Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજ્ય સરકાર દ્વારા ‘બેંકસખી’ની નિમણૂક થકી ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓના જીવનમાં પથરાયો ઉજાસ

અહેવાલઃ કૌશીક છાયાં, કચ્છ  ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ વિષયમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. મહિલાઓના સ્વાસ્થ્ય જ નહીં પરતું તેઓ પોતાના પગપર સ્વમાનભેર ઉભી રહી શકે તે માટે પણ અનેક યોજનાઓ અમલી બનાવાઇ છે. આ યોજનાઓના અમલીકરણ સાથે...
રાજ્ય સરકાર દ્વારા ‘બેંકસખી’ની નિમણૂક થકી ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓના જીવનમાં પથરાયો ઉજાસ
Advertisement

અહેવાલઃ કૌશીક છાયાં, કચ્છ 

ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ વિષયમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. મહિલાઓના સ્વાસ્થ્ય જ નહીં પરતું તેઓ પોતાના પગપર સ્વમાનભેર ઉભી રહી શકે તે માટે પણ અનેક યોજનાઓ અમલી બનાવાઇ છે. આ યોજનાઓના અમલીકરણ સાથે સરકારે સંવેદનશીલતાને જોડીને મહિલાઓને ન માત્ર આર્થિક સહાય પરંતુ તેઓ માનસિક મજબૂત બની કોઇપણ ક્ષેત્રમાં આત્મવિશ્વાસ સાથે ઉભીને વેપાર-ધંધાથી માંડીને બેંકીગ વ્યવવહાર યોગ્ય રીતે સમજી અને કરી શકે તે માટે પણ સરકાર ચિંતિત છે. આ ચિંતાના પરિણામરૂપે જ રાજય સરકારે ગ્રામીણ મહિલાઓ માટે ખાસ ‘બેંકસખી’ની નિમણૂકનો નવો વિચાર અમલી કર્યો છે. આ વિચારના અમલીકરણે ક્રાંતિ સર્જીને રાજયના ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓની આર્થિક અને સામાજિક સ્થિતિની સુરત અને શિરત બદલીને તેને નવી ઊંચાઇ આપી છે. બેંકસખી બેંક અને સખીમંડળો વચ્ચે માત્ર કડી નથી પરંતુ ખરાઅર્થમાં ગ્રામીણ મહિલાઓ માટે ફાનસરૂપ બનીને ઉજાસનો નવો પથ બનાવી રહી છે.

Advertisement

Advertisement

આજે અનેક મહિલાઓ સખીમંડળોના માધ્યમથી સફળ બિઝનેસ ચલાવી રહી છે.

બેંકસખી બેંકમાં નાણાકીય લેવડ-દેવડથી માંડીને સ્વ:સહાય જૂથને ધિરાણ મંજૂર કરાવવા સહિતની કામગીરી કરે છે. કચ્છમાં જો ‘બેંકસખી’ની ભૂમિકાની સફળતા જોઇએ તો, ઘરમાં મસાલા કે લોટના ડબ્બામાં બચત કરતી હજારો મહિલાઓને બેંકસખીએ આજે બેંકમાં બચત તથા બેકીંગ વ્યવહારમાં પારંગત કરી દીધી છે. બેકીંગ વ્યવહાર સહિતની શીખના કારણે આજે અનેક મહિલાઓ સખીમંડળોના માધ્યમથી સફળ બિઝનેસ ચલાવી રહી છે. સફળતાનો તાગ મેળવીએ તો, ગત વર્ષે કચ્છમાં ગામે ગામ કામ કરતી ‘બેંકસખી’ઓએ મહિલાઓને બેંકના પગથિયા ચડતા કરીને રૂ.૨૩.૭૦ કરોડની કેશ ક્રેટીડ લોન અપાવવામાં ભૂમિકા ભજવી હતી.

બેંકસખીની જરૂરીયાત શા માટે ઉભી થઇ ?

