને એક વિશેષ મહત્વ અપાયું છે.

ગુરુ ગોવિંદ દોનોં ખડે કિસકો લાગું પાય

Advertisement

બલિહારી ગુરુ આપકી-ગોવિંદ ડિયો બતાય

Advertisement

ભારત એક કૃષિપ્રધાન દેશ છે, એવું શાળાઓમાં શીખવાય છે. પરંતુ ભારતીય સંસ્કૃતિના સંસ્કારો અને વિશ્વના ઇતિહાસનો અભ્યાસ કરીએ ત્યારે ઉપરોક્ત વાક્યમાં આમ થોડો ફેરફાર કરવાનું મન થાય છેઃ ભારત ૠષિપ્રધાન દેશ છે.

આ ૠષિઓની સંસ્કૃતિ અને ૠષિઓના સંસ્કારોની ભૂમિ છે. યુગોથી ભારતનું કુળ ૠષિકુળ રહ્યું છે. એટલે પ્રત્યેક વ્યક્તિના ગૌત્રમાં ૠષિઓનાં નામ આદરપૂર્વક લેવામાં આવે છે.

ૠષિસંસ્કૃતિની વિશેષતા

Hindu Dharma-ૠષિસંસ્કૃતિની વિશેષતા એ છે કે અહીં ગુરુ દ્વારા શિષ્યને આધ્યાત્મિક અને ભૌતિક જ્ઞાનની ચરમસીમાએ પહોંચાડવામાં આવે છે. ગુરુને જ આ સંસ્કૃતિમાં પરમાત્માનું સ્વરૂપ માનીને પૂજવામાં આવે છે, એની પાછળ વ્યક્તિપૂજા કે અંધશ્રદ્ધાનો પડછાયો નથી, પરંતુ ગુરુ દ્વારા સર્વોત્તમ પ્રાપ્તિના અનુભવની વાત છે. વ્યક્તિગત રીતે સાધના કરી કરીને માનવી જે ન પામે તે ગુરુકૃપાથી સહજમાં પામી જાય છે.

એટલે જ મુંડક ઉપનિષદ કહે છેઃ ‘તદ્ વિજ્ઞાનાર્થં સ ગુરુમ્ એવ અભિગચ્છેત્ સમિત્પાણિઃ શ્રોત્રિયં બ્રહ્મ નિષ્ઠમ્’ (1-2-12) એટલે કે બ્રહ્મવિદ્યાનો સાક્ષાત્કાર કરવા માટે મુમુક્ષુએ બ્રહ્મસ્વરૂપ અને પરમાત્મામાં નિષ્ઠ એવા ગુરુના આશ્રયે જવું. શ્રીમદ્ ભાગવત ઉચ્ચારે છેઃ

‘ગુરોઃ અનુગ્રહેણ પુમાન્ પૂર્ણઃ પ્રશાન્તયે’ (10-80-43) અને ‘તસ્માદ્ ગુરું પ્રપદ્યેત જિજ્ઞાસુઃ શ્રેય ઉત્તમમ્’ (11-3-21) અર્થાત્ ગુરુની કૃપાથી જ વ્યક્તિ પૂર્ણ થઈને પરિપૂર્ણ શાંતિ મેળવે છે અને પોતાનું કલ્યાણ પામવા ઇચ્છતા મુમુક્ષુએ ગુરુના શરણે જવું.

વસ્તુ અમૌલિક દી મેરે સત્ગુરુ, કિરપા કર અપનાયો

ચિત્તોડની રાજરાણી મીરાંબાઈને રોહીદાસ ગુરુ તરીકે મળી ગયા ને મીરાંને પરમાત્માનો સાક્ષાત્કાર ગુરુ થકી થઈ ગયો. મીરાંબાઈ ગાય છેઃ

‘મીરાંને ગોવિંદ મિલિયા રે,

ગુરુ મિલિયા રૈદાસા...’

એક બીજા પદમાં મીરાંબાઈ ગાય છેઃ

‘વસ્તુ અમૌલિક દી મેરે સત્ગુરુ, કિરપા કર અપનાયો,

મીરા કે પ્રભુ ગિરધર નાગર, હરખ હરખ જસ પાયો...’

કબીરજીએ ગુરુમહિમાની અનોખી ઊંચાઈ દર્શાવી છે. કબીરજીને ગુરુપૂજાનો મહિમા કહેતાં વ્યક્તિપૂજાના આરોપનો ભય લાગતો નથી. તેઓ લખે છેઃ

‘પૂજા ગુરુ કી કિજિયે,

સબ પૂજા જિહિ માંહિ,

જબ જલ સિંચે મૂલ,

તરુ શાખા પત્ર અઘાહિ...’

એટલે કે ગુરુની પૂજા કરો તેમાં બધાની પૂજાનો સમાવેશ થઈ જાય છે, જેવી રીતે વૃક્ષના મૂળમાં જળ સિંચો તો સમગ્ર વૃક્ષને તે પાણી પહોંચે છે તેવી રીતે. Hindu Dharmaની આ જ તો વિશેષતા છે. 

