ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટનાના પડઘા, સુરતમાં નિયમભંગ કરનારા વાહનચાલકો પર તવાઇ
અહેવાલઃ આનંદ પટણી, સુરત
અમદાવાદમાં બનેલી અકસ્માતની ગોઝારી ઘટના બાદ એક્શનમાં આવેલી સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ગતરોજ કોમ્બિંગ હાથ ધરી નંબર પ્લેટ વિનાના વાહનો,ડાર્ક ફિલ્મ,ત્રણ સવારી,ચાલું વાહને મોબાઈલ પર વાત કરવી સહિત રોંગ સાઈડમાં વાહનો હંકારતા ચાલકો વિરુદ્ધ કડકાઈ શરૂ કરવામાં આવી છે. એક જ રાતમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ચાર રિજીયનમાં ડાર્ક ફિલ્મના 243,નંબર પ્લેટ વિનાના 719,વાહનો પર ત્રણ સવારીના 344,રોંગ સાઈડ પર વાહન હંકારવાના 6 અને ચાલું વાહને મોબાઈલ પર વાત કરતા 52 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જેમાં વાહન ચાલકો પાસેથી 3.75 લાખના દંડની વસુલાત કરી સપાટો બોલાવવામાં આવ્યો હતો.
એક્શનમાં સુરત પોલીસ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર બનેલી અકસ્માતની ગોઝારી ઘટનામાં દસ લોકોના કરુણ મોત થયા છે. ગોઝારી અકસ્માતની આ ઘટના બાદ સુરત પોલીસ હરકતમાં આવી છે..સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક જ રાતમાં સપાટો બોલાવી કુલ 1364 વાહનો સામે કાર્યવાહી કરી અંદાજીત 3.75 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાણાનીના જણાવ્યાનુસાર, શહેર પોલીસ કમિશનર અજય તોમરના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
રિઝિયન -1
જેમાં રિઝિયન -1 માં 64 જેટલા વાહન ચાલકો સામે ડાર્ક ફિલ્મ,380 વાહન ચાલકો સામે વગર નંબર પ્લેટ,75 વાહન ચાલકો સામે ત્રણ સવારી,જ્યારે 3 વાહન ચાલકો સામે રોગ સાઈડ અને 15 વાહન ચાલકો સામે ચાલું વાહને મોબાઈલ પર વાત કરવા બદલ દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
રિજીયન-2
રિજીયન-2 માં 44 વાહનો સામે ડાર્ક ફિલ્મના,184 વાહન ચાલકો સામે વિના નંબર પ્લેટ અને 131 વાહન ચાલકો સામે ત્રણ સવારી સહિત રોંગ સાઈડમાં 1 અને ચાલું વાહન પર મોબાઈલ પર વાત કરતા 13 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
રિજીયન-3
રિજીયન-3 માં 86 વાહન ચાલકો સામે ડાર્ક ફિલ્મ,91 વાહન ચાલકો સામે વગર નંબર પ્લેટ,103 વાહન ચાલકો સામે ત્રણ સવારી,એક વાહન ચાલક સામે રોંગ સાઈડ સહિત 14 વાહન ચાલકો સામે ચાલું વાહને મોબાઈલ પર વાત કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.
રિજીયન -4
રિજીયન -4 માં 49 વાહન ચાલકો સામે ડાર્ક ફિલ્મ,64 વાહન ચાલકો સામે વગર નંબર પ્લેટ વિના વાહન હંકારવા,35 વાહન ચાલકો સામે ત્રણ સવારી જ્યારે 1 વાહન ચાલક સામે રોંગ સાઈડ અને 10 વાહન ચાલકો વિરુદ્ધ ચાલું વાહને વાત કરવા બદલ દંડ ઉપરાંતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
3.75 લાખનો દંડ વસુલ્યો
આમ કુલ ચાર રિજીયનમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 3.75 લાખનો દંડ વસૂલી 1364 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.મહત્વનું છે કે અમદાવાદમાં તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલ ગોઝારા અકસ્માતમાં દસ લોકોના કરુણ મોત નિપજ્યા છે.જે ઘટના બાદ શહેર ટ્રાફિક પોલીસ હાલ એક્શનમાં આવી છે.જ્યાં પોલીસ કમિશ્નર ના આદેશ બાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા લોકો વિરુદ્ધ સપાટો બોલાવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.