પટના હાઇ-વે... જ્યાં આજે પણ ભટકે છે કિશોરનો મૃતાત્મા!
આ ઘટના એ સમયની છે, જ્યારે ‘ઇન્ડિયન પેરાનોર્મલ સોસાયટી’ (IPS-દિલ્હી)ના ફાઉન્ડર ગૌરવ તિવારી જીવિત હતાં. પોતાના ટૂંકા જીવનકાળ દરમિયાન ૬૦૦૦થી પણ વધુ પેરાનોર્મલ-કેસ ઉકેલી ચૂકેલા ગૌરવ તિવારી માટે ‘પટના હાઇ-વે’ કેસ ખાસ્સો જટિલ નીવડ્યો, કારણકે કેટલીક પ્રેતાત્માઓ એટલી હદ્દે નકારાત્મક હોય છે, જેનું દમન શક્ય નથી. પટના હાઇ-વે પર આજે પણ એ કિશોરનો મૃતાત્મા ભટકી રહ્યો છે, જેની આપણે અહીંયા વિગતવાà
Advertisement
આ ઘટના એ સમયની છે, જ્યારે ‘ઇન્ડિયન પેરાનોર્મલ સોસાયટી’ (IPS-દિલ્હી)ના ફાઉન્ડર ગૌરવ તિવારી જીવિત હતાં. પોતાના ટૂંકા જીવનકાળ દરમિયાન ૬૦૦૦થી પણ વધુ પેરાનોર્મલ-કેસ ઉકેલી ચૂકેલા ગૌરવ તિવારી માટે ‘પટના હાઇ-વે’ કેસ ખાસ્સો જટિલ નીવડ્યો, કારણકે કેટલીક પ્રેતાત્માઓ એટલી હદ્દે નકારાત્મક હોય છે, જેનું દમન શક્ય નથી. પટના હાઇ-વે પર આજે પણ એ કિશોરનો મૃતાત્મા ભટકી રહ્યો છે, જેની આપણે અહીંયા વિગતવાર વાત કરવાના છીએ.
બેંકની પરીક્ષાની તૈયારી કરવા માટે એક વર્ષ પહેલાં દરભંગાથી પટના આવેલો રોબિન મિશ્રા પોતાના પાંચ મિત્રો રોશન, અનુપમ, દીપક, અતુલ અને રિતેશ સાથે ભાડાના ઘરમાં રહેતો હતો. પરીક્ષાનું પરિણામ આવ્યું, ત્યારે રોબિન સિવાયના પાંચે ય પરીક્ષાર્થીઓ સારા માર્ક્સ સાથે પાસ થયા હતા. તેઓ પાછલા બે-ત્રણ વર્ષથી તૈયારી કરી રહ્યા હોવાથી સ્વાભાવિક રીતે એમની ઉત્તીર્ણ થવાની સંભાવના વધારે હતી, એ તથ્ય સમજવામાં રોબિનને વખત લાગ્યો.
હવે ફરી પાછું દરભંગા જઈને પિતાની વર્ષો જૂની સાડીની દુકાનમાં કામે વળગી જવું પડશે, એ વિચારી વિચારીને જ રોબિનની હાલત ખરાબ થઈ ગઈ અને તેણે ખાવા-પીવાનું છોડી દીધું. એના મિત્રોએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને રોબિનને થોડો સમય માટે હવાફેર કરવા માટે પ્રેમાગ્રહ કર્યો.
અમુક જ કલાકોમાં ગોઠવાયેલી રોડ-ટ્રિપમાં જવાનું રોબિનને મન નહોતું, પરંતુ મિત્રોના આગ્રહને તે નકારી શક્યો નહીં. રોબિન સહિતના છ જુવાનિયાઓને સ્વપ્નેય અંદાજ નહોતો કે એમની રોડ-ટ્રિપ કેટલી ભયાવહ પૂરવાર થવાની છે!
‘મને અડધી કલાકમાં ઉઠાડજો, ઊંઘ આવે છે!’ રોડ-ટ્રિપની શરૂઆતમાં જ રોબિને બગાસું ખાઈને કહ્યું.
