Deesa News : કલેક્ટરનો આદેશ કચરાપેટીમાં? જુનાડીસા રોડ પર ડમ્પરોનો આતંક
- ડીસામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ: ડમ્પરો બેફામ
- જુનાડીસા-સમૌં રોડ પર પ્રતિબંધ છતાં ભારે વાહનો દોડ્યા
- રોડનું કામ ચાલુ હોવાથી કલેક્ટરે મુક્યો છે પ્રતિબંધ
- રેતી ભરેલા ડમ્પરોથી મજૂરો અને રાહદારીઓ પર જોખમ
- 19 જાન્યુઆરી સુધી જાહેરનામું છતાં નિયમો નેવે મુકાયા
Deesa News : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં વહીવટી તંત્રના આદેશોનું સુરસુરિયું થઈ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. જુનાડીસા અને સમૌં ગામને જોડતા મુખ્ય માર્ગ પર હાલ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું માત્ર કાગળ પરનો વાઘ બનીને રહી ગયું છે. આ રસ્તા પર રોડ નિર્માણની કામગીરી ચાલતી હોવા છતાં અને ભારે
વાહનો પર મનાઈ હોવા છતાં, રેતી ભરેલા ડમ્પરો અને ભારે વાહનો બેરોકટોક દોડી રહ્યા છે, જે તંત્રની ગંભીર બેદરકારીની ચાડી ખાય છે.
Deesa News : જાહેરનામાનો સરેઆમ ભંગ
ડીસા તાલુકાના જુનાડીસાથી સમૌં સુધીના રસ્તાની હાલત અત્યંત ખરાબ હોવાથી અને ત્યાં નવો રોડ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડીને તારીખ 19/09/2025 થી 19/01/2026 સુધી આ માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. જોકે, સ્થળ પરની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અહીં કલેક્ટરના હુકમને ડમ્પર ચાલકો અને ટ્રાન્સપોર્ટરો જાણે ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ ખુલ્લેઆમ નિયમોના લીરેલીરા ઉડાડી રહ્યા છે.
Deesa News : અકસ્માતનો ભય અને તંત્રની લાપરવાહી
એક તરફ રોડનું કામ ચાલી રહ્યું છે અને મજૂરો દિવસ-રાત કામ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ પ્રતિબંધિત ભારે વાહનોની સતત અવરજવરને કારણે અહીં કામ કરતા શ્રમિકોના જીવ તાળવે ચોંટ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભૂતકાળમાં આ માર્ગ પર અનેક ગંભીર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. તેમ છતાં, રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરો પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યા છે. જો આ બેદરકારીને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? તેવો વેધક સવાલ જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે. જાહેરનામું હોવા છતાં પોલીસ કે RTO દ્વારા કોઈ નક્કર ચેકિંગ હાથ ધરવામાં આવતું નથી તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
ડમ્પર માલિકો સામે કડક કાર્યવાહીની માંગ
જુનાડીસા અને સમૌં પંથકના ગ્રામજનો અને આ રસ્તેથી પસાર થતા નાના વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર માત્ર કાગળ પર જાહેરનામા બહાર પાડવાને બદલે તેનું ચુસ્તપણે પાલન કરાવે. નિયમ તોડનારા ડમ્પર ચાલકો અને તેમના માલિકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય.
અહેવાલ - કમલેશ નાંભાણી બનાસકાંઠા
આ પણ વાંચો : Deesa : રેતી માફિયાની દાદાગીરી; યુવકનો ધારીયા વડે કાપ્યો હાથ, જાનથી મારવાની ધમકી


