મોરવા હડફના સાગવાડા પિકઅપ બેસસ્ટેન્ડનો સ્લેબ ધરાશયી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી
અહેવાલઃ નામદેવ પાટીલ, પંચમહાલ
મોરવા હડફના સાગવાડા પિકઅપ બસ સ્ટેન્ડનો સ્લેબ અચાનક ધરાશયી થયો છે. સદનસીબે આ જર્જરિત બસ સ્ટેન્ડ માં મુસાફર કે અન્ય આશ્રિત રાહદારીઓ બેઠેલા નહિ હોવાથી મોટી હોનારત ટળી છે. ત્યારે જર્જરિત બસ સ્ટેન્ડ ની વાત કરવામાં આવે તો મોરવા હડફ તાલુકામાં મુખ્ય માર્ગો અને અંતરિયાળ વિસ્તારોમાં વર્ષો અગાઉ બનાવવામાં આવેલા તમામ બસ સ્ટેન્ડ હાલ જર્જરીત હાલતમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે સાથે જ છત માંથી સળિયા ડોકીયું કરી પોપડા પણ પડી રહ્યા છે.
ચોમાસા દરમિયાન આ તમામ બસ સ્ટેન્ડની છતમાંથી પાણી ટપકી રહ્યું છે સાથે જ અહીંયા બેસવા માટે બનાવવામાં આવેલા ઓટલા પણ તદ્દન જર્જરીત થઈ તૂટી ગયા છે.ત્યારે આ જર્જરીત તમામ બસ સ્ટેશન તોડી નવા બસ સ્ટેશન બનાવવામાં આવે અને હાલ જાહેર જનતાના હિતમાં જર્જરિત બસ સ્ટેશન ખાતે અંદર પ્રવેશ બંધ અને બેસવું નહીં જે અંગેની સુચના નિર્દેશ કરતાં બોર્ડ પણ મૂકવામાં આવે એવી જાહેર જનતાની માંગ ઉઠી છે. કેમ કે હાલ ચોમાસાનો સિઝન શરૂ છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય માર્ગ ઉપર બનાવવામાં આવેલા બસ સ્ટેશનનો ઉપયોગ શાળામાં રોજીંદુ અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ ઉપરાંત માર્ગ ઉપરથી પસાર થતાં રાહદારીઓ આશ્રય મેળવવા માટે કરતાં હોય છે.
સાગવાડા પિકઅપ બસ સ્ટેન્ડનો સ્લેબ ધરાશાયી થયા બાદ હજી પણ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે,ત્યારે ક્યારેક મોટી દુર્ઘટના સર્જાય એ પૂર્વે સરકારના જવાબદાર અધિકારીઓ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી જર્જરિત તમામ બસ સ્ટેન્ડને ડીસ્મેન્ટલ કરી નવું બસ સ્ટેન્ડ બનાવે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે.
મોરવા હડફ તાલુકામાં વર્ષો અગાઉ સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ગ્રામ્ય વિસ્તારને જોડતા મુખ્ય માર્ગો ઉપર વર્ષો અગાઉ બસ સ્ટેન્ડ પાસે મુસાફરો અને રાહદારીઓ આશ્રય મેળવી શકે એવી બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી,સરકાર દ્વારા શુભ આશયથી ઊભી કરેલી આ વ્યવસ્થા હાલ જાણે જીવતું મોત હોય એવી સ્થિતિ મોરવા હડફ તાલુકામાં જોવા મળી રહી છે .સરકાર દ્વારા વર્ષો અગાઉ બનાવવામાં આવેલા બસ સ્ટેન્ડ જાળવણીના અભાવે હાલ જીવનું જોખમ બની ઉભા જોવા મળી રહ્યા છે તેમ છતાં આ બાબત સરકારના જવાબદારોના ધ્યાને આવતી નથી.આવા જર્જરિત બસ સ્ટેશનોમાં હાલ ભયની ઓથાર હેઠળ રાહદારીઓ અને મુસાફરો આશ્રય લેતાં જોવા મળી રહ્યા છે