ઉપનિષદ યુગથી લઈને વર્તમાન યુગ સુધી ગુરુમહિમાની આ ગાથા અસંખ્ય લોકોએ પોતાના જીવનમાં સત્ય ચરિતાર્થ થતી અનુભવી છે.

20મી સદીના મહાન ભારતીય ચિંતક શ્રીઅરવિંદ તો ત્યાં સુધી કહે છે કે ‘ગુરુના શરણે જવું તે તમામ શરણાગતિઓથી પરની ગતિ છે. તેના દ્વારા તમે અહંકારથી પર થઈ જાઓ છો.’ (Letters on Yoga, pg. 614, 1972)

ગુરુ પૃથ્વી પર પરમાત્માનું જીવંત સ્વરૂપ

Hindu Dharmaના મહાન ચિંતક સ્વામી વિવેકાનંદજી કહે છે કે ‘જેમણે આધ્યાત્મિકતાનો સાક્ષાત્કાર કર્યો છે તેવા મહાન ગુરુ પૃથ્વી પર પરમાત્માનું જીવંત સ્વરૂપ છે. જ્યાં સુધી માણસનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી એવા ગુરુ પૂજાતા રહેશે.’ (What Religion Is, In the Words of Swami Vivekanand, pg. 297, 333, 1972)

માત્ર ભારત નહીં, પરંતુ વિદેશોમાં પણ ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાની અસર ફેલાઈ હતી.

જેમકે, પ્રાચીન ગ્રીસમાં એથેન્સમાં પણ આવી જ ગુરુમહિમાની ગાથા સાથે ગુરુ-શિષ્ય પરંપરા વહેતી થઈ હતી. ગુરુ સોક્રેટિસના શિષ્ય પ્લેટો, અને પ્લેટોના શિષ્ય એરિસ્ટોટલની ગુરુપરંપરાની વાતો ઇતિહાસ-પ્રસિદ્ધ છે. એરિસ્ટોટલનો શિષ્ય સિકંદર તો એટલી હદ સુધી ગુરુમહિમાથી રંગાયો હતો કે તે મહાન સમ્રાટ હોવા છતાં પોતાના પિતા કરતાં પણ ગુરુ એરિસ્ટોટલને વિશેષ આદર-માન આપતો. એક દિવસ કોઈએ તેમને પૂછ્યું: ‘તમે તમારા પિતા કરતાં ગુરુને વધારે આદર આપો છો તેનું શું કારણ છે? શું તમારા પિતાનું ૠણ તમારા પર ઓછું છે?’

સિકંદરે જવાબમાં કહ્યું: ‘પિતાએ મને જીવન આપ્યું છે. એટલે તેમનું ૠણ હું ચોક્કસ સ્વીકારું છું, પરંતુ ગુરુએ મને જીવનને સાર્થક કેમ કરવું એ શીખવ્યું છે. આથી, ગુરુનું ૠણ હું વિશેષ માનું છું.’

એકવાર સિકંદર ગુરુ ઓરિસ્ટોટલ સાથે પ્રવાસ કરી રહ્યા હતા. પ્રવાસ દરમ્યાન એક નદી પાર કરવાની વેળા આવી. એરિસ્ટોટલે કહ્યું: હું પહેલાં નદી પાર કરી જઈશ પછી તું આવજે. પરંતુ સિકંદરે ગુરુનું આ વચન ન માન્યું. સિકંદરે પહેલાં નદી પાર કરી પછી એરિસ્ટોટલ નદી પાર કરીને સામે કિનારે પહોંચ્યા.

કોઈએ સિકંદરે પૂછ્યું: તમે ગુરુનું વચન કેમ ન માન્યું? ત્યારે સિકંદરે કહ્યું: ‘હું પહેલાં નદી પાર કરવા માગતો હતો તેનું કારણ એ હતું કે કદાચ સિકંદર ડૂબી જાય તો એરિસ્ટોટલ બીજા દસ નવા સિકંદર જેવા શિષ્યો પકાવી શકશે. પરંતુ જો એરિસ્ટોટલ ડૂબી જાય તો દસ સિકંદર ભેગા મળીને પણ એક એરિસ્ટોટલ ન બનાવી શકે.’

પ્રથમ વિશ્વયુદ્ધમાં રોયલ ઍરફોર્સના ફાઈટર પાઈલોટ તરીકે ફરજ બજાવનાર બ્રિટિશ લેફ્ટનન્ટ રોનાલ્ડ હેનરી નિક્સન કેમ્બ્રિજ યુનિવર્સિટીના ઇંગ્લિશ લિટરેચર અને ફિલોસોફીના વિદ્વાન હતા.

એક ફાઈટર પાઈલોટમાંથી પ્રગતિ કરીને તેઓ બ્રિટિશ શાસન ભારત હેઠળના લખનૌ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પણ બન્યા હતા. અહીંથી તેમને ભારતીય અધ્યાત્મ Hindu Dharma નો રંગ લાગ્યો અને કૃષ્ણભક્તિના રંગે રંગાઈ ગયા. તેમણે દીક્ષા લઈને યોગી કૃષ્ણપ્રેમ નામ ધારણ કર્યું. એક દિવસ તેમને કોઈએ પૂછ્યું: ‘તમે એક પાઈલોટ અને વિદ્વાન તરીકેની કારકિર્દી છોડીને આ ભગવાં કપડાં પહેરીને કૃષ્ણની મૂર્તિ રાખીને ફરો છો, તેનાથી તમને શું ફાયદો થયો?’ મર્માળંુ સ્મિત કરીને યોગી કૃષ્ણપ્રેમે કહ્યું: ‘જે મારી પહેલાં આ આધ્યાત્મિક માર્ગે ચાલીને સુખી થયા છે, એવા મહાન ગુરુએ મને પોતાના અનુભવ વડે જે રસ્તો ચીંધ્યો છે એ રસ્તે હું જાઉં છું અને કૃષ્ણને મેળવું છું.’

તમે સદાય તમારા મહાન ગુરુના કવચથી સુરક્ષિત છો

Hindu Dharma - દિવ્ય જીવન સંઘના પૂજ્ય ચિદાનંદજી મહારાજે એક વખત કહ્યું હતું: ‘ગુરુએ જેનો સ્વીકાર કર્યો છે તેને તે કદી છોડતા નથી. તમે ક્યારેય એકલા નથી હોતા, અર્ધી ક્ષણ પણ નહીં. તમે સદાય તમારા મહાન ગુરુના કવચથી સુરક્ષિત છો. તમે ચાલો છો ત્યારે તે તમારી સાથે ચાલે છે, તમે વિશ્રમ કરો છો, તમે ગાઢ નિદ્રામાં હો છો ત્યારે પણ તે તમારી સંભાળ લે છે.’

અક્ષરબ્રહ્મ તત્ત્વ જ ગુરુ તરીકે સૌને દિવ્ય અને શીતળ છત્ર આપે

પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણની અનુગામી ગુણાતીત ગુરુપરંપરામાં આજપર્યંત અસંખ્ય ભક્તોને તેનો અનુભવ થતો રહ્યો છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા એવી ગુરુમુખી સંસ્થા છે, જ્યાં પરમાત્માના દૃઢ આશ્રય સાથે ગુરુને જીવનના કેન્દ્રમાં રાખવામાં આવે છે.

ગુરુ-આજ્ઞાને સાધનાનો સાર માનવામાં આવે છે. કારણ કે અહીં અક્ષરબ્રહ્મ તત્ત્વ જ ગુરુ તરીકે સૌને દિવ્ય અને શીતળ છત્ર આપે છે. એવા મહાન ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ખોળિયે લાખો લોકોએ એ અક્ષરબ્રહ્મ તત્ત્વનો અનુભવ કર્યો છે.

ગુરુ-શિષ્યની વિરલ પરંપરાનું ગૌરવ વધાર્યું

એક આદર્શ શિષ્ય તરીકે અને એક આદર્શ ગુરુ તરીકે તેમણે ગુરુ-શિષ્યની વિરલ પરંપરાનું ગૌરવ વધાર્યું છે. લાખો લોકોના યોગ અને ક્ષેમનું વહન કરનાર પ્રમુખસ્વામી મહારાજે જીવનભર બીજાના સુખની જ ખેવના કરી છે. ઓરસિયે ચંદન ઘસાય તેમ પોતાની જાતને ઘસીને બીજાને સુગંધિત કરનાર, શીતળતા બક્ષનાર આવા ગુરુ વિરલ હોય છે.

પ્રમુખસ્વામી મહારાજે ક્યારેય પોતે મહાન ગુરુ હોવાનો દાવો કર્યો નથી કે ગુરુ હોવાનું અનુસંધાન શુદ્ધાં રાખ્યું નથી. સૌના આત્મીય સ્વજન બનીને સૌના આધ્યાત્મિક અને ભૌતિક ઉત્કર્ષ માટે તેમણે પોતાની જાતને જનસેવામાં હોમી દીધી હતી.

એવા મહાન અને અજોડ ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને ગુરુપૂર્ણિમાએ વંદન.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ જેવા મહાન ગુરુદેવની સ્મૃતિ કરતાં શ્રી ગુરુગીતામાં ભારતીય ૠષિએ ઊંચે સ્વરે ગાયેલા આ શબ્દો હૃદયમાં ગુંજવા લાગે છેઃ

‘ન ગુરોઃ અધિકમ્ તત્ત્વમ્,

ન ગુરોઃ અધિકમ્ તપઃ,

ગુરુજ્ઞાનાન્ન પરં તત્ત્વં

તસ્મૈ શ્રીગુરવે નમઃ’

Hindu Dharma-ગુરુથી અધિક કોઈ તત્ત્વ નથી, ગુરુના વચનમાં વર્તવાથી અધિક કોઈ તપ નથી, ગુરુએ કૃપા કરી આપેલા જ્ઞાનથી મોટું કોઈ તત્ત્વજ્ઞાન નથી. તેથી તે શ્રીગુરુદેવને મારા વારંવાર નમસ્કાર હો.

આ પણ વાંચો- BJP ના નેતા-કાર્યકરો સામે ગુજરાત પોલીસ ફરિયાદ લેતા કેમ ડરે છે ?

Advertisement

.

×