110cc સ્કૂટર માર્કેટમાં નવો જંગ: એક્ટિવાનો એકહથ્થુ દબદબો હવે પડકાર હેઠળ
ભારતના રસ્તાઓ પર સ્કૂટર એટલે એક્ટિવા એવો માહોલ વર્ષોથી રહ્યો છે. જોકે છેલ્લા કેટલાક સમયથી ગ્રાહકો સ્માર્ટ કનેક્ટિવિટી, વધુ અંડર-સીટ સ્ટોરેજ અને બહેતર ઇંધણ ક્ષમતા ધરાવતા વિકલ્પો તરફ વળી રહ્યા છે.
આજે ઓટોમોબાઇલ કંપનીઓએ શહેરી ટ્રાફિકની મુશ્કેલીઓ અને પેટ્રોલના વધતા ભાવોને ધ્યાને રાખીને એક્ટિવા સામે એવા આધુનિક સ્કૂટર્સ ઉતાર્યા છે, જે રોકાણ કરેલા એક-એક રૂપિયાનું પૂરું વળતર આપે છે.
ટીવીએસ જ્યુપિટર 110 કેમ બની રહ્યું છે પ્રથમ પસંદગી?
હોન્ડા એક્ટિવાના સૌથી મોટા અને પ્રમુખ હરીફ તરીકે ટીવીએસ જ્યુપિટર 110 ની ગણતરી થાય છે. આ સ્કૂટર પ્રીમિયમ ટેક્નોલોજી અને ફેમિલી કમ્ફર્ટનું ઉત્તમ મિશ્રણ પૂરું પાડે છે.
જ્યુપિટર 110 ની મુખ્ય ખાસિયતો:
એન્જિન પાવર: આમાં 113.3cc નું એન્જિન મળે છે, જે 7.91 bhp ની પાવર અને iGO Assist ટેક્નોલોજી સાથે 9.8 Nm નો પિક ટોર્ક જનરેટ કરે છે.
જંગી સ્ટોરેજ ક્ષમતા: સ્કૂટરમાં સેગમેન્ટની સૌથી મોટી કહી શકાય તેવી 33 લિટરની અંડર-સીટ સ્ટોરેજ સ્પેસ મળે છે, જેમાં બે હેલ્મેટ સરળતાથી સમાઈ જાય છે.
ફીચર્સ અને કનેક્ટિવિટી: એલઇડી લાઇટ્સ, ફુલ્લી ડિજિટલ ડિસ્પ્લે અને સ્માર્ટફોન કનેક્ટિવિટી માટે SmartXonnect સિસ્ટમ આપવામાં આવી છે.
માઇલેજ અને કિંમત: કંપનીના દાવા મુજબ તે 48 થી 61 km/l સુધીનું માઇલેજ આપે છે, જ્યારે તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 75,625 રૂપિયા છે.
નિયો-રેટ્રો લુક અને મજબૂત મેટલ બોડી પેનલ્સ સાથે બેસ્ટ ફેમિલી સ્કૂટર
જે ગ્રાહકો આકર્ષક ડિઝાઇન સાથે લાંબા આયુષ્યવાળું મજબૂત સ્કૂટર ઇચ્છે છે, તેમના માટે હીરો ડેસ્ટિની 110 એક સચોટ પસંદગી બની રહે છે. હીરો મોટોકોર્પે આ સ્કૂટરને અત્યંત પ્રીમિયમ નિયો-રેટ્રો ટચ આપ્યો છે.
આ સ્કૂટરમાં 110.9cc નું એન્જિન છે, જે 8.1 bhp નો પાવર અને 8.7 Nm નો ટોર્ક આપે છે. કંપની અનુસાર તે 56.2 km/l નું સરેરાશ માઇલેજ આપવા સક્ષમ છે. તેની 785 mm ની લાંબી અને આરામદાયક સીટ, 114 કિલોનું વજન અને મજબૂત મેટલ બોડી પેનલ્સ સવારી દરમિયાન શ્રેષ્ઠ સ્ટેબિલિટી આપે છે. આ સ્કૂટરની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 75,600 રૂપિયા રાખવામાં આવી છે.
સૌથી હળવું વજન અને બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ જે ટ્રાફિકમાં આપે આરામ
જો તમારું બજેટ સીમિત છે અને તમે રોજિંદા સિટી ટ્રાફિકમાં સરળતાથી ચલાવી શકાય તેવું સ્કૂટર શોધી રહ્યા છો, તો ટીવીએસ ઝેસ્ટ 110 સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સ્કૂટર મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા રાઇડર્સ માટે પણ અત્યંત અનુકૂળ છે.
ઝેસ્ટ 110 નું કુલ વજન માત્ર 103 કિલો છે, જેનાથી ભીડભાડવાળા વિસ્તારોમાં તેને સંભાળવું અત્યંત સરળ બને છે. તેમાં 109.7cc નું એન્જિન મળે છે જે 7.71 bhp પાવર અને 8.8 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરની સીટ હાઇટ 760 mm છે અને અંડર-સીટમાં 19 લિટરનું સ્ટોરેજ મળે છે. 68,150 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે મળતું આ સ્કૂટર પૈસા વસૂલ વિકલ્પ સાબિત થાય છે.
આ પણ વાંચો : Low-Speed E-Scooters in India : શું Low-Speed E-Scooters લોકોની બનશે નવી પસંદગી?