અંબાજી જતા ભક્તોની કાર પર હુમલો
મળતી માહિતી મુજબ, હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભક્તોના વાહનોને પર પથ્થરમારો કરી લૂંટ ચલાવવાની ઘટનાઓ સામે આવી હતી. રણુજા અને અંબાજી તરફ વાહનો લઈને જતા ભક્તોને આરોપીઓ નિશાન બનાવતા હતા. ગેંગ દ્વારા અંધારાનો લાભ લઈ વાહનો પર હુમલો કરવામાં આવતો અને બાદમાં ભયનો માહોલ ઊભો કરી લૂંટ ચલાવવામાં આવતી હતી.
30 ઓગસ્ટે કારને રોકી છરી બતાવી
30 ઓગસ્ટના રોજ હડાદથી અંબાજી તરફ જતા માર્ગ પર ગનાપીપળી ઢાળ પાસે ફરિયાદીની કાર પર આરોપીઓએ હુમલો કર્યો હતો. કાર પર પથ્થરમારો કર્યા બાદ આરોપીઓએ હુમલો કરી છરી બતાવી હતી. ત્યારબાદ તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા હડાદ પોલીસ હરકતમાં આવી હતી.
પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ હાથ ધરી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હડાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા મળેલી માહિતી અને વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી હતી. ગણતરીના દિવસોમાં પોલીસને આરોપીઓ અંગે કડી મળી હતી અને એક પછી એક ગેંગના પાંચેય સભ્યોને ઝડપી લેવામાં આવ્યા હતા.
હથિયાર અને મોટરસાઇકલ સહિત મુદ્દામાલ કબજે
પોલીસે ઝડપાયેલા પાંચેય આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો તથા મોટરસાઇકલ કબજે કરી છે. હવે પોલીસે આરોપીઓએ અગાઉ પણ આ પ્રકારની કેટલી ઘટનાઓને અંજામ આપ્યો છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ભક્તોના વાહનોને નિશાન બનાવી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાતા અંબાજી જતા શ્રદ્ધાળુઓમાં પણ રાહત જોવા મળી છે.
આ પણ વાંચોઃ Kinjal Rabari Marriage Controversy: શું કિંજલ રબારી અને અશોક ચૌધરીના લગ્ન કાયદેસર છે? વકીલની મોટી સ્પષ્ટતા
આ પણ વાંચોઃ Banaskantha News: જીવાણા ગામે દૂધમંડળીની સભામાં હોબાળો, મારામારીનો વીડિયો વાયરલ