મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી મેઘરાજાની તોફાની એન્ટ્રી
રાજ્યના અનેક જિલ્લાઓમાં સોમવારે વહેલી સવારથી જ કાળાડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ખાસ કરીને ભરૂચ, અરવલ્લી, ખેડા, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં વાદળછાયા માહોલ વચ્ચે મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને અસહ્ય ઉકળાટમાંથી નાગરિકોને મુક્તિ મળી છે.
જોકે, અણધાર્યા તીવ્ર વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં ડ્રેનેજ વ્યવસ્થા ધ્વસ્ત થઈ ગઈ હતી. હાઈવે પર ભારે વરસાદના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતાં વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને ટુ-વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.
ભરૂચના કસકમાં બસો ફસાઈ અને મોડાસામાં 2 ઇંચ ખાબક્યો
ભરૂચ તાલુકામાં વહેલી સવારે માત્ર 3 ઇંચ વરસાદ ખાબકતાં જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી. શહેરના મકતમપુર ઢાળથી લઈને કસક સર્કલ સુધીના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા વરસાદી અને ગટરના પાણી ફરી વળ્યા હતા.
ભરૂચ અને મોડાસાની ગ્રાઉન્ડ સ્થિતિ:
ભરૂચ કસક સર્કલ: રસ્તાઓ પર પાણી ભરાતાં એન્જિનમાં પાણી ઘૂસી જવાથી ખાનગી લક્ઝરી બસો અને અનેક ટુ-વ્હીલરો ખોટકાઈ પડ્યા હતા. આ જળબંબાકાર વચ્ચે રસ્તા પર આખલાઓ બાખડતાં લોકોમાં દોડધામ મચી હતી.
મોડાસામાં એક કલાકમાં 2 ઇંચ: અરવલ્લી જિલ્લા મથક મોડાસામાં ટૂંકા ગાળામાં પડેલા ભારે વરસાદથી મેઘરજ રોડ, ચાર રસ્તા અને નવા બસપોર્ટ પરિસરમાં પાણી ભરાઈ ગયા હતા.
રહેણાંક સોસાયટીઓ જળમગ્ન: મોડાસાની કેદારનાથ, કલ્યાણ અને પંચજ્યોત સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.
અરવલ્લીના સરડોઈમાં ડુંગર પરથી પાણી ગામમાં ઘૂસ્યા: સોસાયટીઓ બેટ બની
અરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. મોડાસા નજીક આવેલા સરડોઈ ગામમાં નજીકના ડુંગર પરથી ભારે માત્રામાં વરસાદી પાણી ગામની શેરીઓમાં ધસી આવ્યા હતા, જેના પગલે ગામમાં નદી વહેતી હોય તેવો નજારો જોવા મળ્યો હતો.
આસપાસના ખેતરો પણ પાણીથી તરબતર થઈ જતાં તળાવ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોડાસા ચાર રસ્તા પર કમર સમા પાણી ભરાતાં વાહનો બંધ પડી ગયા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.
ખેડા અને મહીસાગરમાં કૃષિ પાકને જીવનદાન: પાવાગઢ ડુંગર પર આહ્લાદક નજારો
પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર વહેલી સવારે અદભૂત વરસાદી વાતાવરણ જામ્યું હતું. વરસાદના કારણે મંદિરના પગથિયાં પરથી પાણીના ધોધ વહેતાં મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. ભક્તોએ આ આહ્લાદક વાતાવરણ વચ્ચે માં કાળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પંચમહાલના ગોધરા શહેરમાં અંકલેશ્વર મહાદેવ રોડ, જિલ્લા પંચાયત માર્ગ અને યોગેશ્વર સોસાયટીમાં પાણી ભરાયા હતા.
બીજી તરફ, ખેડા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ રહ્યો હતો. નડિયાદ, માતર, મહેમદાબાદ, મહુધા, કપડવંજ, કઠલાલ અને ઠાસરા પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી ડાંગર, તમાકુ અને શાકભાજીના ઊભા પાકને નવું જીવનદાન મળતાં ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. મહીસાગરના લુણાવાડા, કોઠંબા, વિરપુર, કડાણા અને બાલાસિનોરમાં પણ ધીમીધારે કાચું સોનું વરસ્યું છે.
આ પણ વાંચો : Saurashtra Rain News : સૌરાષ્ટ્રમાં એક મહિનાના લાંબા વિરામ બાદ મેઘતાંડવ, અમરેલીથી ગીર સોમનાથ સુધી સુકાતા પાકને મળ્યું નવજીવન