આફ્ટરમાર્કેટ CNG કિટ કેવી રીતે ઇન્સ્ટોલ થાય છે અને તેમાં શું વપરાય છે?
કોઈપણ અધિકૃત વર્કશોપમાં આફ્ટરમાર્કેટ કિટ ફિટ કરવામાં સામાન્ય રીતે 4 થી 5 કલાકનો સમય લાગે છે. ટેકનિશિયન સૌપ્રથમ વાહનના સ્પાર્ક પ્લગ અને એન્જિનના કમ્પ્રેશન લેવલની ચકાસણી કરે છે. ત્યારબાદ એન્જિન બેમાં રિડ્યુસર, સીએનજી ઇન્જેક્ટર રેલ અને સમર્પિત ઈલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ (CNG ECU) વ્યવસ્થિત જગ્યાએ ગોઠવવામાં આવે છે.
વાહનની ડીકીમાં મજબૂત માઉન્ટિંગ ફ્રેમ બોલ્ટ્સ વડે કસીને ગેસ સિલિન્ડર ફીટ કરાય છે. સામાન્ય સ્ટીલ સિલિન્ડર ખાલી હોય ત્યારે પણ તેનું વજન અંદાજે 70 કિલોગ્રામ જેટલું હોય છે, જેમાં 60 થી 65 લિટર પાણીની ક્ષમતા (વોટર કેપેસિટી) હોય છે અને 8 થી 10 કિલો ગેસ ભરાય છે. ચેસિસની નીચેથી હાઈ-પ્રેશર સ્ટીલ પાઇપલાઇન અને વાયરિંગ સુરક્ષિત રીતે આગળ મોકલવામાં આવે છે. ફિટિંગ બાદ 2 કિલો ગેસ ભરી સાબુના પાણી અને સેન્સર દ્વારા લીકેજ ચેક થાય છે, ત્યારબાદ સોફ્ટવેર ટ્યુનિંગ અને રોડ ટેસ્ટિંગ કરવામાં આવે છે.
મુખ્ય આર્થિક ફાયદા અને એન્જિન વોરંટીના ગેરફાયદા
આફ્ટરમાર્કેટ કિટ લગાવવાનો સૌથી મોટો સકારાત્મક ફાયદો તેની કિંમત છે. નવી ફેક્ટરી-ફિટેડ સીએનજી કાર ખરીદવાની તુલનાએ જૂની કે સામાન્ય કારમાં બહારથી કિટ ફિટ કરાવવી ઘણી સસ્તી પડે છે. સાથે જ, જે ઓટોમેટિક કે એસયુવી મોડેલ્સમાં કંપની સીએનજી વેરિઅન્ટ નથી આપતી, તેમાં પણ વિકલ્પ મળી રહે છે.
મુખ્ય પડકારો અને ગેરફાયદા:
એન્જિન વોરંટી રદ થવી: બહારથી કિટ ઇન્સ્ટોલ કરાવતા જ ઓટોમેકર કંપનીની સ્ટાન્ડર્ડ તેમજ એક્સટેન્ડેડ એન્જિન વોરંટી તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે.
બૂટ સ્પેસનો અભાવ: વિશાળ 70 કિલોના સિલિન્ડરને કારણે ડીકીમાં સામાન મૂકવાની જગ્યા નહિવત બને છે. ફેક્ટરી ફિટેડ કારો હવે ટ્વિન સિલિન્ડર ટેકનોલોજી આપે છે જે બહાર ઓછી જોવા મળે છે.
સસ્પેન્શન પર વધારાનો ભાર: પાછળ સતત 70 થી 80 કિલોનું વજન રહેવાથી પાછળના સસ્પેન્શન સ્પ્રીંગ્સ પર વધુ ભાર પડે છે.
કઈ કારમાં આફ્ટરમાર્કેટ CNG કિટ લગાવવાથી બચવું જોઈએ?
દરેક એન્જિન પ્રકાર સીએનજી બળતણ માટે અનુકૂળ હોતો નથી. કેટલાક વાહનોમાં કિટ લગાવવી એન્જિનને કાયમી નુકસાન પહોંચાડી શકે છે:
1. ડીઝલ વાહનો
ડીઝલ એન્જિન કમ્પ્રેશન-ઇગ્નીશન સિદ્ધાંત પર કામ કરે છે અને તેમાં સ્પાર્ક પ્લગ હોતા નથી. સામાન્ય કન્વર્ઝન કિટ્સ ડીઝલ એન્જિન માટે સુસંગત નથી, આથી ડીઝલ કારમાં ક્યારેય સીએનજી લગાવવાનો પ્રયાસ કરવો નહીં.
2. સ્ટ્રોંગ હાઇબ્રિડ કારો
હાઇબ્રિડ કારોમાં એન્જિન વારંવાર બંધ અને આપમેળે ચાલુ (Auto Start-Stop) થતું હોય છે. આ સાયકલ દરમિયાન સીએનજી ગેસનું કમ્બશન અને પ્રેશર કેલિબ્રેશન જાળવવું અત્યંત જટિલ બની જાય છે, જે એન્જિન માલફંક્શન સર્જી શકે છે.
3. નબળા અથવા ઘસાયેલા એન્જિનવાળી કારો
જે જૂની કારોમાં ઓઇલ લીકેજ, પિસ્ટન ઘસારો કે લો-કમ્પ્રેશનની સમસ્યા હોય તેમાં ડ્રાય ફ્યુઅલ (સીએનજી) વાપરવાથી એન્જિન ઝડપથી સીઝ થઈ શકે છે.
આ પણ વાંચો : Ola S1Z Launch : માત્ર 80 હજાર કિંમત અને 301 કિલોમીટરની માઈલેજ, જાણો ઓલાનું નવા EV સ્કૂટરની ખાસિયતો