રાજયના અંતરિયાળ ગામમાં આજે પણ બહેનો બેંકમાં ખાતા ખોલાવીને તેમાં નાણા રાખવાના બદલે ઘરમાં ખૂણે-ખાંચે સાચવીને બચત કરે છે . પરંતુ બેંકસખીના આવવાથી રાજયમાં આ પરિસ્થિતિ બદલાઇ રહ્યી છે. સરકાર મહિલાઓને પગભર કરવા સ્વ:સહાય જૂથોના માધ્યમથી વેપાર-રોજગાર કરવા પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે બેંક લિંકેજની માંગ પણ વધી રહી છે. નિયમિત ટ્રાન્ઝેકશન માટે બેંક શાખાઓની મુલાકાત લેતા સખી મંડળોના સભ્યોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. જેથી બેંક શાખા પર કામનું ભારણ પણ વધ્યું છે. આ સ્થિતિમાં બેંકમાં રહેલા સ્ટાફ અને ગ્રામ્ય વિસ્તારની બહેનો વચ્ચે બેન્કિંગ સુવિધા અંગેનો નોલેજ ગેપ મોટી સમસ્યા બનતો હતો. આ સાથે ભાષાનો પ્રશ્ન તો ખરો જ !
ખાસ કરીને કચ્છ જિલ્લામાં કચ્છી બોલીના ચલણના કારણે આ પ્રશ્ન ગ્રામીણ બહેનો સાથે વધુ ઉદભવતો હતો. આ બધા મૂળ પ્રશ્નોના કારણે સખીમંડળની મહિલા સભ્યોને બેંક દ્વારા અમુક સમયે નિયમિત અને સમયમર્યાદામાં સહયોગ ન મળી રહે તે સ્વાભાવિક છે. જેમાં ખાસ કરીને સ્વ:સહાય જૂથના બચત ખાતા ખોલાવવા, નાણાકીય લેવડ-દેવડ માટે સ્લીપ ભરવી, લોન મંજૂરી અંગેના ડોકયૂમેન્ટસ કરાવવા વગેરે જેવી કામગીરી માટે બેંકમાં કલાકો સુધી બેસી રહેવું પડે જેથી બહેનોની જે તે દિવસની રોજગારી પણ તુટે તેવું બનતું હતું. જેના કારણે મહિલાઓ નાસીપાસ થઇ રહી હતી. ઉપરાંત સરકારના સખીમંડળો દ્વારા મહિલાઓને સશકત કરવાના હેતુમાં પણ રૂકાવટ આવી રહી હતી.

બેંકસખીની નિમણૂક

આ સંજોગોને ધ્યાનમાં લઇને ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને સ્વ:સહાય જૂથ સાથે જોડાયેલા તમામ મહિલાઓ બેંકમાં નિયમિત આવતા થાય અને બેંકને સંલગ્ન તમામ સમસ્યાથી છુટકારો મળે તે માટે બેંકસખીની નિમણૂક કરવામાં આવી. આજે કચ્છ જિલ્લામાં બેંક સખીની વાત કરીએ તો હાલમાં કુલ ૧૧૪ જેટલી બેંક સખી કાર્યરત છે. ગ્રામીણ શિક્ષિત મહિલાઓને જ બેંકસખી તરીકે નિમણૂક અપાતી હોય છે. આમ, એક મહિલાને રોજગાર મળે છે ઉપરાંત બેંકસખી જે તે ગામ પૈકીની એક હોવાથી તે ગામની મહિલાઓ સાથે વિશ્વાસથી કામ કરી શકે છે. બેંકસખીને બેંકિગ પ્રક્રિયામાં પ્રશિક્ષિત કરવામાં આવે છે. તેને આરએસઇટીઆઇ તાલીમ સંસ્થા દ્વારા તાલીમ આપવામાં આવે છે. આ સાથે સરકાર દ્વારા તેઓને આ કામગીરી માટે રકમ ચૂકવવામાં આવે છે.

આ છે બેંકસખીની કામગીરી

બેંકસખી અઠવાડિયાના ત્રણ દિવસ ગામની બેંક બ્રાન્ચમાં બેસી બેંક અને સ્વ:સહાય જૂથની વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે. બેંકસખીને બેંકમાં ખાસ એક ટેબલ આપવામાં આવે છે. જયાં તે બેસીને સ્વ:સહાય જૂથના બચત ખાતા ખોલાવવા, નિયમિત બચત જમા કરાવવા તેમને સ્લીપ ભરવામાં મદદ કરવી, રોકડ વ્યવહાર કરતા રોકી ચેક અથવા આરટીજીએસનો ઉપયોગ કરવા જણાવવું, લોન ફાઇલ તૈયાર કરવામાં મદદ કરવી, લોન હપ્તા નિયમિત ભરાય તે માટે ફોલોઅપ કરવું, સભ્યોના વ્યકિતગત ખાતા ખોલાવવા, જીવનવીમા અને અકસ્માત વીમા લેવડાવવામાં મદદરૂપ થવું આ સિવાય પણ સમય અનુકૂળ ફિલ્ડમાં જઇ સખીમંડળના સભ્યો સાથે મિટીંગ કરવી અને તેમને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે સમજ પૂરી પાડવી તે તેમનો મુખ્ય ઉદેશ્ય છે.

