નડિયાદનો કંકોડિયા સંઘ પગપાળા પહોંચ્યો અંબાજી, 251 પ્રકારની મીઠાઇ અને ફરસાણનો અન્નકૂટ ધરાવ્યો
અહેવાલઃ શક્તિસિંહ રાજપૂત, અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી. શક્તિપીઠની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.
આવનારા થોડા દિવસ બાદ ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે શરૂ થવાનો છે ત્યારે આજે શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસે અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં નડિયાદ ખેડા વિસ્તારના ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા હતા.આ સંઘ છેલ્લા 159 વર્ષથી અંબાજી ખાતે આવે છે અને અમાસના દિવસે ધજા ચડાવીને અન્નકૂટ ધરાવે છે. અંબાલાલ રણછોડદાસની મંડળી નડિયાદથી અંબાજી વારાહી માતા પગપાળા સંઘ અંબાજી ખાતે દર વર્ષે આવીને માતાજીના મંદિરમાં દર્શન કરે છે અને આરાધના કરે છે અને ત્યારબાદ ચાચર ચોકમાં રાત્રે ગરબા કરીને બીજા દિવસે અમાસના દિવસે અન્નકૂટ ધરાવતા હોય છે.
નડીયાદથી પગપાળા આવતો આ સંઘ શ્રાવણીયા સંઘ અને કંકોડીયા સંઘથી ઓળખાય છે. આ સંઘ મા અશોકભાઈ નંદલાલ ભાવસાર,વિમલ અશોકભાઈ ભાવસાર, પરિશિત જશવંતભાઈ પટેલ અને મનીષ અશોકભાઈ ભાવસાર સહીત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
છેલ્લા ત્રણ ચાર દિવસમાં પાંચ લાખ કરતા વધુ લોકો ખેડાના નડિયાદ વિસ્તારના અંબાજી ખાતે આવતા હોય છે અને માતાજીના દર્શન કરતા હોય છે. આ સંઘના લોકોનું કહ્યું છે કે અમારા વડવાઓ પહેલા ગાડા લઈને ચાલતા નળિયા થી આવતા હતા અને હાલમાં પણ આ પરંપરા અમે ચાલુ રાખી છે અને અંબાજી ખાતે શ્રાવણ અમાસના દિવસે અન્નકૂટ ધરાવીએ છીએ.. આમ કરવાથી અમારા ખેડૂતોનો પાક સારો થાય છે અને વરસાદ સારો આવે છે તે માટે આ પરંપરા અમે ચાલુ રાખી છે.આજે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો અન્નકૂટ આરતીમાં જોડાયા હતા અને બપોરે 12:00 વાગે માતાજીને રાજભોગ ધરાવ્યા બાદ અન્નકૂટ આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો હતો.


