અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજે કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો. 3 ઇંચ જેટલા ધોધમાર વરસાદે શહેરને બેટમાં ફેરવી દીધું હતું. આ દરમિયાન બાઈક ચાલકની તણાવવાની ઘટનાએ હૃદયના ધબકારા વધારી દીધા હતા
Amreli Rain: અમરેલી જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સાવરકુંડલા શહેરમાં આજે માત્ર થોડા જ કલાકોમાં અનરાધાર 3 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે સામાન્ય જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે.
બાઈક ચાલક તણાયો, લોકોએ બચાવ્યો જીવ
શહેરના નીચાણવાળા વિસ્તાર ગણાતા કેવડાપરા (Kevadapara) માં વરસાદી પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે એક બાઈક ચાલક પોતાની બાઈક સાથે પાણીના પ્રવાહમાં તણાયો હતો. આ ઘટનાના લાઈવ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં બાઈક ચાલકને તણાતો જોઈ સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સદનસીબે, સમયસૂચકતા વાપરીને સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી જઈને માનવ સાંકળ બનાવી બાઈક ચાલક અને તેમની બાઈકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ (Rescue) કર્યું હતું. સ્થાનિકોની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.
Amreli: શહેરમાં પાણી-પાણી, તંત્રની કામગીરી પર સવાલ
સાવરકુંડલાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હોવાના અહેવાલ છે. પ્રથમ વરસાદમાં જ શહેરની આ સ્થિતિ જોઈને લોકોમાં તંત્રની કામગીરી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. હાલ વરસાદી માહોલ યથાવત હોવાથી તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Chhotaudepur: સુખી ડેમમાં ન્હાવા પડેલા કદવાલના યુવકનું ડૂબી જવાથી કરુણ મોત: પાવીજેતપુર પંથકમાં અરેરાટી