શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ દ્વારા દર્દીઓ, મુલાકાતીઓ અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા આગ લાગે ત્યારે આપત્તિના સમયમાં હોસ્પિટલની સજ્જતાની ચકાસણીના ભાગરૂપે કરમસદ-આણંદ મહાનગર પાલિકાના ફાયર વિભાગના સહયોગથી તા. 23 જૂન, 2026ના રોજ મોકડ્રીલ યોજવામાં આવી. આ મોકડ્રીલ દરમ્યાન આગ લાગે ત્યારે કોડ રેડની જાહેરાત કરવી, ફાયર બ્રિગેડને ફોન કરવો, સૌથી અગત્યનું કાર્ય સારવાર લેતા દર્દીઓને આગના સ્થળેથી ગણતરીની મિનિટોમાં વોર્ડમાં અને ઈમર્જન્સી સારવાર માટે ખસેડવાની પ્રક્રિયા, ફાયર એક્સ્ટીંગ્વિશરનો યોગ્ય ઉપયોગ અને ઈમર્જન્સી સારવાર વિગેરેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.
કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ ફાયર મોકડ્રીલનું આયોજન
શ્રી કૃષ્ણ હોસ્પિટલના બીજા માળે આગ લાગી છે તેવી જાણ થતા કરમસદ-આણંદ મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડના ફાયર ફાયટર્સ સ્થળ પર પહોંચી ગયા હતા. તેઓએ હોસ્પિટલના સેફ્ટી અને સિક્યુરીટી વિભાગના મેનેજર ધર્મેન્દ્ર ગુપ્તા અને તેમની ટીમના સહયોગથી આગને બુઝાવી હતી. મોકડ્રીલ પહેલા આપત્તિ સમયનું વ્યવસ્થાપન કરવા માટે હોસ્પિટલના ક્લિનિકલ એક્સલન્સ અને એક્રિડિટેશનના જનરલ મેનેજર સુનિલ જોષીના નેજા હેઠળ હોસ્પિટલના દરેક વિભાગને કામની સોંપણી કરવામાં આવી હતી.
![Anand-News-shree-krishna-hospital-karamsad-fire-mock-drill-report]()
હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. અનુષા પ્રભાકરનું નિવેદન
આ પ્રસંગે શ્રી કૃષ્ણ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. અનુષા પ્રભાકરને જણાવ્યું હતું કે, દર્દીઓ પ્રત્યેની જવાબદારીના ભાગરૂપ શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ દ્વારા સમયાંતરે ફાયર સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવે છે. હોસ્પિટલમાં અચાનક આગ લાગી જાય ત્યારે આગને પહોંચી વળવા શુ કરવુ જોઈએ તેની ચકાસણી માટે મોકડ્રીલ યોજવામાં આવી હતી. આ મોકડ્રીલમાં ઓપ્થેલ વિભાગમાં બપોરે 12 વાગે આગ લાગી છે તેવી જાણ વિભાગની નર્સે ફાયર એન્ડ સેફ્ટી મેનેજરને કરી હતી. ત્યાર બાદ કરમસદ-આણંદ મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડના સહયોગથી ઓપ્થેલ વિભાગના વોર્ડમાં પાંચ દર્દીઓમાંથી બે ગંભીર દર્દીઓને ઈમર્જન્સી વિભાગ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય ત્રણને કાર્ડિયાક સ્ટેપડાઉન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ કાર્યમાં આણંદ-કરમસદ મહાનગરપાલિકાના ફાયર વિભાગનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો.
ફાયર ઓફિસર ધર્મેશ ગોરનું નિવેદન
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ફાયર ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે, શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદમાં બીજા માળે આગ લાગી છે તેવો ફોન આવતાં જ ફાયર ફાયટરોની ટીમ સાથે અમે હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને આગને બુઝાવી હતી તથા દર્દીઓને સલામત સ્થળે ખસેડ્યા હતા. આ કાર્યક્રમ જાગૃતતા માટે મોકડ્રીલ તરીકે યોજવામાં આવ્યો હતો.
![Anand-News-shree-krishna-hospital-karamsad-fire-mock-drill-report]()
સુનિલ જોષીએ ફાયર વિભાગ,પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો
સુનિલ જોષીએ કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ફાયર વિભાગનો તથા કરમસદ-આણંદ મહાનગરપાલિકાના પોલીસ વિભાગ જે હંમેશાં હોસ્પિટલને જરૂર પડે ત્યારે મદદરૂપ થાય છે તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેઓએ આ મોકડ્રીલમાં સહયોગ આપેલ હોસ્પિટલના વિવિધ વિભાગના કર્મચારીઓનો તથા મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Ahmedabad News: ભિક્ષાવૃત્તિ છોડી 27 બાળકો મેળવશે શિક્ષણ, DyCM હર્ષભાઈ સંઘવીએ કરાવ્યો શાળા પ્રવેશ