થોડી મિનિટો માંડ વીતી હશે, ત્યાં પટના હાઇ-વે પર અચાનક રોબિનની આંખ ખૂલી. વિન્ડો-શિલ્ડમાંથી થોડે જ દૂર નજર જતાં તેની આંખો ફાટી ગઈ. લગભગ દોઢસો મીટર દૂર, કેસરી ટી-શર્ટ અને શૉર્ટ્સ પહેરેલો કિશોર એમની કારની બરાબર સામે ઊભો હતો. આમ છતાં, ડ્રાઇવિંગ સંભાળી રહેલો રિતેશ કાર ધીમી પાડવાનું નામ નહોતો લઈ રહ્યો! તેને ચેતવવા માટે રોબિને બૂમ પાડી, પણ તેનો અવાજ ન નીકળ્યો! ગભરાઈને તેણે રિતેશના પોતાના હાથથી સાવધ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શરીર પર જાણે કોઈક અગમ્ય શક્તિએ કબ્જો જમાવી લીધો હોય, એમ એ હલી સુદ્ધાં ન શક્યો!
‘થડાકકકકક...’ પૂરપાટ વેગે દોડી રહેલી ગાડી રસ્તા વચ્ચે ઊભા રહી ગયેલા કિશોર સાથે જોરથી અથડાઈ અને રોબિનના મોંમાંથી તીણી ચીસ નીકળી ગઈ!
‘...રોબિન?’ અનુપમ તેને બોલાવી રહ્યો હતો, ‘શું થયું? ખરાબ સ્વપ્ન જોયું?’
રોબિને ઝાટકાભેર ઉપર જોયું તો અનુપમ તેનો ખભો હચમચાવી રહ્યો હતો!
આ સપનું હતું? પણ.. મેં... મેં તો સાચ્ચે જ એક છોકરા સાથે કાર... તે પોતાના વિચારોમાં ડૂબેલો હતો, એટલામાં ફરી તેણે રસ્તાની જમણી બાજુ એ જ કિશોરને જોયો, જેની સાથે થોડી જ ક્ષણો પહેલાં ગાડી અથડાઈ હતી! સફેદ પૂણી જેવો સ્મિતવિહીન ચહેરો, થીજી ગયેલાં હાવભાવ અને તીખી નજરમાં કાતિલ ઠંડક!
રોબિન હચમચી ગયો!
અનુપમ સહિતના તેના પાંચ મિત્રોએ આ ઘટનાને ખરાબ સપનું માનીને હસવામાં ઉડાવી દીધી, પણ રોબિન જાણતો હતો કે કંઈક તો બરાબર નહોતું!
તેઓ સહર્ષા પહોંચ્યા અને આખો શનિવાર ત્યાં જ પસાર કર્યો. સાંજે અંધારું થઈ જતાં ફરી પટના જવાને બદલે કોઈ સારે હૉટેલમાં રાત પસાર કરવાનો સૌએ નિર્ણય કર્યો.
એક રાત માટે બે રૂમનું ભાડું ચૂકવીને ચેક-ઇન કર્યા બાદ તેઓ સીધા નીંદ્રાધીન થયા, કારણ કે આખા દિવસના થાક અને પરિશ્રમને લીધે શરીર જવાબ દઈ ચૂક્યું હતું, પગની કઢી થઈ ગઈ હતી અને આંખો ઘેરાઈ રહી હતી. રોબિન, અતુલ અને અનુપમ એક કમરામાં રહ્યા... જ્યારે બીજામાં રિતેશ, રોશન, દીપક!
‘ઠક...ઠક...ઠક...’ અડધી રાતે ઓરડાના દરવાજે ટકોરાં પડ્યા! રોબિનની આંખ ખૂલી.
કેવા ઘેટાંની જેમ સૂતા છે આ બંને? દરવાજા પર કોઈક આટલાં જોર-જોરથી નૉક કરી રહ્યું છે એ પણ એમને સંભળાઈ નથી રહ્યું!
વિચારો અને તંદ્રામાં ખોવાયેલો રોબિન દરવાજો ખોલવા આગળ વધ્યો અને સહસા તેના પગ થંભી ગયા!
