વાઈ ધિસ કોલાવરી કોલાવરી ડી?
એક એવું રાજ્ય જેની ભાષા ખબર નથી પડતી તો પણ ડબિંગ કરેલા મૂવીઝ આખા ભારતના લોકોને ગમે છે, લેશમાત્ર ફ્લોપ થવાની ચિંતા કર્યા વગર પ્રોડયુસરો એ સ્ટોરી બેઝ્ડ ફિલ્મ બનાવે છે, kollywood ઈન્ડસ્ટ્રીઝનું ઉદ્ભવસ્થાન એટલે રાજય તામિલનાડુ!તમિલ ભાષા બોલનાર ભારત દેશનું આ એક એવું રાજય છે, જે પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે ઘણો ગૌરવ અનુભવે છે, અહીંનો ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની સુંદરતા, વ
07:36 AM Jul 19, 2022 IST
|
Vipul Pandya
એક એવું રાજ્ય જેની ભાષા ખબર નથી પડતી તો પણ ડબિંગ કરેલા મૂવીઝ આખા ભારતના લોકોને ગમે છે, લેશમાત્ર ફ્લોપ થવાની ચિંતા કર્યા વગર પ્રોડયુસરો એ સ્ટોરી બેઝ્ડ ફિલ્મ બનાવે છે, kollywood ઈન્ડસ્ટ્રીઝનું ઉદ્ભવસ્થાન એટલે રાજય તામિલનાડુ!
તમિલ ભાષા બોલનાર ભારત દેશનું આ એક એવું રાજય છે, જે પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા માટે ઘણો ગૌરવ અનુભવે છે, અહીંનો ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની સુંદરતા, વેશભૂષા, ખાનપાન, સંસ્કૃતિ, ઇતિહાસ પર્યટન સ્થળો યુનેસ્કોની યાદીમાં અને દુનિયાભરમાં પ્રસિધ્ધ બનેલ છે. આ રાજયની ધરતીએ ચોલા, ચેર, પલ્લવો જેવા કંઇક કેટલાય રાજવંશોના ઉત્થાન અને પતન જોયા છે. આપણે આ ધરતી પર જોવા માટે હવે યુદ્ધની ધરાની સાથે સાથે પ્રસિધ્ધ મીનાક્ષી મંદિર, કન્યાકુમારી કે ઉંટી જેવા ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક હિલ સ્ટેશન પણ છે કે જયાં વિશ્વભરના પર્યટકો અહીં આવે છે.
તામિલનાડુમાં એક સમયના મહાન રાજવંશોના કિલ્લા, મહેલો તથા ખંડેરો જોવા માટેની સુંદર જગ્યા છે. તમિલનાડુનો ઇતિહાસ પણ ઐતિહાસિક કાળનો છે જેને લઇને મતમતાંતરો છે. એવું મનાય છે કે આ ક્ષેત્રે સિંધુ ધાટી સભ્યતા પહેલા વસેલું હતું કેટલાંક મહાન રાજય જેવા પલ્લવ અને વિજયનગર જેવું સામ્રાજય ક્ષેત્ર બન્યું છે. આ સમય દરમ્યાન વિભિન્ન શાસકોએ સમુદ્વના કિનારા પાસે કંઇ કેટલાય રાજવંશી મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. જે આજદિન સુધી શાનથી ઉભા રહયા છે, ત્યારબાદ અંગ્રેજોએ આ ક્ષેત્રને પોતાના તાબા હેઠળ લીધું. તત્કાલીન શાસક રાજવંશીની સાથે કેટલીક લડાઇઓ બ્રિટિશરોએ ભારતના ત્રણ સૌથી મહત્વપૂર્ણ હિસ્સાઓનું એક મદ્વાસ રેસિડેન્સીનું ગઠન કર્યુ. વર્તમાન તમિલનાડુનું ગઠન ઇ.સ ૧૯૬૯માં થયુ હતું અને તેનું નામ મદ્વાસ રાજયથી બદલી તમિલનાડુ કરવામાં આવ્યું હતું.
