રોકડ ગણતા ગણતા મશીનો પણ થકી ગઈ! કોંગ્રેસ નેતા સામે IT વિભાગની કાર્યવાહી, 300 કરોડથી વધુ રકમ જપ્ત!
ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સભ્ય ધીરજ પ્રસાદ સાહૂના ઘરે અને ઑફિસ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન વિભાગને મોટી માત્રામાં બિનહિસાબી રોકડ મળી આવી છે. ત્યારે હવે ઝારખંડ એકમના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ શુક્રવારે ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ પ્રસાદ સાહુની ધરપકડની માગ કરી છે. આવકવેરા વિભાગ દ્વારા આ કાર્યવાહીને 72 કલાક જેટલો સમય વીતી ગયો છે. આ દરમિયાન 300 કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરવામાં આવી છે. આ રોકડની ગણતરી માટે લાવવામાં આવેલા મશીનો પણ ગણતરી દરમિયાન બગડી ગઈ હતી. વિભાગને નવી મશીનો મંગાવી પડી અને ત્યાર બાદ ગણતરીની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી.
પ્રાપ્ત અહેવાલ મુજબ, પહેલા દિવસ બુધવારે 150 કરોડ રૂપિયાની ગણતરી કર્યા બાદ મશીનો ખરાબ થઈ ગઈ હતી, જેના કારણે કામગીરી અટકાઈ હતી. ત્યારે હવે આવકવેરા વિભાગ દ્વારા 3 ડઝન મશીનો લાવવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રોકડની ગણતરી શનિવારે પણ ચાલુ રહી શકે છે. આવકવેરા વિભાગને આ જંગી રોકડ ઓરિસ્સામાં સ્થિત દારૂની કંપનીઓની ઓફિસો અને સાહુના પરિવારના નજીકના લોકોના ઘરે દરોડા દરમિયાન મળી આવી હતી. આવકવેરા વિભાગ દ્વારા ઓરિસ્સાના સંબલપુર અને સુંદરગઢ, ઝારખંડના બોકારો અને રાંચી અને કોલકાતા જેવા અન્ય સ્થળોએ પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.
શુક્રવારે આવકવેરાની ટીમે ઓરિસ્સાના બલાંગીર જિલ્લાના સુદાપાડામાં દારૂની એક કંપનીના મેનેજરના ઘરે દરોડો પાડ્યો હતો અને રોકડથી ભરેલા 156 બેગ જપ્ત કર્યા હતા. આ મૂડી 100 કરોડથી પણ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ પહેલા બુધવાર અને ગુરુવારે આવકવેરા વિભાગની ટીમે બલદેવ સાહૂ એન્ડ ગ્રૂપ ઑફ કંપનીઝની બલાંગીર ઑફિસ ખાતે દરોડા પાડ્યા હતા અને રૂ. 200 કરોડથી વધુ રોકડ કબજે કરી હતી. ઉપરાંત, ધનુપાલીમાં દેશી દારૂની ફેક્ટરી અને સંબલપુરમાં બલદેવ સાહુ અને ગ્રુપ ઓફ કંપની લિમિટેડની ઑફિસમાંથી પણ મોટી માત્રામાં રોકડ રકમ જપ્ત કરી હતી.
પીએમ મોદીએ વિપક્ષને લીધો આડે હાથ
આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી દરમિયાન ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સભ્ય ધીરજ સાહુના ઑફિસ અને રહેણાક સ્થળેથી અંદાજે રૂ. 300 કરોડની વસૂલાતને લઈને પીએમ મોદીએ પણ વિપક્ષી પાર્ટીને આડે હાથ લીધી છે. તેમણે કહ્યું હતું કે, જનતા પાસેથી લૂંટાયેલા પૈસાનો સંપૂર્ણ હિસાબ લેવામાં આવશે અને તેમને એક એક રૂપિયો પરત કરવો પડશે. પીએમ મોદીએ આને મોદીની ગેરંટી ગણાવી હતી.
આ પણ વાંચો- ઉત્તરાખંડમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનો આજે બીજો દિવસ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર


