લ્યો, હવે રાજકોટમાં કાશ્મીરી કેસરની ખેતી
*રાજકોટના યુવાને લોઠડા નજીકના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શરૂ કર્યું કાશ્મીરી કેસરનું ફાર્મિંગ*
*ઈન્ડોર એરોફ્રોનિક ફાર્મિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે કાશ્મીરી કેસરની ખેતી*
ભારત કૃષીપ્રધાન દેશમાંથી એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી (કૃષિ વિવિધતા) દેશ છે બન્યો છે. જેમાં કાશ્મીરના પાકો હવે કન્યાકુમારીમાં ઉગી શકે છે,
ગુજરાતના ઘઉં આસામમાં અને ઓડીસાના કાળા ચોખા ગુજરાતના કોઈ પણ ખુણે ઉગાડી શકાય છે. આ એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી માટે જવાબદાર છે ભારતનું અભ્યાસુ યુવાધન. આવા જ એક અભ્યાસુ યુવા બ્રિજેશ કાલરીયાએ રાજકોટમાં શરૂ કર્યું છે કેશરનું ઉત્પાદન.
નવાઈની વાત છે કે અત્યાર સુધી રાજકોટના લોકોએ કેશરની ખેતી કાશ્મીરમાં જ જોઈ હતી, પણ રાજકોટના આ યુવાને લોઠડા નજીકના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ શેડની અંદર બનાવ્યું છે, ઈન્ડોર એરોફ્રોનિક ફાર્મિંગ...જેમાં જમીન અને રસાયણોના ઉપયોગ વગર પાણીના સ્થાને ભેજવાળી હવા અને ઈલેકટ્રીક લાઈટનો યોગ્ય ઉપયોગ કરીને જરૂરી તાપમાન પૂરૂ પાડવામાં આવે છે. તાપમાન, ભેજની સાથોસાથ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું પણ સુયોગ્ય વ્યવસ્થાપન કરવું જરૂરી બની જાય છે.
કાળા માથાનો માનવી પોતાની સમજણ અને ટેકનોલોજીના સહારે ધારે તે પરિણામ લાવી શકે છે, તેનું જ્વલંત ઉદાહરણ છે બ્રિજેશભાઇ, જેમણે નોકરી છોડીને પોતાના વતન મોવિયામાં બાપ-દાદાના વખતથી કરાતી પરંપરાગત ખેતીમાં બદલાવ લાવવાની શરૂઆત કરી. એમણે એગ્રોફોરેસ્ટ્રીમાં સાગ, સાલ, ચંદન, કાળીજીરી, જેવા અનેક પાકોનું વાવેતર કરીને પરિવર્તનની શરૂઆત કરી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી “મીઠી ક્રાંતિ” એવા મધમાખી પાલન થકી મધ ઉત્પાદન કરવાની સાથે છેલ્લા એક વર્ષથી ગુજરાતની ગરમ આબોહવાની વચ્ચે કાશ્મીરની ઠંડી આબોહવામાં ઉગતા કેસરની ખેતીમાં જંપલાવીને નેત્રદિપક સફળતા હાંસલ કરી છે.
કેશરની ખેતી અંગે વાત કરતા બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે, કેસરનું બિયારણ ૧ કિલોના ૬૦૦ થી ૧ હજાર રૂપિયાના ભાવે મળે છે. કેસરનું બીજ ડુંગળીના દડાની સાઈઝનુ હોય છે. તેનું વજન ૫ ગ્રામથી ૩૦ ગ્રામ સુધીનુ હોય છે. ૧૫૦૦ કિલો બિયારણમાંથી દોઢ થી બે કિલો કેસરનું ઉત્પાદન લઈ શકાય છે. કેસરના એક કંદમાંથી એકથી ત્રણ સ્યૂટ નીકળે છે. જેમાં એકથી બે ફૂલ તૈયાર થાય છે. ૨૦ ગ્રામથી મોટા બલ્બમાં મોટી સાઈઝના સ્યુટ અને ફુલો નીકળે છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન બલ્બને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. કેસરનું ઉત્પાદન લીધા પછી બલ્બને નિતારવાળી છાયાવાળી જમીનમાં રાખવામાં આવે છે. કેસર ઉત્પાદન થાય તેવું ૧૫ થી ૨૦ ગ્રામ વજનના બલ્બ તૈયાર થતાં દોઢ વર્ષ જેટલો સમય લાગે છે. મોટા બલ્બને કોલ્ડ સ્ટોરેજમાં ગોઠવવાથી લગભગ અઢી મહિનામાં કેસરનું પક્વ ફૂલ તૈયાર થાય છે. ફૂલમાંથી કેસરનાં તાંતણા મેળવવામાં આવે છે. સન લાઈટ ન અડવાને લીધે તેનો રંગ અને સુગંધ જળવાઈ રહે છે.
ભારતમાં માત્ર કાશ્મીરમાં જ થતા કેસર કે જેની કિંમત પ્રતિ કિલો ૩-૫ લાખ રૂપિયા છે. એવા મોંઘા કેસરની ખેતી માટે ૧૫ ફૂટ બાય ૧૫ ફૂટનો કોલ્ડ ફાર્મિંગ રૂમ તૈયાર કર્યો છે. જેમાં માટી તેમજ પાણીના માધ્યમ વિના અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં કેસરની ખેતી કરી છે. આ રૂમનું તાપમાન ૫ ડિગ્રીથી ૨૫ ડિગ્રી સુધીનું તાપમાન રાખવામાં આવે છે. બીજા પાકો માટેનું તાાપમાન તેમની જરૂરીયાત મુજબ સેટ કરવામાં આવે છે, તેમ
બ્રિજેશભાઈ કહે છે કે, ખેતીમાં નવીનતા લાવવા માટે ગુજરાત સરકારના ખેતીવાળી વિભાગના અધિકારીઓના માર્ગદર્શન અને પ્રોત્સાહન સતત મળતું રહ્યું છે. બાગાયત વિભાગના અધિકારીઓએ કાશ્મીરમાં બિયારણ ખરીદવાથી માંડીને તેના પાક તૈયાર થાય ત્યાં સુધી અનેક પ્રકારની મદદ કરી છે. ભારતમાં કેસરનું બિયારણ કાશ્મીર સિવાય બીજે ક્યાંય મળતું નથી. કેસરના બિયારણમાંથી સતત ૧૫ વર્ષ કે તેથી વધુ સમય સુધી ઉત્પાદન લઈ શકાય છે. કેસરનું બિયારણ તૈયાર થતાં દોઢ વર્ષ જેટલો સમય લાગે છે. કોલ્ડ ફાર્મિંગ રૂમમાં કેસર સિવાય મશરૂમ, લીલુ લસણ સહિતના અનેક પાકો લઈ શકાય છે.
કેસર સૌપ્રથમ ઈરાનમાં ઉગાડવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. ગ્રીસ, તુર્કી અને ભારતને પણ કેસરના મૂળ સ્થાન તરીકે સૂચવવામાં આવે છે. પ્રાચીન કાળના મુખ્ય ઉત્પાદકોમાં ઈરાન, સ્પેન, કાશ્મીર અને ગ્રીસનો સમાવેશ થાય છે.વર્તમાન સમયમાં કેસરની ખેતી ન્યુઝીલેન્ડ, તાસ્માનિયા અને કેલિફોર્નિયામાં વિસ્તરી છે. ઈરાન વિશ્વભરમાં કેસરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જે કેસરના કુલ ઉત્પાદનમાં 90 % હિસ્સો ધરાવે છે
ગોંડલના સાહસિક ખેડુત બ્રીજેશભાઈ કાલરિયા છેલ્લા આઠ વર્ષથી સતત નવા પ્રયોગ સાથે ધંધાકીય રીતે ખેતીને અપનાવી નવા નવા સાહસો કરે છે. તેમણે કરેલું ગુજરાતમાં કાશ્મીરી કેસરના વાવેતરનું સાહસ આગામી સમયમાં એક નવો આયામ બની રહેશે. તેઓ કાશ્મીરી કેસરના પદ્ધતિસરના ઉત્પાદન માટે ખેડૂતોને ટ્રેનિંગ પણ આપી રહ્યા છે.
અહેવાલ: રહીમ લાખાણી