Banaskantha માં રેતી ચોરી પકડવા ગયેલી ટીમ પર જીવલેણ હુમલાનો પ્રયાસ, છતાં 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
- બનાસકાંઠા (Banaskantha) માં ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોર્ડ (Gandhinagar Flying Squad) પર હુમલાનો પ્રયાસ
- થરાના શુદ્રોસણા નજીક 10 જેટલા શખ્સોએ હુમલાનો કર્યો પ્રયાસ
- ટીમનો ઘેરાવ કરી દબાણ અને ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ
- અધિકારીઓએ 3 કરોડથી વધુનો મુદ્દામાલ અને ટ્રક કરી જપ્ત
- ગાડીઓમાં તોડફોડ કરી નંબર પ્લેટ વગરની કાર પણ ઝડપાઈ
Banaskantha : જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને રેતી ચોરીની પ્રવૃત્તિઓ પર લગામ કસવા ગયેલી ફ્લાઈંગ સ્ક્વોડ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. થરાના શુદ્રોસણા ગામ નજીક રેતી ચોરી રોકવા પહોંચેલી ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોડ પર અંદાજે 10 જેટલા શખ્સોએ હુમલો કરવાનો પ્રયાસ કરી સરકારી કામગીરીમાં રૂકાવટ ઉભી કરી હતી.
બનાસકાંઠામાં (Banaskantha) ગાંધીનગર ફ્લાઈંગ સ્ક્વોર્ડ પર હુમલાનો પ્રયાસ
ગાંધીનગર ખાણ-ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડને બાતમી મળી હતી કે શુદ્રોસણા નજીક મોટા પાયે ગેરકાયદેસર રેતીનું ખનન ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે જ્યારે ટીમ દરોડો પાડવા પહોંચી, ત્યારે ત્યાં હાજર રેતી માફિયાઓએ આક્રમક વલણ અપનાવ્યું હતું. અંદાજે 10 જેટલા શખ્સોએ એકસામટા આવીને ફ્લાઈંગ સ્ક્વોડની ટીમનો ઘેરાવ કર્યો હતો. આ શખ્સોએ અધિકારીઓ પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો અને અપશબ્દો બોલી ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
ફ્લાઈંગ સ્ક્વોડની ગાડીઓમાં તોડફોડ
આ સંઘર્ષ દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સોએ ફ્લાઈંગ સ્ક્વોડની ગાડીઓમાં તોડફોડ કરી હતી. જોકે, અધિકારીઓએ હિંમત દાખવીને સ્થળ પરથી રેતી ભરેલી ટ્રકો સહિત અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન નંબર પ્લેટ વગરની શંકાસ્પદ કાર પણ ઝડપાઈ છે, જેનો ઉપયોગ ખનન માફિયાઓ દ્વારા કરવામાં આવતો હોવાની શક્યતા છે.
પોલીસ કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને જોતા અધિકારીઓએ તાત્કાલિક 112 પર કોલ કરીને પોલીસની મદદ માંગી હતી. પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવતા હુમલાખોરોમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે તમામ વાહનો સીઝ કરી દીધા છે. આ મામલે ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓએ થરા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે સરકારી કર્મચારી પર હુમલો, ફરજમાં રૂકાવટ અને તોડફોડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Gir Somnath: કેવી રીતે ઉભી કરાઈ આખી નકલી કોલેજ ? RTI માં થયો ચોંકાવનારો ખુલાસો