તમિલનાડુનો સાંસ્કૃતિક ઇતિહાસ, ઈતિહાસ પ્રેમી અને કળા રસિકઓ માટે ખૂબ સમૃદ્ધ છે. અહીંના નૃત્ય અને સંગીતના વિભિન્ન કલાકારોના પ્રભાવ આજ પણ જોવા મળી રહે છે. ‘‘ભારત નાટયમ’’ અહીંનું એક પ્રાચીન અને પારંપરિક તમિલિયન નૃત્ય છે જેને સાત શાસ્ત્રીય નૃત્યોમાંના એક રૂપનું મનાય છે. કૃચિચાડુ, આંધ્રપ્રદેશ રાજયનું નૃત્ય પણ આ રાજયનું એક બહુ લોકપ્રિય નૃત્ય મનાય છે. કર્ણાટકી સંગીત જેનુ હિંદુસ્તાની શાસ્ત્રીય સમાન આધાર છે. કર્ણાટક સંગીત તમિલનાડુમાં પણ ઘણું ખરૂ વિકસિત છે. તદ્ઉપરાંત અહીં ઠંડી ઋતુ દરમ્યાન નાવ્યાજાતિ અને આમલ્લપુરમ નૃત્ય મહોત્સવનું આયોજન કરાય છે. જેનું મહત્વ નજરે જોનાર વ્યકિતને જ સમજાય એવું અનોખું છે.
તમિલનાડુ આજે ભારતના એક વિકસિત મોટા રાજયમાંનું એક છે તેમ છતાં અહીંના સારા લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે. અહીંની ૮૦ ટકા વસ્તી હિન્દુ ધર્મનું પાલન કરે છે. જેના વિભિન્ન જાતિના લોકો પણ જોવા મળે છે. અહીંની મોટી જન સંખ્યામાં લોકો ચેન્નઇ, મદુરાઇ, કોઇમ્બતુર જેવા શહેરોમાં વસવાટ કરે છે. રોમન સામ્રાજ્ય દરમિયાન કોચીનમાંથી વિવિધ પ્રકારના મસાલા મેળવવા માટે સોનાનો ચલણ તરીકે ઉપયોગ થતો હતો. ર૦૦૦ વર્ષ પૂર્વે વિકસિત થયેલા તમિલનાડુની સંસ્કૃતિ અને પરંપરા ખૂબ પ્રાચીન છે જે આજે પણ પોતાની સંસ્કૃતિ, પરંપરાઓ, રીત-રિવાજોનું ખૂબ સારી રીતે પાલન કરે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા ૨૪મી જાન્યુઆરી ૨૦૧૭ના રોજ એક બહાર પાડવામાં આવેલા ઈન્ડિયા ગોલ્ડ રિપોર્ટ મુજબ, કેરળની કન્યા દ્વારા પહેરવામાં આવેલા સોનાનું વજન 320 ગ્રામ છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશની વરરાજાઓ તેમના લગ્નમાં સરેરાશ 300 ગ્રામ સોનું પહેરે છે. અહીં અખાત્રીજ નો ઉત્સવ સોનાની ખરીદી માટે ઉત્સાહથી ઉજવાય!
તામિલનાડુનો કાપડ ઉદ્યોગ પણ સારો એવો વિકસિત છે અને "દુનિયા" નું સૌથી મોટા માર્કેટમાંથી એક એટલે ચેન્નાઈનું પૌંડી માર્કેટ.
આ બજારને સામાન્ય રીતે ખરીદીના "મક્કા" તરીકે ઓળખવામાં આવે છે.