એક મિનિટ...! આ ટકોરાં કમરાની બહારથી નહીં, પણ અંદરથી જ સંભળાઈ રહ્યા છે!
તેના કપાળે પરસેવો વળી ગયો. હ્રદયના ધબકારા તેજ થઈ ગયા. દરવાજા પાસે પહોંચીને તેણે કાન માંડ્યા. હવે કોઈ ટકોરા નહોતું મારી રહ્યું!
ફરી પાછું દુઃસ્વપ્ન?
પોતાના ભ્રમને ખંખેરીને જેવો રોબિન પલંગ પર લાંબો થવા આગળ વધ્યો કે તરત તેની આંખો ભયથી ફાટી ગઈ!
કેસરી ટી-શર્ટ અને શૉર્ટ્સ પહેરેલો એક કિશોર તેના પલંગની કિનારી પર બેઠો હતો. હૉટેલના કમરાની બારીમાંથી ચળાઈને આવતો ચંદ્રનો અજવાસ તેના ધોળા ચહેરા ઉપર પડતો હતો! તે કશુંક કહેવા માંગતો હતો, પરંતુ હોઠ જાણે કોઈકે સીવી લીધાં હોય એમ જણાતું હતું. રોબિનની હાલત કાપો તો લોહી સુદ્ધાં ન નીકળે એવી થઈ ગઈ. તેનું ગળું સૂકાવા માંડ્યું. આખું શરીર ઠંડીને લીધે જકડાવા લાગ્યું. કમરામાં અચાનક શીતલહેર વ્યાપી ચૂકી હોય એમ, એ થરથર ધ્રૂજવા લાગ્યો. હવે તેને ભરોસો બેસી ગયો કે સવારે પટના હાઇ-વે પર તેણે જે કિશોરને જોયો, એ તેના મનનો વહેમ કે સ્વપ્ન નહોતાં!
‘ઠક...ઠક...ઠક...’ બીજી જ સેકન્ડે ફરી દરવાજે ટકોરાં સંભળાયા.
શરીરમાં અણધાર્યો શક્તિ-સંચાર થયો હોય, એવી રીતે રોબિને ઝાટકાભેર પાછળ ફરીને ઝડપથી દરવાજો ખોલ્યો.
બાજુમાં રૂમમાં સૂતેલાં રિતેશ, રોશન અને દીપક હાંફળાફાંફળા દોડતાં અંદર ધૂસ્યા! અનુપમ અને અતુલ પણ એકાએક જાગી ગયા! એમના કપાળ ઉપરથી પણ પ્રસ્વેદબિંદુની ધાર ગાલ સુધી આવી ગઈ હતી!
તેઓ કંઈ બોલે એ પહેલાં જ...
‘અમે પણ એને જોયો!’ બંદૂકમાંથી ગોળી છૂટે એવી રીતે રિતેશે ધડાધડ કહેવાનું શરૂ કર્યુ, ‘પેલો કેસરી ટી-શર્ટ પહેરેલો છોકરો! જેની તું સવારે વાત કરી રહ્યો હતો, રોબિન!’
‘મેં પણ જોયો!’ અતુલે ગભરાઈને કહ્યું.
એટલામાં અનુપમ પણ બરાડી ઉઠ્યો, ‘મને પણ સ્વપ્નમાં એવું લાગ્યું જાણે એ આપણાં પલંગ ઉપર આવીને બેસી ગયો છે!’
અતુલ અને અનુપમે એક જ સપનું જોયું, એ વાતે સૌને આશ્ચર્ય થયું! એમના ડરની કોઈ સીમા ન રહી.
‘આપણે ભાગવું જોઈએ! અત્યારે જ!’ રોબિને વાતનો દોર પોતાના હાથમાં લેતાં કહ્યું, ‘વહેલાસર ઘરે પહોંચી જઈશું, તો કદાચ બધું નૉર્મલ થઈ જશે!’
