Tharad News: “શિક્ષણ એ જીવનની દિવાદાંડી” કાર્યક્રમ અંતર્ગત થરાદમાં શિક્ષણ ક્ષેત્રે સર્જાઈ ઐતિહાસિક અને પ્રેરણાદાયી સાંજ
Tharad News: શ્રી ગુરુકુલ વિદ્યામંદિર, થરાદ દ્વારા તા. 31 મે, 2026ના રોજ “શિક્ષણ એ જીવનની દિવાદાંડી” વિષય આધારિત ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં થરાદ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી 3000 થી વધુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષણપ્રેમીઓ અને સામાજિક આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Tharad માં “શિક્ષણ એ જીવનની દિવાદાંડી” કાર્યક્રમ
કાર્યક્રમના મુખ્ય વક્તા ગુજરાતના જાણીતા મોટિવેશનલ યુથ સ્પીકર અને લાખો યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા અશોક ગુર્જર સાહેબ રહ્યા હતા. તેમણે બે કલાકથી વધુ સમય સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓને જીવનમાં સફળતા મેળવવા માટે જરૂરી લીડરશિપ, લક્ષ્ય નિર્ધારણ, સમયનું મહત્વ, આત્મવિશ્વાસ, માતા-પિતાની ભૂમિકા તથા કારકિર્દી ઘડતરના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
અશોક ગુર્જર સાહેબનું પ્રેરણાદાયી વક્તવ્ય
અશોક ગુર્જર સાહેબે પોતાના પ્રેરણાદાયી વક્તવ્ય દરમિયાન વિદ્યાર્થીઓને ઓન-સ્પોટ લીડરશિપ પ્રવૃત્તિઓ અને રસપ્રદ ગેમ્સ દ્વારા સક્રિય રીતે જોડ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓમાં “હું કરી શકું છું”, “હું બની શકું છું” અને “હું ધારું તે પ્રાપ્ત કરી શકું છું” જેવી સકારાત્મક માનસિકતા વિકસાવવાનો સંદેશ આપ્યો હતો.
જરૂરી ગુણો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું
કાર્યક્રમ દરમિયાન ડૉ. ઉમંગ પટેલ (ટ્રસ્ટી) દ્વારા વૈશ્વિક સ્તરે શિક્ષણ ક્ષેત્રમાં થઈ રહેલા પરિવર્તનો, આધુનિક યુગમાં જરૂરી કૌશલ્યો અને વિશ્વ ફલક પર સફળતા મેળવવા માટે જરૂરી ગુણો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને વૈશ્વિક તકોનો લાભ લેવા માટે તૈયાર રહેવાની પ્રેરણા આપી હતી.
વિદ્યાર્થીઓ માટે ભવિષ્યલક્ષી આયોજન અંગે આપવામાં આવી માહિતી
શ્રી ગુલામ જુનેજાએ (ટ્રસ્ટી) ગુરુકુલ વિદ્યામંદિરમાં આગામી સમયમાં અમલમાં આવનારી શૈક્ષણિક પહેલો, કારકિર્દી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ અને ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ભવિષ્યલક્ષી આયોજન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને શરૂઆતથી જ પોતાના લક્ષ્ય પ્રત્યે જાગૃત રહી સતત મહેનત કરવાની પ્રેરણા આપી હતી.
કાર્યક્રમમાં આ હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ તંત્રના અધિકારીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો, આગેવાનો તથા સમાજના અગ્રણી નાગરિકોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ ગુરુકુલ વિદ્યામંદિર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.
ચોપડા વિતરણ કરાયું
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા “શિક્ષણ એ જીવનની દિવાદાંડી છે અને તે દરેક ઘર સુધી પહોંચવી જોઈએ” એવો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.
ઇન્ફ્લુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સનું સન્માન
થરાદના વિવિધ સોશિયલ મીડિયા પેજ, ઇન્ફ્લુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે થરાદમાં શિક્ષણ ક્ષેત્રના વિકાસ અને જાગૃતિ માટે સતત યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
શ્રી ગુરુકુલ વિદ્યામંદિરના ટ્રસ્ટીઓ, ટીમ તથા સ્વયંસેવકો દ્વારા આયોજન
સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ગુરુકુલ વિદ્યામંદિરના ટ્રસ્ટીઓ, ટીમ તથા સ્વયંસેવકો દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ અને મહેમાનોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
આમ, શિક્ષણને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમ થરાદના શૈક્ષણિક ઇતિહાસમાં એક યાદગાર અને પ્રેરણાદાયી ઘટના તરીકે નોંધાયો હતો.
આ પણ વાંચો: Gujarat Weather Forecast: આગામી ૩ કલાકમાં આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, 'નાઉકાસ્ટ' બુલેટિન જાહેર


