Bhavnagar: સહકારી મંડળીઓને ઇન્કમ ટેક્સની 150 કરોડની નોટિસથી આક્રોશ
- Bhavnagar: સહકારી મંડળીઓને ઈન્કમ ટેક્સની 150 કરોડની નોટિસ
- ભાવનગર, બોટાદ અને અમરેલીમાં 135 નોટિસ ફટકાઈ
- માત્ર 17 હજાર નફા સામે 6 કરોડ નોટિસ
Bhavnagar: સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ઇન્કમ ટેક્સ વિભાગની કાર્યવાહીને કારણે ભારે ચિંતા અને આક્રોશનું વાતાવરણ સર્જાયું છે. ભાવનગર (Bhavnagar), બોટાદ (Botad) અને અમરેલી (Amreli) જિલ્લાની અંદાજિત 135 જેટલી સહકારી મંડળીઓને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કુલ 150 કરોડ રૂપિયાથી વધુની રકમની નોટિસો ફટકારવામાં આવી છે. આ કાર્યવાહી ભાવનગર સહકારી બેંક પાસેથી મેળવેલા લેવડ-દેવડના આંકડાઓના આધારે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેના પગલે સહકારી સંઘોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
Bhavnagar: માત્ર 17 હજાર નફા સામે 6 કરોડ નોટિસ
ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ આકારણી અત્યંત આશ્ચર્યજનક અને અસંગત હોવાની ફરિયાદો ઉઠી છે. આક્ષેપ છે કે માત્ર 17 હજાર રૂપિયાના નજીવા નફા સામે એક મંડળીને 6 કરોડ રૂપિયાની માતબર રકમની નોટિસ આપવામાં આવી છે. આ જ પ્રકારની કાર્યવાહી અન્ય મંડળીઓ સાથે પણ થઈ છે, જેમાં દિહોર સેવા સહકાર મંડળીને 20 કરોડ રૂપિયાની, પાટણા મંડળીને 11 કરોડ રૂપિયાની અને સોડવદરા સેવા સહકાર મંડળીને 9 કરોડ રૂપિયાની નોટિસ આપવામાં આવી છે. આટલી જંગી રકમની નોટિસો મંડળીઓના અસ્તિત્વ સામે મોટું સંકટ ઊભું કરે તેમ છે.
ઈન્કમ ટેક્ષની કાર્યવાહીમાં રોષ
આ અન્યાયી કાર્યવાહીના વિરોધમાં સહકારી મંડળીઓના સંચાલકો એકજૂથ થયા છે. સિદસર જૂથ સહકારી મંડળીના પ્રમુખ ભીખાભાઈ જાજડિયા સહિતના અનેક હોદ્દેદારોએ આ નોટિસોને તર્કહીન ગણાવી તેનો સખત વિરોધ નોંધાવ્યો છે. મંડળીઓના પ્રમુખોની માંગ છે કે ઇન્કમ ટેક્સ વિભાગે પોતાની આ કાર્યવાહી પર પુનર્વિચાર કરવો જોઈએ. આ મામલે પોતાનો વિરોધ નોંધાવવા અને તંત્રનું ધ્યાન દોરવા માટે તમામ મંડળીઓના પ્રતિનિધિઓ આવતીકાલે ભાવનગર ખાતે એકત્રિત થઈને ઇન્કમ ટેક્સ અધિકારીને આવેદન પત્ર સુપરત કરશે.
આ પણ વાંચો: Bhavnagar: સરતાનપર દરિયામાં ડૂબી જવાથી સગા ભાઈ-બહેનનું મોત


