Ambaji માં ભક્તિનો ઉમંગ અને ભક્તોની ભીડ, ગ્રહણને પગલે બદલાયેલા સમય છતાં શ્રદ્ધા અજેય
- Ambaji Phagun Poonam Crowd : ફાગણી પૂનમે ઉમટી ભક્તોની ભારે મેદની!
- ફાગણ સુદ પૂનમ અને ચંદ્રગ્રહણને પગલે અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર
- 13 કલાક મંદિરના દ્વાર બંધ રહેવાના હોવાથી દર્શન માટે ભારે પડાપડી
- શક્તિદ્વાર પર ભક્તોની કિલોમીટર લાંબી કતારો અને તમામ ગેટ પર ભીડ
- ગ્રહણના સૂતક પહેલા દર્શન કરી લેવા માટે માઈભક્તોમાં જોવા મળી ઉતાવળ
Ambaji Phagun Poonam Crowd : શક્તિપીઠ અંબાજી (Ambaji) માં આજે ફાગણી પૂનમના પવિત્ર અવસરે ભક્તિનો મહાકુંભ ભરાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લાખોની સંખ્યામાં ઉમટેલા માઈભક્તોના કારણે આખું અંબાજી નગર 'જય અંબે'ના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. જોકે, આ વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ (Lunar Eclipse) હોવાથી દર્શનના સમયમાં કરવામાં આવેલા ફેરફારે ભક્તોની ભીડનું દબાણ વધારી દીધું છે.
ભક્તોનું કીડીયારું ઉભરાયું
આજે વહેલી સવારથી જ ગુજરાત અને રાજસ્થાનના ખૂણેખૂણેથી પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા છે. મંદિરના મુખ્ય પ્રવેશદ્વારથી લઈને ગબ્બર (Gabbar) સુધી માત્ર ભક્તોની માથાઓ જ દેખાઈ રહ્યા છે. વહેલી સવારે 6 વાગ્યે થયેલી મંગળા આરતીમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. મંદિર ટ્રસ્ટના અંદાજ મુજબ, આજે ભક્તોની સંખ્યા ગત વર્ષો કરતા વધુ જોવા મળી રહી છે.
ગ્રહણ પહેલા દર્શન માટે દોડધામ
ચંદ્રગ્રહણના સૂતક અને વેધના કારણે મંદિર સવારે 8:00 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી બંધ રહેવાનું છે. આ 13 કલાકના લાંબા વિરામ પહેલા માતાજીના દર્શન કરી લેવા માટે ભક્તોમાં ભારે ઉતાવળ જોવા મળી હતી. સવારના 2 કલાકના મર્યાદિત સમયમાં જ હજારો લોકોએ દર્શનનો લાભ લીધો હતો, જેના કારણે મંદિરમાં ભારે પડાપડીના દ્રશ્યો પણ સર્જાયા હતા.
વહીવટી તંત્રની કસોટી
ભારે ભીડ (Heavy Crowd) ને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ અને બનાસકાંઠા પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ ગેટ પરથી ભક્તોને તબક્કાવાર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 13કલાક મંદિરના દ્વાર બંધ રહેવાના હોવાથી જે ભક્તો દર્શનથી વંચિત રહી ગયા છે, તેમના માટે નૃત્ય મંડપ (Nritya Mandap) માંથી જાળી દ્વારા દર્શનની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
આસ્થા પર ગ્રહણની અસર નહીં
દૂર-દૂરથી ચાલીને આવેલા પદયાત્રીઓએ જણાવ્યું હતું કે, "ગ્રહણ હોય કે ગમે તે આફત, મા અંબાના દર્શનની લગન અમને અહીં ખેંચી લાવી છે." ભલે મંદિરના દ્વાર બંધ હોય, પણ ભક્તો મંદિરની બહાર બેસીને જ ધૂન-ભજન કરીને પોતાની આસ્થા પ્રગટ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Holi 2026: ભગવાન રામ સાથે જોડાયેલું છે આ ગામનું નામ, છતાં હોળી પ્રગટાવતા જ સર્જાય છે હોનારત!