બેંકસખી મારફતે સ્ત્રી સશકિતકરણને વધુ મજબૂત કરવામાં સરકારને મળી સફળતા

આજે બેંકસખીના કારણે ગ્રામીણ મહિલાઓ વિશ્વાસથી બેંકમાં આવતી થઇ છે. જે બેંક બ્રાંચમાં અગાઉ સ્વ:સહાય જૂથના ૭ થી ૮ ખાતા હતા ત્યાં આજની તારીકે ૪૦ થી ૫૦ જેટલા સરેરાશ ખાતા ખોલવામાં આવ્યા છે. પહેલા બેંક મારફતે સ્વ:સહાય જૂથોને રૂ. ૫૦ હજારની લોન અપાવવી મૂશ્કેલ હતી. જે આજે બેંક સ્વ:સહાય જૂથોને રૂ. ૭ થી ૧૦ લાખની લોન ખૂશી ખૂશી આપી રહી છે.
કચ્છ જિલ્લામાં નાગલપર, ગળપાદર, કુકમા, માનકુવા, ઘડુલી, સાંયરા, પદમપૂર, શિરવા, માતાના મઢ જેવી તો અનેક બેંક બ્રાન્ચ છે જયાં સ્વ:સહાય જૂથને ૫૦ લાખ કરતા પણ વધારેનું કેશ ક્રેડીટ લોન ધિરાણ કરાયું છે. અમુક બેંકની બ્રાંચ તો રૂ.૧ કરોડની નજીક પહોંચી ગઇ છે. જે સ્વ:સહાય જૂથના બહેનો પ્રત્યે બેન્કનો બદલાયેલો અભિગમ બતાવે છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૧૮૮૭ સ્વ:સહાય જૂથને રૂ. ૨૩.૭૦ કરોડની કેશ ક્રેડીટ લોન ધિરાણ બેંક દ્વારા આપવામાં આવી છે.

બેંકસખીની સક્રિય ભૂમિકાથી થયા ફાયદા

બેંકસખીના નિયમિત સહયોગથી બહેનોમાં નાની બચત કરવાની આવડત કેળવાઇ છે. સાથે બેંક સાથેના સંબંધ પણ મજબૂત થયા છે. હવે, બહેનો પણ ખૂદનો વ્યવસાય શરૂ કરીને પુરૂષોની માફક બેંક સાથે નાણાકીય વ્યવહાર કરી સમાજમાં પોતાની એક આગવી છાપ ઉભી કરી રહી છે.

૩ વર્ષમાં ૮ બચત ખાતામાંથી મે ૪૦ બચત ખાતા કરાવ્યા છે- રાધાબેન કાપડી

કચ્છના ગળપાદર ગામની બરોડ ગુજરાત ગ્રામીણ બેંકમાં બેંકસખી તરીકે કામ કરતા રાધાબેન કાપડી જણાવે છે કે, બેંકસખી તરીકે ૩ વર્ષથી કાર્યરત છું. જયારે હું DAY-NRLM યોજના અન્વયે બેંકસખી તરીકે આ બેંકમાં જોડાઇ ત્યારે સ્વ:સહાય જૂથના ૮ બચત ખાતા હતા. અત્યારે આ બ્રાંચમાં સ્વ:સહાય જૂથના ૪૦ બચત ખાતા છે. કેશ ક્રેડીટ લોનનું ધિરાણ ત્યારે રૂ. ૧૫ થી ૧૮ લાખ હતું જે અત્યારે વધીને રૂ. ૯૦ લાખ થયેલું છે. બહેનો પણ નિયમિત ધિરાણ પરત કરતા હોવાથી અને પોતાની જરૂરિયાત મુજબ ઉપાડ કરતા હોઇ એનપીએ દર શૂન્ય બરાબર છે.

બેંકસખી બનવાથી મારી ગરીમા વધી છે સાથે ગામની મહિલાઓને એક પીઠબળ મળ્યું છે- રીટાબેન વાળંદ

માનકુવા ગામના રીટાબેન વાળંદ જણાવે છે કે, માનકુવા ગામમાં હાલ રૂ.૧ કરોડની નજીક કેશ ક્રેડીટ લોનનું ધિરાણ પહોંચી ગયું છે. જે બહેનો બેંકમાં આવવાથી ગભરાતી તે હવે ખુદ બીજાને માર્ગદર્શન આપીને અન્યોને સ્વ:સહાય જૂથમાં જોડી રહી છે. વૃધ્ધ મહિલાઓથી લઇને યુવતી સુધીની તમામ બેંક સાથે સક્રિયપણે જોડાઇને સ્વનિર્ભર બની છે. જેના કારણે હાલ ૩૩ સખી મંડળ કાર્યરત છે. જો મારી વાત કરૂ તો બેંકસખી તરીકે કામ કરવાથી મને પણ કંઇ કરવાનો સંતોષ મળી રહ્યો છે. બહુ શિક્ષણ નથી મેળવ્યું છતાં બેંકમાં બેસીને કામ કરવાથી હું પણ કર્મચારી હોઉં તેવી ગર્વની લાગણી થાય છે. ગૃહિણીમાંથી સીધા બેંકમાં ટેબલવર્કનું કામ મેળવતા મારો પરિવાર પણ ગર્વની લાગણી અનુભવે છે. ગામમાં આજે મહિલાઓ વચ્ચે હું વિશ્વાસ કેળવી શકી છું તે કંઇક મેળવ્યાની લાગણી જન્માવે છે. મહિલાઓ માટે આટલી ચિંતા કેળવતી ગુજરાત સરકારનો હું આભાર વ્યકત કરું છું. જે આજે સાચા અર્થમાં મહિલાઓ માટે કામગીરી કરી રહી છે.

Tags :
Advertisement

.

×