ટ્રાન્ઝેક્શન માટે ન્યૂઝિલેન્ડ પણ કરી શકે છે UPIનો ઉપયોગ, ભારત સાથે પ્રારંભિક ચર્ચા શરૂ
બંને દેશો વચ્ચે વેપાર અને પર્યટન વધારવા માટે ન્યુઝીલેન્ડમાં UPIની શરૂઆત વિચારણા હેઠળ
સિંગાપોર અને અન્ય દેશોની જેમ હવે ન્યુઝીલેન્ડ પણ ટ્રાન્ઝેક્શન માટે UPIનો ઉપયોગ કરી શકશે. વેપાર કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા તે UPI પર ભારત સાથે પ્રારંભિક ચર્ચામાં છે. વાણિજ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે વેપાર અને પર્યટન વધારવા માટે ન્યુઝીલેન્ડમાં UPIની શરૂઆત વિચારણા હેઠળ છે.
વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને ન્યુઝીલેન્ડના વેપાર-નિકાસ વિકાસ પ્રધાન ડેમિયન ઓ'કોનોર વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બન્ને મંત્રીઓએ UPI સિસ્ટમ અંગે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને પેમેન્ટ્સ ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રારંભિક ચર્ચાઓનું સ્વાગત કર્યું, એમ મંત્રાલયે જણાવ્યું હતું. બંને પક્ષોએ આ મુદ્દે પરામર્શ ચાલુ રાખવા પર પણ સહમતિ દર્શાવી હતી.
બંને નેતાઓ એ વાત પર પણ સહમત થયા હતા કે ન્યુઝીલેન્ડમાં UPIની રજૂઆતથી બંને દેશો વચ્ચે વેપારમાં સરળતા રહેશે અને પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. બીજી તરફ, બંને દેશોમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે સહકાર વધારવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. UAE, ભૂટાન, નેપાળ પહેલાથી જ UPI પેમેન્ટ સિસ્ટમ અપનાવી ચૂક્યા છે. NPCI ઇન્ટરનેશનલ યુ.એસ., યુરોપીયન દેશો અને પશ્ચિમ એશિયામાં UPI સેવાઓના વિસ્તરણ માટે વાટાઘાટ કરી રહ્યું છે.
ભારતમાંથી $548 મિલિયનની નિકાસ
મંત્રાલયે કહ્યું કે, ભારતે તાજેતરમાં ન્યુઝીલેન્ડમાં કેરીની નિકાસ શરૂ કરી છે. બંને પક્ષોએ કિવી ફળ સહિત બાગાયત, કૃષિ, ફાર્માસ્યુટિકલ, પ્રોસેસિંગ, સંગ્રહ અને પરિવહન ક્ષેત્રે સંભવિત ટેકનિકલ સહયોગ અંગે ચર્ચા કરી હતી. ન્યુઝીલેન્ડમાં ભારતની નિકાસ 2021-22માં $487.6 મિલિયનથી વધીને 2022-23માં $548 મિલિયન થશે.