એમણે તાત્કાલિક પોતાનો સામાન પેક કરીને ચેક-આઉટ કર્યુ. પાછા ફરતી વેળા રસ્તામાં એમણે એ જ ધાબા ઉપર ચા-પાણી પીધાં, જ્યાં સવારે પણ તેમણે વિસામો ખાધો હતો. ધાબાના માલિક સાથે થયેલી વાતચીત દરમિયાન એમને જાણકારી મળી કે પાછલાં કેટલાક વર્ષોથી પટના હાઇ-વે પરથી પસાર થતાં પ્રવાસીઓને કેસરી ટી-શર્ટ પહેરેલો એક કિશોર અવારનવાર દેખા દે છે. કોઈ કહેતું હતું કે તેણે પૂરપાટ દોડી આવતી કાર સામે ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. કોઈકનો મત એ છે કે તેનું ખૂન થયું હતું! તો અન્ય કેટલાકની માન્યતા હતી કે કિશોરનો પ્રેતાત્મા કોઈને હાનિ નથી પહોંચાડવા માંગતો, પરંતુ ડરાવીને ફક્ત પોતાની હાજરીનો અહેસાસ કરાવવા માંગે છે.
‘તમે પણ જોયો છે એ છોકરાને?’ રોબિને ધાબાના માલિકને પ્રશ્ન પૂછ્યો.
‘હ...હા..’ એ થોથવાયો, ‘એક વાર નહીં, અનેક વખત!’ તેના હાવભાવ પરથી લાગતું હતું કે ભૂતકાળમાં આ પ્રેતાત્મા સાથે તેનો ભયાનક રીતે પનારો પડ્યો હોવો જોઈએ.
‘પીછો કઈ રીતે છોડાવવો?’ રિતેશના અવાજમાં ડર ભળ્યો, ‘તે અમારી હૉટેલમાં પણ અમને દેખાયો! હવે ઘરે પહોંચીએ, પછી નહીં દેખાય ને?’
‘દેખાશે જ!’ ધાબાના માલિકે ચિંતામિશ્રિત સ્વરે જવાબ આપ્યો, ‘એ પ્રેતાત્મા આવી રીતે આસાનીથી તમારો પીછો નહીં છોડે. તમે હાઇ-વેના કન્જક્શન પર આવેલાં દેવીના મંદિરે જઈને માથું ટેકવતાં આવો. એ મહાશક્તિ તમારી રક્ષા કરશે.’
છ મિત્રો ધાબાના માલિકની સલાહને અવગણી પટના પહોંચી ગયા. એમને લાગ્યું કે ધીરે ધીરે બધું થાળે પડી જશે, પરંતુ એવું થયું નહીં. રોબિન સહિત અન્યોને હવે ધોળા દિવસે પણ કેસરી ટી-શર્ટ અને શૉર્ટ્સ પહેરેલાં કિશોરની ઝલક અલગ-અલગ સ્થળોએ દેખાવા લાગી. રાતે એમના ઘરે પણ ઘણી વખત એમને સામૂહિક રીતે એવી પ્રતિતી થતી જાણે કોઈક સતત એમના પર નજર રાખી રહ્યું છે! પેલા છોકરાના શ્વાસોચ્છવાસ પણ એમને ઘણી વાર આખા ઘરમાં પડઘાતાં!
અંતે, ધાબાના માલિકની સલાહ એમને યાદ આવી અને તેઓ પટના હાઇ-વે પર સ્થિત દેવીના મંદિરે દર્શન કરવા ગયા. એ દિવસ પછી એમણે ક્યારે ય કિશોરના પ્રેતાત્મા દેખાઈ નહીં.
નોંધ: રોબિન દ્વારા સત્તાવાર રીતે ‘ઇન્ડિયન પેરાનોર્મલ સોસાયટી’નો સંપર્ક સાધવામાં આવ્યો હતો. આ ઘટના પછી પણ ગૌરવ તિવારીના હાથમાં પટના હાઇ-વેની આ પ્રેતાત્માનો અનુભવ કરી ચૂકેલાં કેસ આવ્યા હતાં, જેમાં તેણે પીડિતોને દેવીના દર્શને જવાની સલાહ આપી હતી. જો તમે પણ પટના હાઇ-વે પરથી પસાર થઈ રહ્યા છો, તો દેવીના એ સ્થાનકે જવાનું ચૂકશો નહીં!
bhattparakh@yahoo.com


