Banaskantha Vav Tharad Rain News: બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ અને નિષ્ણાતો દ્વારા આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાન પર સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમ અને ગુજરાત પર સક્રિય થયેલી 5 જેટલી વરસાદી સિસ્ટમોને કારણે જિલ્લામાં 10 થી 20 ઇંચ જેટલો મુસળધાર વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને IMD દ્વારા બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લા માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
Banaskantha માં અતિભારે વરસાદની આગાહી
જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ભાભરમાં 11.5 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ, સુઈગામ અને દાંતીવાડામાં 7 ઈંચ તેમજ થરાદમાં ૫.૫ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે, જ્યારે યાત્રાધામ અંબાજીમાં માત્ર અડધા કલાકમાં જ ધોધમાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
જનસુરક્ષા સર્વોપરી: વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું નિવેદન
આ પરિસ્થિતિ વચ્ચે વાવ-થરાદ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે તેમણે તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "વરસાદ કે વાવાઝોડા જેવી કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર તમામ પ્રકારે સંપૂર્ણ સજ્જ છે."તેમણે નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપીને કોઈપણ આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે વહીવટી તંત્રને આદેશ આપ્યા છે.
તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ અને અપીલ
સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા NDRF અને SDRF ની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે જેથી કોઈપણ કટોકટીના સમયે ત્વરિત મદદ પહોંચાડી શકાય. વિધાનસભા અધ્યક્ષ અને વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સાવચેત રહે, નીચાણવાળા તથા નદી-નાળાના વિસ્તારોથી દૂર રહે અને તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે જેથી આ આપત્તિજનક માહોલમાં જાનમાલનું કોઈ નુકસાન ન થાય.
આ પણ વાંચો: Gujarat Flood Situation: વરસાદમાં બેઝમેન્ટની આ સ્થિતિ જોઈને લિફ્ટ વાપરતા પહેલા સાવધાન! ચોમાસામાં આટલું ખાસ ધ્યાન રાખો