ચૂંટણી છે માટે કેજરીવાલની જામીન અરજી પર વિચારણા કરીશું: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઇડીને કહ્યું કે, તેઓ ચૂંટણીના કારણે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન અંગે વિચારણા કરી શકે છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમારે હજી આ અંગે નિર્ણય લેવાનો બાકી છે. આ કેસમાં આગામી સુનાવણી મંગળવારે એટલે કે 7 મેના રોજ થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં સમય લાગી શકે છે, પરંતુ કેસમા હજી પણ સમય લાગી શકે તેમ હોય તો અમે ચૂંટણીને ધ્યાને રાખીને જામીન અરજી અંગે વિચારણા કરી શકીએ છીએ.
સુનાવણીમાં સમય લાગે તેવી શક્યતાને જોતા વિચારણા
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે પ્રવર્તન નિર્દેશાલય (ED) તરફથી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુને કહ્યું કે, ધરપકડની વિરુદ્ધ કેજરીવાલની અરજી પર સુનાવણીમાં સમય લાગે તેવી શક્યતા છે અને માટે કોર્ટ અંતરિમ જામીન આપવા અંગે તપાસ એજન્સીઓની દલિલો સાંભળવા અંગે વિચારણા કરી રહ્યા છે. આ અંગે એસવી રાજુએ કહ્યું કે, તેઓ કેજરીવાલને વચગાણાના જામીન આપવા અંગે વિચારણા કરશે.
આગામી સુનાવણીમાં જામીન અંગે દલિલો તૈયાર કરીને આવો
બેંચે કહ્યું કે, અમે કહી રહ્યા છીએ કે, અમે વચગાળાના જામીન પર સુનાવણી કરીશું, અમે તેમ નથી કહી રહ્યા કે, અમે વચગાળાના જામીન આપીશું. અમે વચગાળાના જામીન આપી પણ શકીએ અને ન પણ આપીએ. સુપ્રીમ કોર્ટે રાજુને કહ્યું કે, તેઓ 7 મેના રોજ વચગાળાના જામીન પર દલીલો માટે તૈયાર થઇને આવે. બેંચે કેજરીવાલની તે અરજી પર સુનાવણી કરી રહી છે જેમાં ઇડી દ્વારા કરાયેલી ધરપકડનો તેઓ વિરોધ કરી રહ્યા છે.
કેજરીવાલ 21 માર્ચથી જ તિહાડ જેલમાં છે
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 21 માર્ચના રોજ ધરપકડ બાદથી કસ્ટડીમાં તિહાડ જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટે 15 એપ્રીલના રોજ ઇડીને નોટિસ કરીને કેજરીવાલની અરજી પર જવાબ માંગ્યો હતો. જેમાં 9 એપ્રીલના રોજ દિલ્હી હાઇકોર્ટે મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડને યથાવત્ત રાખી અને કહ્યું કે, ઇડી પાસે ખુબ જ ઓછા વિકલ્પો બચ્યા હતા, કારણ કે કેજરીવાલે ઇડીના અનેકવાર સમન આપવા છતા પણ તપાસ અને પુછપરછમાં જોડાવાનો ઇન્કાર કરી દીધો હતો.


