Banaskantha: ડિગ્રી છોડી ખેતી પકડી! 16 હજાર સ્ટોબેરીના પ્લાન્ટનું વાવેતર
- Banaskantha: શિક્ષિત યુવા ખેડૂતે પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી અપનાવી
- પ્રથમવાર નિષ્ફળતા મળવા છતાં જીગરે હિંમત હાર્યા વગર ફરી મોટું સાહસ કર્યું
- રાસાયણિક ખાતર વગર જીવામૃત અને વર્મી કમ્પોસ્ટ દ્વારા 100% ઓર્ગેનિક ખેતી
Banaskantha: બનાસકાંઠાના ડીસા (Deesa) તાલુકાના વાસણા ગામ (Vasana village) માંથી આજે એક એવી પ્રેરણાદાયક કહાની સામે આવી છે,જ્યાં પરંપરાગત ખેતી છોડીને એક યુવાન ખેડૂતે અનોખી દિશામાં પગલું ભર્યું છે.સામાન્ય રીતે આ વિસ્તાર બટાકા, રાયડો, જીરૂ, ઘઉં, મગફળી અને બાજરી જેવી પરંપરાગત ખેતી માટે જાણીતો છે,પરંતુ વાસણા ગામના જીગર જોષી (Jigar Joshi) નામના યુવકે આ પરંપરાગત રસ્તાથી અલગ જઈને ઠંડા પ્રદેશમાં થતી સ્ટોબેરીની ખેતી શરૂ કરી છે. તે પણ સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી.
નિષ્ફળતામાંથી મેળવી સફળતા
ગ્રેજ્યુએશન અને ઇલેક્ટ્રિક ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા જીગર જોષીએ ખેતીને નવી રીતે વિચારતા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ ઉભું કર્યું છે. કેવી રીતે નિષ્ફળતા બાદ હિંમત ન હારી અને આજે લાખોની કમાણીની આશા સાથે સ્ટોબેરીની ખેતીમાં સફળતા મેળવી છે.
Banaskantha: પરંપરાગત ખેતી છોડીને એક અનોખો પ્રયાસ
ડીસા તાલુકાના વાસણા ગામના યુવાન ખેડૂત જીગર જોષીએ પરંપરાગત ખેતી છોડીને એક અનોખો પ્રયાસ કર્યો છે.જ્યાં આસપાસના ખેડૂતો બટાકા, ઘઉં, રાયડો અને જીરૂની ખેતી કરતા હોય છે,ત્યાં જીગર જોષીએ ઠંડા પ્રદેશમાં થતી સ્ટોબેરીની ખેતી શરૂ કરી છે. ખાસ વાત એ છે કે આ સ્ટોબેરીની ખેતી સંપૂર્ણ રીતે ઓર્ગેનિક પદ્ધતિથી કરવામાં આવી રહી છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર વર્મી કમ્પોસ્ટ, છાણીયું ખાતર અને જીવામૃત જેવા પ્રાકૃતિક તત્વો દ્વારાઆ ખેતી કરવામાં આવી રહી છે.
3 વર્ષ પહેલા નુકસાન વેઠવું પડ્યું હતુ
ત્રણ વર્ષ પહેલા જીગર જોષીએ પ્રથમ વખત 500 સ્ટોબેરીના છોડનું વાવેતર કર્યું હતું,પરંતુ વાતાવરણ અનુકૂળ ન આવતાં તેમને નિષ્ફળતા અને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. છતાં પણ હિંમત હાર્યા વગર 2024માં ફરી પ્રયાસ કરી 1,500 છોડનું વાવેતર કરવામાં આવ્યું,જેમાં તેમને અંદાજે 50 ટકા જેટલો નફો થયો. આ સફળતા બાદ આ વર્ષે વધુ મોટા પાયે મહાબલેશ્વર અને હિમાચલ પ્રદેશમાંથી લગભગ 16 હજાર સ્ટોબેરીના પ્લાન્ટ મંગાવી વાવેતર કરવામાં આવ્યું છે, અને હાલ ખેતી ખૂબ સારી રીતે વિકસી રહી છે. યુવાન ખેડૂત જીગર જોષીને આશા છે કે આ વર્ષે સ્ટોબેરીની ખેતીમાંથી લાખો રૂપિયાની આવક થશે. તેમની આ સફળતા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે અને હવે અનેક ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને નવા વિકલ્પોની તરફ વળવા પ્રોત્સાહિત થઈ રહ્યા છે.
અહેવાલઃ કમલેશ રાવલ
આ પણ વાંચોઃ Gir Somnath: ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3ના કરુણ મોત