તમિલ શિલ્પ કૌશલ્યની સમૃધ્ધિ વિરાસત મૌર્યકાળ પહેલા કંઇ કેટલાય કાળ અંગેના જોવા મળે છે. પ્રસિધ્ધ તંજાવુરના ભીંતચિત્ર જે કિંમતી પથ્થરો અને મોતીની સાથે સાથે ચૂનો અને માટીનાં મિશ્રણનો ઉપયોગ કરી બનાવાય છે. ચિત્રોની ખાસ વિશેષતા એ છે કે તેને થ્રીડી ઇફેકટ આપી રજૂ કરી શકાય છે. જેનો ઉપયોગ મંદિરો, કિલ્લાઓ, સ્તંભો, રસોઇના વાસણો વગેરે બનાવવા માટે વપરાય છે.
તમિલનાડુના મુખ્ય ખોરાક તરીકે ચોખા વધુ પ્રમાણમાં લેવાય છે અને વાનગીઓમા મેંદુવડા, ડોસાના વિધ-વિધ પ્રકારો જેવાં કે સાદાડોસા, મસાલા ડોસા, ઘી ડોસા, ડુંગળી ડોસા, મશરૂમ ડોસા ઇત્યાદી. તેવી જ રીતે અહીંયા ચોખાના પણ વિવિધ પ્રકારો જેમ કે લીંબુ ચોખા, દહીં ચોખા, સાંભર ચોખા, ટમાટર ચોખા ઇત્યાદિ. અહીંનું ભોજન શાકાહારી-માંસાહારીથી ભરપૂર છે. અહીંના ભોજનમાં નારિયેળનો ઉપયોગ વિભિન્ન રૂપમાં કરવામાં આવે છે. તમિલનાડુના લોકોનું એવું માનવું છે કે બીજા જીવોને પણ ભોજન આપવું જોઇએ પછી ભલે તે જાનવર હોય કે માણસ એ પોતાના ભગવાનની સેવા કરવા બરાબર ગણાય છે. આપણે ત્યાં પહેલા પતરાળામાં પિરસાતું ભોજન અહીંયા એવી જ રીતે કેળના પત્તા પર પીરસે છે તથા અહીંના લોકો જમીન પર બેસીને ખાય છે. પાયસમ, કેસરી, સ્વીટ પોંગલ અહીંના મીઠા વ્યજંનો છે. ફિલ્ટર કોફી દક્ષિણ ભારતીય વ્યંજનની જ એક વિશેષતા છે જેને બનાવવા પહેલા કોફી બીન્સ પલાળવાના પછી પાવડર બનાવાય છે.
તમિલનાડુ ભારતનું મહારાષ્ટ્ર પછી બીજું મોટું ઔધોગિક રાજય છે. કર્ણાટકની રાજધાની બેંગલોર બાદ દેશનું આઇટી નગર કહેવું હોય તો ચેન્નઇ અને આ ઉપરાંત અહીં જૈવ-ઔધોગિક વિકાસમાં લોહ ધાતુ, પરમાણુ ઉર્જા કુલનકુડમાં પણ મુખ્ય છે.
તમિલભાષી મિત્રોને હિન્દી ઓછું આવડે છે તેમ છતાં તેઓની સાથે વાતચીત દરમ્યાન અનુભવાયું તે રાજ્ય માટે અનહદ પ્રેમ, તમિલ ભાષા માટે અપાર ગૌરવની લાગણી, શરમ કે નાનમ અનુભવ્યા વિના ખોરાક હાથ વડે ખાવાની ઢબ, ગમે તે વ્યવસાયમાં વ્યવસાયિક શ્રેષ્ઠતા અનુભવની, શિસ્તબદ્ધતા.
જોવા લાયક સ્થળોની યાદી લાંબી છે અને અનુભવ આપવા માટે તામિલનાડુના રાજ્ય પાસે મોટો ઇતિહાસ. સમયની અનુકૂળતા અને આપણી જાણવાની ધગશ જગ્યાને વધુ રસપ્રદ બનાવે!
(લેખક ગુજરાત સચિવાલયમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગમાં સેક્શન ઓફિસર છે.)
kunalgadhavi08@gmail.com
Next Article