Banaskantha: 8-લેન હાઈવે સામે નાના વેપારીઓનો હલ્લાબોલ, કલેક્ટર કચેરી સુધી રેલી, શું કરી માગ?
- Banaskantha: પાલનપુરમાં લારી ધારકો અને નાના વેપારીઓની રેલી
- 8 લેન હાઈવેની કામગીરી સામે વિરોધ પ્રદર્શન
- દબાણ હટાવતા અનેક લારી ધારકો બન્યા નિરાધાર
Banaskantha: બનાસકાંઠાના પાલનપુરમાં (Palanpur) નાના વેપારીઓના માથે સંકટ આવી પડ્યું છે. છેલ્લા 6 દિવસથી 8-લેન હાઈવે બનાવવામાટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીના કારણે રસ્તા પરના દબાણો હટાવવાની કામગીરી (Encroachment Removal) હાથ ધરવામાં આવી છે, જેના પરિણામે વર્ષોથી ત્યાં ધંધો કરી પેટયું રડતાં અનેક લારી ધારકો અને નાના વેપારીઓ નિરાધાર બન્યા છે. હાઈવેના વિસ્તરણ માટે કરવામાં આવેલી આ તોડફોડને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓની રોજગારી (Livelihood) છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈને સ્થાનિક શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જી.ડી. મોદી કોલેજથી કલેક્ટર કચેરી સુધી આક્રોશ પ્રદર્શન
પોતાના અધિકારો અને આજીવિકા બચાવવા માટે આજે મોટી સંખ્યામાં લારી ધારકો અને નાના વેપારીઓ એકત્રિત થયા હતા. જી.ડી. મોદી કોલેજ (G.D. Modi College) થી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન (Protest Rally) દરમિયાન વેપારીઓએ સૂત્રોચ્ચાર કરીને તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓનું કહેવું છે કે વિકાસ જરૂરી છે પરંતુ ગરીબ માણસના મોઢામાંથી કોળિયો છીનવીને થતો વિકાસ અન્યાયી છે. રેલીમાં જોડાયેલા લોકોએ પોતાની વેદનાો વ્યક્ત કરી હતી.
વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા રજૂઆત
રેલીના અંતે વેપારી પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને એક વિગતવાર આવેદનપત્ર આપ્યું હતુ. આ રજૂઆતમાં મુખ્ય માંગ એ હતી કે હાઈવેની કામગીરી સામે તેમને કોઈ વાંધો નથી, પરંતુ જે વેપારીઓની લારીઓ કે દુકાનો હટાવવામાં આવી છે તેમને અન્ય કોઈ જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. રોજગારી માટે ચોક્કસ જગ્યા ફાળવવામાં આવે જેથી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર આ ગરીબ વેપારીઓની માંગણી પ્રત્યે કેવું વલણ અપનાવે છે.
આ પણ વાંચોઃ Deesa ના રામપુરામાં ACB નો સપાટો, 15 હજારની લાંચ લેતા તલાટી રંગે હાથ પકડાઈ ગયા


