કોમર્શિયલ ઉપયોગ માટે જમીન લીઝ પર આપી રેલવે કરશે 7500 કરોડની કમાણી
ઈન્ડિયન રેલવે આગામી 18 મહિનામાં 84 ફાજલ પ્લોટ ભાડે આપીને રૂ. 7,500 કરોડથી વધુ એકત્ર કરવાની યોજના ધરાવે છે. સરકાર ટૂંક સમયમાં આ માટે કંપનીઓ પાસેથી બોલી આમંત્રિત કરશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) દ્વારા લેવામાં આવ્યું છે, જે જમીન મુદ્રીકરણ યોજનાનો એક ભાગ છે.
ઓથોરિટીને વિકાસ માટે 119 કોમર્શિયલ સાઇટ્સ સોંપવામાં આવી છે, જેમાંથી રૂ. 2,835 કરોડના પટ્ટાવાળી 35 સાઇટ માટે બોલી પહેલેથીજ બોલાઇ ચૂકી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રેલવેની યોજના બાકી સાઇટ્સની પ્રક્રિયામાં પણ ગતિ લાવવાની છે. આમાં કેટલાક મહાનગરો અને મોટા શહેરો છે, જ્યાં પ્રવાસીઓની અવરજવર વધારે રહે છે
2025 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
નાણાકીય વર્ષ 2025 સુધીમાં આ જમીનો પર લીઝનું કામ પૂર્ણ કરવાની યોજના છે. આ જમીનની કોમર્શિયલ લીઝ રેલ્વેને લીઝના સમગ્ર સમયગાળા માટે વાર્ષિકભાડું મેળવવાની મંજૂરી આપશે, જે 45 વર્ષ, 60 વર્ષ અને 99 વર્ષ વચ્ચે અલગ-અલગ હોઇ શકે છે.
અત્યાર સુધીમાં કેટલી મિલકત એકઠી કરી
રેલવેએ નાણાકીય વર્ષ 2021માં માત્ર રૂ. 133 કરોડની સંપત્તિનું મુદ્રીકરણ કર્યું હતું. આ પછી, નાણાકીય વર્ષ 2022 માં 655 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2023 માં 3,000 કરોડ રૂપિયાનું મુદ્રીકરણ કરવામાં આવ્યું છે. લાઇવ મિન્ટના અહેવાલ મુજબ, પ્રાઇમ લેન્ડ પાર્સલનો વ્યાપારી વિકાસ એ રેલ્વે સંપત્તિનું મુદ્રીકરણ કરવાની ઝડપી અને કાર્યક્ષમ રીત છે અને ખાનગી ક્ષેત્રના વિકાસકર્તાઓમાં લોકપ્રિય છે.


