Banaskantha: ઠાકોર સમાજમાં મોટો વિવાદ, સિંગર ગબ્બર અને અર્જુન ઠાકોરને 'સમાજ બહાર' કરવાની પોસ્ટ વાયરલ!
- Banaskantha: ઠાકોર સમાજ (thakor samaj) ના બંધારણનો મામલો
- ઝાબડિયામાં ઠાકોર સમાજના બંધારણના નિયમનું ઉલ્લંઘન
- ઝાબડિયામાં ડી.જે લઈને ગામમાં વરઘોડો કાઢ્યો
- સિંગર ગબ્બર ઠાકોરના કાકાના ઘરે દીકરાના હતા લગ્ન
- સમાજનું બંધારણ તોડતા ઠાકોર સમાજના આગેવાનો અને ઠાકોર સમાજના લોકોમાં રોષ
- સિંગર ગબ્બર અને અર્જુન ઠાકોરે વીડિયો વાયરલ કરી આપી સફાઈ
Banaskantha: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઝાબડિયા ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગે ઠાકોર સમાજ (thakor samaj) ના કડક સામાજિક બંધારણના ઉલ્લંઘનનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પ્રખ્યાત લોકગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના પરિવારમાં યોજાયેલા આ લગ્ન પ્રસંગમાં DJ વગાડવાને લઈને સમાજના આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
ઝાબડિયા ગામે ગબ્બર ઠાકોરના કાકાના દીકરાના લગ્ન હતા. આ પ્રસંગે ગામમાં DJ સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ઠાકોર સમાજ દ્વારા અગાઉ સામાજિક સુધારણા માટે 16 નિયમોનું એક બંધારણ ઘડવામાં આવ્યું છે, જેમાં જાનમાં કે વરઘોડામાં DJ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ થયો હોવાનું માનીને સમાજના આગેવાનો અને લોકોએ સોશિયલ મીડિયા પર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ્સ પણ વાયરલ થઈ છે કે આ કલાકારોને 'સમાજ બહાર' કરવા જોઈએ અને કોઈએ તેમને સપોર્ટ ન કરવો.
કલાકારોની સફાઈ: 'અમે નિયમ નથી તોડ્યો'
વિવાદ વકરતા સિંગર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી પોતાની સ્પષ્ટતા રજૂ કરી છે. ગબ્બર ઠાકોરે જણાવ્યું હતું કે, "અમે સમાજના બંધારણનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી. બંધારણમાં એવો નિયમ છે કે 'જાનમાં' ડી.જે. લઈને જવું નહીં, પરંતુ અમે જાનમાં ડી.જે. નહોતા લઈ ગયા, માત્ર ગામમાં વરઘોડામાં તેનો ઉપયોગ થયો હતો."
બીજી તરફ અર્જુન ઠાકોરે પણ દાવો કર્યો છે કે સમાજે જે 16 નિયમો બનાવ્યા છે, તેમાંથી એક પણ નિયમ તોડવામાં આવ્યો નથી. તેઓ સમાજના નિયમોને માન આપે છે અને આક્ષેપો પાયાવિહોણા છે.
સમાજમાં બે ફાંટા
આ મામલે ઠાકોર સમાજમાં બે પક્ષ જોવા મળી રહ્યા છે. એક પક્ષ એવો છે જે માને છે કે જાણીતા કલાકારોએ સમાજ સામે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ અને કોઈ પણ બહાના હેઠળ ડી.જે. ન વગાડવું જોઈએ. જ્યારે બીજો પક્ષ કલાકારોની સફાઈને સાચી માની રહ્યો છે. હાલમાં આ મુદ્દો બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે અને આગામી સમયમાં સમાજના આગેવાનો આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાણી છે.
આ પણ વાંચો: Gandhinagar: ઉચ્ચ શિક્ષણ વિભાગની અવદશા, કોલેજમાં આચાર્ય, શિક્ષક, સ્ટાફ અંગે યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ


