Banaskantha: તમે આવું પશુ સંવર્ધન કેન્દ્ર ક્યાંય જોયું નહીં હોય! વડાપ્રધાનના હસ્તે થશે લોકાર્પણ
- Banaskantha માં દેશનું સૌથી મોટું પશુ સંવર્ધન કેન્દ્ર તૈયાર
- PM મોદી 31મી માર્ચે આધુનિક કેન્દ્રનું લોકાર્પણ કરશે
- બનાસ ડેરીએ 325 કરોડના ખર્ચે નિર્માણ કર્યું
Banaskantha: ગુજરાત (Gujarat) રાજ્ય ફરી એકવાર પશુપાલન અને ડેરી ઉદ્યોગમાં સમગ્ર દેશમાં મોખરે સાબિત થયું છે. બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના સહયોગથી બનાસ ડેરી (Banas Dairy) દ્વારા દેશનું સૌથી મોટું પશુ સંવર્ધન અને સંશોધન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં સ્થાપિત અલ્ટ્રા મોર્ડન એમ્બ્રિયો પ્રોડક્શન લેબોરેટરી પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
વડાપ્રધાનના હસ્તે થશે લોકાર્પણ
આ અદ્યતન કેન્દ્રનું લોકાર્પણ 31મી માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) દ્વારા કરવામાં આવશે. બનાસ ડેરી (Banas Dairy) દ્વારા અંદાજે રૂ. 325 કરોડના જંગી ખર્ચે 125 એકર જમીનમાં આ સંશોધન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ગુણવત્તાયુક્ત અને વધુ દૂધ આપતા પશુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે.
IVF ટેકનોલોજીથી સજ્જ
આ સેન્ટરની સૌથી મોટી વિશેષતા તેની IVF (In Vitro Fertilization) લેબોરેટરી છે. અહીં પ્રથમ વર્ષે 10,000 અને ત્યારબાદ દર વર્ષે 25,000 જેટલા ગાય અને ભેંસના ભ્રૂણ (Embryo) તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતા નર પશુઓ તૈયાર કરવામાં આવશે, જેને દેશભરના સિમેન સેન્ટર્સ (Semen Centres) માં મોકલવામાં આવશે, જેથી પશુઓની ઓલાદમાં સુધારો કરી શકાય.
ગ્રીન એનર્જી અને પર્યાવરણની જાળવણી
બનાસ પશુ સંવર્ધન અને સંશોધન કેન્દ્ર ગ્રીન એનર્જીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સમગ્ર સંકુલમાં વિશાળ સોલાર પેનલ લગાવવામાં આવી છે, જેનાથી પ્રતિ વર્ષ 18 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન થશે. આશ્ચર્યજનક બાબત એ છે કે, કુલ ઉત્પાદનમાંથી 12 લાખ યુનિટ વીજળી પાવર ગ્રીડ (Power Grid) ને વેચવામાં આવશે, જે સંસ્થા માટે વધારાની આવકનું સાધન બનશે.
બાયોગેસ પ્લાન્ટ અને ગ્રામીણ વિકાસ
પશુઓના ગોબરનો સદુપયોગ કરવા માટે અહીં આધુનિક બાયોગેસ પ્લાન્ટ (Biogas Plant) પણ તૈયાર કરવામાં આવ્યો છે. રોજના 24,000 કિલો ગોબરનો ઉપયોગ કરીને 1200 ક્યુબિક મીટર ગોબર ગેસ ઉત્પન્ન કરવામાં આવશે. આ ગેસના માધ્યમથી આસપાસના અંદાજિત 400 ઘરોને પાઈપલાઈન દ્વારા ગેસ કનેક્શન (Gas Connection) આપવામાં આવશે, જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે.
આ પણ વાંચોઃ PM Gujarat Visit: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા PM મોદી ગુજરાતના પ્રવાસે આવશે


