દીકરીને પોતાની જાગીર સમજતા લોકોને ફટકાર છે
આઝાદીના પંચોતેર વર્ષે પણ આપણા દેશમાંથી જાતિ આધારિત કટ્ટરવાદ જોવા મળી રહ્યો છે. આપણું સંવિધાન દરેક નાગરિકને સમાન ગણે છે. જ્ઞાતિના નિયમોને તોડનાર યુવક યુવતીને આજે પણ સમાજ પોતાની રીતે સજા આપે છે. આ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી આર ગવઈએ ઓનર કિલિંગના એક કેસ બાબતે આ નોંધ મૂકી હતી. અલાહાબાદ હાઈકોર્ટના જજ રાહુલ ચતુર્વેદીએ ઓનર કિલિંગાના એક કેસ
Advertisement
આઝાદીના પંચોતેર વર્ષે પણ આપણા દેશમાંથી જાતિ આધારિત કટ્ટરવાદ જોવા મળી રહ્યો છે. આપણું સંવિધાન દરેક નાગરિકને સમાન ગણે છે. જ્ઞાતિના નિયમોને તોડનાર યુવક યુવતીને આજે પણ સમાજ પોતાની રીતે સજા આપે છે. આ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી આર ગવઈએ ઓનર કિલિંગના એક કેસ બાબતે આ નોંધ મૂકી હતી.
અલાહાબાદ હાઈકોર્ટના જજ રાહુલ ચતુર્વેદીએ ઓનર કિલિંગાના એક કેસમાં નોધ ટાંકી છે કે, ભણેલો ગણેલો સમાજ દંભ ઓઢીને જીવે છે. ભારતનું સંવિધાન તમામ લોકોને સમાન હકો આપે છે. જાતિવાદી વિચારધારાના મૂળિયાં બહુ ઊંડા છે જેને પંચોતરે વર્ષે પણ કોઈ હલાવી નથી શક્યું.
ખાપ પંચાયત સાથે જોડાયેલા લોકો તો આજે પણ એમ જ કહે છે કે, સરકાર કે અદાલત અમારા નિયમો ન બદલી શકે. જ્યારે અદાલત સ્પષ્ટપણે એમ ટાંકે છે કે, ખાપ પંચાયત પાસે કોઈ અધિકારો જ નથી. લગ્નના જે નિયમો છે એ બધાં જ નાગરિકો માટે છે. ખાપ પંચાયત પોતાની રીતે ન વર્તી શકે.
આ બનાવો અને કિસ્સાઓમાં રોજેરોજ વધારો થતો જાય છે. બસ કંઈ સુધારો નથી થતો. ગઈકાલની વાત છે, ઉપલેટામાં સુનિલ સીગરખીયાએ સગી બહેન રીના અને બનેવી અનિલ મહિડાને છડેચોક છરીના ઘા મારીને પતાવી દીધા. આ ઘાતકી હત્યામાં સુનિલના પિતા સોમાજીએ પણ સાથ આપ્યો. કાળજાના કટકા સમાન દીકરીને છરીના ઊંડા ઘા મારીને કાપી નાખી. દીકરીનો ગુનો માત્ર પ્રેમલગ્ન કરવાનો હતો. અન્ડર એજ હતી ત્યારે પણ એ પ્રેમી સાથે ભાગી ગયેલી. ભાયાવદર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયેલો. ત્યારે રીનાએ પોલીસ સ્ટેશનમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. જ્યારે એ અઢાર વર્ષની થઈ ત્યારે એ ઘરેથી ભાગી ગઈ અને પ્રેમી સાથે એણે લગ્ન કર્યાં. એક વાત એવી પણ બહાર આવી કે, અનિલ પરણેલો હતો. પરિણીત પ્રેમી અને નાત-જાતના ભેદભાવે આંખોમાં આંજેલા સપનાનું રીનાની સાથે જ ખૂન થઈ ગયું.
નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરોના આંકડા એવું કહે છે કે, ઓનર કિલીંગના સૌથી વધુ કેસ ઉત્તર પ્રદેશમાં થાય છે એ પછી બીજા નંબરે ગુજરાત અને બિહાર આવે છે. 2020ની સાલમાં ગુજરાતમાં કુલ 170 ઓનર કિલીંગના કેસ બન્યા હતા. પ્રેમ પ્રકરણ અને પરિવારની મરજીથી વિરુદ્ધ લગ્નમાં સંતાનોનો જીવ લઈ લેતા સ્વજનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.
શીના બોરાને એની સગી માએ પતાવી દીધી. એનો ગુનો હતો એના સાવકા પિતાની પત્નીના દીકરાને પ્રેમ કરવાનો. એન એચ 10, સૈરાટ, ધડકથી માંડીને આપણે અનેક ફિલ્મોમાં અલગ અલગ જ્ઞાતિના પ્રેમીઓની ઠંડે કલેજે હત્યા કરી દેતાં પરિવારજનોને જોયા છે. ફિલ્મોમાં જોઈએ ત્યારે આપણને અરેરાટી થઈ જાય છે. પણ હકીકત ફિલ્મો કરતા વધુ ક્રૂર હોય છે.
જન્મ આપ્યો એટલે સંતાન તમે કહો એમ જ કરે એ માનસિકતા જ ખોટીછે. દીકરી હોય કે દીકરો મા-બાપ કહે એમ જ એમણે કરવાનું આ વણલખેલો નિયમ અનેક સંતાનોના સપનાંની હત્યા કરી નાખે છે. આપણે કેટલાક વિસ્તારોમાં પ્રેમીઓને ક્રૂર સજા થતી હોય એવા વિડીયો જોઈને હાય હાય કરી બેસીએ છીએ. પણ આવી ઘટનાઓમાંથી આપણે કોઈ ધડો લેતા જ નથી. કાયદો પોતાના હાથમાં લઈને પોતાની રીતે સજા આપવાનો અધિકાર પણ કોઈને નથી આપવામાં આવ્યો. એ પછી ખાપ પંચાયત હોય કે પરિવારના સભ્યો હોય. કેટલીક જગ્યાઓએ મતબેંક ઉપર સીધી અસર પડે એ માટે ઘણું બધું નથી થતું. ક્રાંતિકારી વિચારોને લગામ દેવાનું કોઈને નથી ગમતું હોતું. પોતાની પસંદગીની વ્યક્તિ સાથે જીવન જીવવું હોય પણ એના માટે પોતાના જ લોકોથી ડર લાગે એ પણ પચી ન શકે એવી સચ્ચાઈ છે. સમાજની ઈજ્જત અને પરિવારની આબરુ વિશે વિચાર કરતા પરિવારના પુરુષોને કાતિલ-ખૂની કહેવડાવવામાં કોઈ વાંધો નથી તેમને સજા કાપવા સામે પણ કોઈ સવાલો નથી. પોતે ન્યાય કર્યો હોય એવા ખોટા ભ્રમમાં જીવીનેે જિંદગી જેલમાં વીતવવા સામે પણ એને કોઈ અણગમો હોતો નથી. દીકરી પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરે એમાં વધુ આબરુ જાય કે એના ખૂની તરીકે ઓળખાવવામાં વધુ આબરુ જાય? આ સવાલ કદાચ એમને કોઈ દિવસ સૂઝતો જ નહીં હોય.
આજે પણ એવા પરિવારો છે જ જ્યાં દીકરીની મરજીને કંઈ ગણવામાં જ નથી આવતી. દીકરીને કોઈ સાથે પ્રેમ હોય તો એ વ્યક્તિ બરોબર નથી એવું મા-બાપ નક્કી કરી નાખે એટલે એ દીકરીએ બધું ભૂલીને મા-બાપ નક્કી કરે ત્યાં લગ્ન કરી નાખવાના. વળી, પોતાની જિદ્ પૂરી કરવા માટે મા-બાપ દીકરીને ઈમોશનલ બ્લેકમેલ કરવામાં પણ કંઈ બાકી નથી રાખતા. માનો કે દીકરીની પસંદગી ખોટી હોય તો પણ એને પ્રેમ કરવાનો અધિકાર આપણા સંવિધાને આપ્યો છે. તને શું ખબર પડે એવું કહીને એની પસંદગીને રિજેક્ટ કરવાનો અધિકાર મા-બાપ અને ભાઈઓ કે કાકાઓ પાસે હશે પણ એનો જીવ લેવાનો અધિકાર તો સંવિધાને કોઈને નથી જ આપ્યો.


